જયારે હીરોને વિલન માની લેવામાં આવે ત્યારે....
સામાન્ય રીતે જયારે બોમ્બ બ્લાસ્ટ થાય ત્યારે ત્યાં હાજર બધા લોકો સરકારની નજરમાં શંકાસ્પદ જ બની જાય છે. પણ કોઈવાર “ખોખલી” સરકાર તેને સહેલા પડે તેવા નિર્ણયો લેવા માટે - નિર્દોષ વ્યક્તિને પણ ફસાવી દેતા અચકાતા નથી. આવું જ કંઇક રીચાર્ડ જ્વેલ સાથે પણ થયું.
૨૦૧૯માં આવેલ મૂવીનું નામ પણ “રીચાર્ડ જ્વેલ” જ છે. આ મૂવી સત્યઘટના આધારિત છે. ૧૯૯૬માં જયારે એટલાન્ટા ઓલમ્પિકસમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે સરકાર માટે સિક્યુરીટી ગાર્ડ રીચાર્ડ જ્વેલ સરકારના ખોટા અનુમાનનો શિકાર બન્યા. રીચાર્ડને જ બોમ્બનું બેગ મળ્યું હતું, તેણે જ હાજર લોકોને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેણે જ બોમ્બ સ્કાવ્ડ ટીમને બોલાવી હતી - આમ છતાં સરકારે સૌથી પહેલા રીચાર્ડ જ્વેલને જ શંકાના દાયરામાં લીધા. તેની પાછળ અનેક કારણો જવાબદાર હતા.
સરકારના અમુક ઓફિસર્સને એવું લાગતું હતું કે રીચાર્ડને પ્રખ્યાત થવું હતું, તે ઘણા વર્ષોથી પોલીસ બનવાનો પણ પ્રયત્ન કરતા હતા, તેણે જ બોમ્બ શોધ્યો હતો અને તેને કોઈ ઈજા પણ થઇ નહોતી - તેમજ તે એક એવા સામાન્ય નાગરિક હતા - જે સરકારની સામે લડત આપી શકવા સક્ષમ નહોતા. - આ બધા કારણોને ધ્યાનમાં લઈને રીચાર્ડ સાથે સરકારના ઓફિસર્સ દ્વારા એ બધા જ પેતરા અજમાવવામાં આવ્યા જે એક ગુનેગાર પર અજમાવવામાં આવે.
તેને ખોટું બોલીને ઈન્વેસ્ટીગેશન માટે લઇ ગયા, તેના ઘરની તપાસ કરીને બધો જ સામાન લઇ ગયા, તેના મિત્રોને પણ હેરાન કર્યા, રીચાર્ડને પણ વારંવાર હેરાન કરવામાં આવ્યા. રીચાર્ડ એક વકીલને તો પોતાની સાથે રાખે છે. આમ છતાં તેનો સરળ સ્વભાવ - જેમાં તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની સાથોસાથ સરકારને મદદ પણ કરવા માંગે છે. એક એવી સરકાર - કે જે રીચાર્ડ - એક હીરો - જેણે ઘણા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો તેને જ વિલન બનાવવા માટે પ્રયત્નો કરે છે.
એક સમય એવો પણ આવે છે કે સરકારના ઓફિસર્સને પૂરતા પૂરાવા મળી ગયા હોય છે કે રીચાર્ડ નિર્દોષ છે - આમ છતાં તેઓ રીચાર્ડને ગૂનેગાર બનાવવા પ્રયત્નો કરતા રહે છે. અંતે રીચાર્ડનું શું થાય છે તે જાણવા માટે તો તમારે મૂવી જોવું રહ્યું. જયારે તમે આ પ્રકારના મૂવી જોવો ત્યારે એકવાર તો મન વિચારશે જ ખરેખર સરકારની સીસ્ટમ કેટલી ઉત્તમ છે? શું તેમાં કોઈ ભૂલો જ નથી? શું તેમાં કોઈ ભ્રષ્ટાચાર જ નથી? શું દરેક વખતે ગૂનેગારને જ સજા મળે છે? કે પછી નિર્દોષ - મદદ વિહોણો હોવાથી સૂડીએ ચડી જાય છે?
શું સત્યને શોધવા માટે ખરા પ્રયત્નો કરવામાં આવે છે? જયારે રીચાર્ડ પર આ ખોટો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે રીચાર્ડ અને તેના કુટુંબને અનેક મૂશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. માનસિક તણાવને લીધે રીચાર્ડ અને તેની માતાના જીવનમાં અનેક પ્રશ્નો ઉભા થયા. મૂવીના અનેક સીન તમને વિચારતા કરી દેશે? શું અન્યાય સહન કરવો જરૂરી છે? - આવા તો અનેક પ્રશ્નોના વમળો ઉભા થશે. તેમજ આવા બધા કેસમાં - એફબીઆઈ અને મીડિયાનો રોલ તો ભૂલી જ ન શકાય.
એક સમય એવો આવે છે કે મીડિયા જ રીચાર્ડને ખરાબ રીતે ચીતરવા માટે જવાબદાર હોય છે. આવા સમયે સરકાર અને મીડિયા એક નિર્દોષ વ્યક્તિનું જીવન બરબાદ કરવામાં સક્ષમ બની જાય છે. જો તમને સત્યઘટના જાણવામાં રસ હોય અને સરકાર કેવી ભૂલો કરી નાખે છે તે જાણવામાં રસ હોય તો આ મૂવી જરૂરથી એકવાર જોવું જોઈએ. દુનિયાને રીચાર્ડનું સત્ય ખબર પડે છે કે નહી તે જાણવા માટે પણ આ મૂવી જોવું રહ્યું.