Rising High

rising high by darshali soni.jpg

મને તો વિદેશીઓનો આ કન્સેપ્ટ વધુ ગમે છે – ૧૮ વર્ષ પછી તમારે સ્વનિર્ભર થવા માટે ઘરની બહાર દુનિયાના અનુભવો કરવા નીકળી જવાનું. પછી તમે પડો કે આગળ વધો – તમારી જાતે જ દુનિયાને સમજવાની અને ટકવાનું પણ ખરું. જો કે દરેક વ્યક્તિ માટે આ સફર સરળ નથી હોતી. ઘણા લોકો પાછા પડી જતા હોય છે તો ઘણા લોકો આવી કોઈ સફર જ શરૂ નથી કરતા.

પણ વિકટરે તો આ સફર શરૂ કરી. આજે એક એવા મૂવીની વાત કરવી છે જેમાં કઈ રીતે એક યુવા વધુ પડતી મહત્વકાંક્ષા અને નાણાની લાલચને લીધે ખોટા રસ્તે ચડી જાય છે. ૨૦૨૦માં આવેલ આ મૂવીનું નામ છે – રાઈઝિંગ હાઈ.

 ઘર છોડ્યા બાદ વિક્ટર એક કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરવા જાય છે. રોજનું મળતું મહેનતાણું પૂરતું નથી. તેમાંથી તો રહેવા છત મળે તેટલા નાણા પણ નહોતા મળતા. તેથી તે એક જુગાડ કરે છે – એક ખોટું ડોક્યુમેન્ટ બનાવે છે જેના પરથી સાબિત થાય કે તે કોઈ મોટી કંપનીમાં લાંબા સમય માટે કામ કરે છે જેથી તેને સારામાં સારી જગ્યા ભાડે મળી જાય છે. તે કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા લોકોને પોતાના ઘરમાં રહેવાનું કહે છે – દરરોજનું ભાડું આપીને.

જો કે તેનો આ જુગાડ લાંબા સમય સુધી ટકતો નથી કારણ કે અભણ લોકોને સારા લોકેશનમાં કેવી રીતે રહેવું તે તો નથી જ આવડવાનું. આ સમયમાં જ વિક્ટરને તેના જેવો જુગાડું મળે છે – ગેરી.

તે બંનેની ભાઈબંધી ધંધામાં પરિણમે છે. તેઓ એક નવો ધંધો શરુ કરે છે. જે જગ્યાએ ઘર વેચાવાની હરાજી થતી હોય ત્યાં તેઓ જવાનું શરુ કરે છે. ઓછા ભાવમાં ઘર કરી દે – તેના બમણા ભાવ રાખીને લોકોને ઘર ખરીદવામાં મદદ કરે, લોન પાસ કરાવવા બેંકની એક સ્ત્રી નિકોલ સાથે જોડાઈ જાય છે. તે લોકોની લોન પાસ કરાવી આપે છે અને આ રીતે વિક્ટર, નિકોલ અને ગેરીની જોડી બહુ ઓછા સમયમાં કરોડપતિ બની જાય છે.

નાણા કમાવવાની આવડત હોવી અને નાણા ટકાવી રાખવાની આવડતમાં ફેર છે. વિક્ટર નિકોલ સાથે લગ્ન કરી લે છે. તેની ઘરે એક દીકરીનો પણ જન્મ થાય છે. પણ વિક્ટર અને ગેરી – ડ્રગ્સ અને વેશ્યાઓમાં પોતાના નાણા ખર્ચવા લાગે છે. એકવાર નિકોલને ખબર પડે છે કે તેના ઘરમાં ડ્રગ્સ છે. તેથી તેણી વિક્ટરને છોડીને જતી રહે છે. પછી વિક્ટર અને ગેરી ટેક્સના ગોટાળામાં ફસાઈ જાય છે. વિક્ટરને જેલ થાય છે અને નિકોલ તેની દીકરી સાથે એક સામાન્ય જીવન વિતાવતી હોય છે. કારણ કે આ ફ્રોડને લીધે તેનું બેંકનું લાઈસન્સ પણ રદ થઇ ગયું હોય છે. ગેરી અન્ડર ગ્રાઉન્ડ થઇ જાય છે.

મુવીમાં વિક્ટર પોલીસને તેની આખી કહાની જણાવે છે – તેના પરથી તમને મૂવીની આખી વાર્તા ખબર પડતી જશે. થોડા સમય બાદ વિક્ટર જેલમાંથી છુટી જાય છે. ત્યારે તેની નાની એવી દીકરી ૧૦ વર્ષની થઇ ગઈ હોય છે. વિક્ટર તેને મળવાનો પ્રયત્ન કરે છે. અને હવે તે જીવનની શરૂઆત કેવી રીતે કરશે તે વિચારે છે.

ત્યાં જ તેની સામે ફરીથી ઘરની હરાજીમાં જવાની તક આવે છે – અને માણસ તેની ફિતરત અને સ્વભાવ નથી છોડતો તે તમને સમજાઈ જાય છે. આ એક એવું મુવી છે જે તમને સમજાવશે કે કઈ રીતે વધુ પડતી ઈચ્છા, લાલચ, અને માણસની વધુ પડતી જુગાડું બનવાની ફિતરત તેને ખોટા રસ્તે દોરી જાય છે. એ વાત સાચી કે આપણે હાલમાં એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ચારે તરફ લાલચ, ઇચ્છાઓ, નાણાની જ વાતો છે. તેથી માનવી તેના તરફ આકર્ષાઈ જાય તેમાં કોઈ નવાઈ નથી. પણ કેટલી હદે તે માનવીએ પોતાને નક્કી કરવાનું છે.