Ratatouillie

ratatouillie by darshali soni.jpg

રાટાટુઈ - એક સફળ શેફની કહાની

પિક્સાર દ્વારા અનેક ઉત્તમ એનીમેટેડ મુવીઝ બનાવવામાં આવ્યા છે. દરેક મૂવીની પોતાની આગવી ખાસિયત હોય છે. દરેકની વાર્તાથી લઈને પાત્રો કંઇક ને કંઇક શીખવી જાય છે. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી કલ્પનાઓને પિક્સાર મુવીમાં દેખાડે છે. ૨૦૦૭માં રીલીઝ થયેલ રાટાટુઈ મુવી પણ એવું જ એક એનિમેટેડ મુવી છે.

પહેલાં તો મુવીનું ટાઈટલ જ સમજીએ તો રાટાટુઈ એ ફ્રાંસમાં બનતી ખાસ ડીશ છે. તેની અલગ જ રેસીપી હોય છે. તે ફ્રાંસની એક પ્રખ્યાત ડીશમાંની એક છે. હા, આ મુવી રેસ્ટોરન્ટ અને શેફની કહાની સાથે જોડાયેલ છે. તો વાર્તા કંઇક એવી છે કે તમે ક્યારેય કલ્પના કરી શકો કે એક ઉંદર પણ ઉત્તમ શેફ હોઈ શકે? રેમી નામનો ઉંદર આ મુવીમાં એક ઉત્તમ શેફ હોય છે. તેને કુકિંગનો ખૂબ જ શોખ હોય છે. જેમ દરેક વ્યકિત માટે કોઈ આદર્શ વ્યક્તિ હોય તે જ રીતે રેમી ગુસ્તાવ નામના અતિ પ્રખ્યાત શેફને પોતાના આદર્શ માનતો હોય છે.

રેમી જેના ઘરમાં રહેતો હોય છે તેના માલિક દરરોજ ગુસ્તાવનો કુકિંગ શો જુએ. રેમી પણ તેની સાથે એ કુકિંગ શો જુએ અને એક દિવસ મહાન શેફ બનવાના સપના જુએ. હવે એકવાર થાય છે એવું કે રેમી માલિકના રસોડામાં કંઇક રેસીપી બનાવવા માટે મથતો હોય છે અને માલિક તેને જોઈ જાય છે. તેથી તે ત્યાંથી ભાગી નીકળે છે અને ફરતા ફરતા ફ્રાંસના રેસ્ટોરન્ટ ગુસ્તાવ પાસે પહોંચી જાય છે. તે જેને પોતાના આદર્શ માને છે તે જ ગુસ્તાવના રેસ્ટોરન્ટ પાસે તે પહોંચે ત્યારે જુએ છે કે તે રેસ્ટોરન્ટ ગુસ્તાવ જીવતા હતા ત્યારે જેટલું પ્રખ્યાત હતું તેટલું હાલમાં નથી.

એક ક્રિટિક આવીને નકારાત્મક અભિપ્રાય આપી જાય છે તેથી તે રેસ્ટોરન્ટની પ્રખ્યાતી ઘટી જાય છે. ત્યાં એક લીન્ગવીની નામનો શેફ કામ કરતો હોય છે. હકીકતમાં તો તે લીન્ગવીની આ રેસ્ટોરન્ટનો વારસદાર હોય છે પણ રેસ્ટોરન્ટના મેનેજર તેનાથી આ વાત છુપાવીને રાખે છે. લીન્ગવીની આ બોલતા અને કુકિંગનું પેશન ધરાવતા રેમીને મળે છે. ત્યારબાદ ધીમે ધીમે રેમી લીન્ગવીની મદદ કરે છે અને તેને એક સારો શેફ બનાવે છે. લીન્ગવીની અને રેમીની જોડીની કમાલને કારણે ગુસ્તાવનું રેસ્ટોરન્ટ ફરીથી પ્રખ્યાત થઇ જાય છે. તો ચાલો જાણીએ કે એક નાનો એવો ઉંદર રેમી આપણને શું શીખવાડે છે:

૧ સપના માટેની ચાહત

જો તમારામાં તમારું કોઈ સપનું પૂરું કરવા માટેનું ગાંડપણ હોય અને સમર્પણ હોય તો તમે તમારું સપનું ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં અને ગમે તેવા જોખમો ઉઠાવીને પણ પૂરું કરી જ શકો છો. રેમી તો એક ઉંદર હતો. પણ તેની શેફ બનવાની ચાહત અને પેશન જબરું હતું. તેના કુટુંબનો વિરોધ, માલિકના ઘરમાંથી ચાલ્યું જવું, લીન્ગવીનીને કુકિંગ શીખવવું - આ બધી જ પરિસ્થિતિઓનો તે દ્રઢતાથી સામનો કરે છે અને પોતાનું સપનું પૂરું કરે છે. તે પરિસ્થિતિ સામે હાર માની લેતો નથી.

૨ ગુસ્તાવની ફિલોસોફી

આ મુવીમાં રેમી ગુસ્તાવની કુક બુક વાંચીને તેમાંથી કુકિંગ શીખવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે તેને ગુસ્તાવની એક ફિલોસોફી બહુ સારી રીતે સમજાઈ જાય છે કે "જો તમે શું છૂટી ગયું છે તેના પર જ ધ્યાન આપ્યે રાખશો તો ભવિષ્યમાં જે મળવાનું છે તે પણ ક્યારેય મેળવી નહી શકો." ભૂતકાળ બદલી શકવાનો નથી. તેને કારણે થઈને ભવિષ્ય શા માટે બગાડવું? રેમી તેના આદર્શ ગુસ્તાવની દરેક ફિલોસોફીને અનુસરે છે. તમે પણ તમારો ગુસ્તાવ શોધી શકો અથવા પોતે જ ગુસ્તાવ બનીને તમારા જીવનની ફિલોસોફી નક્કી કરી શકો.

૩ ગમતું કામ

અહી સ્ટીવ જોબ્સની વાત સાચી પડે છે કે તમને જે કામ ગમતું હોય તે જ કામ તમે કરો. જો તમે તમારું ગમતું કામ જ કરતા હશો તો તેમાંથી તમે ક્યારેય કંટાળશો પણ નહી અને તે કામ તમે ઉત્તમ રીતે પણ કરશો. રેમી માટે કુકિંગ તેનું પેશન હતું. તે કામ તેને સૌથી વધુ ગમતું હતું. તેથી જ તો તે કુકિંગમાં શેફ બની શક્યો. તમારું ગમતું કામ કે તમારું ફીતુર શોધો અને ઉત્તમ પરફોર્મન્સ આપો.

૪ દ્રષ્ટિકોણ

જે ક્રિટિકે રેસ્ટોરન્ટ માટે નકારાત્મક અભિપ્રાય આપ્યો  હતો તે જ ક્રિટિક ઘણા વર્ષો પછી તે રેસ્ટોરન્ટમાં પાછો આવીને લીન્ગવીની પાસે તેના રેસ્ટોરન્ટની બેસ્ટ ડીશ રાટાટુઈ માંગે છે. આ સમયે લીન્ગવીની પાસે બે વિકલ્પો હોય છે: તે ઈચ્છે તો આ વાતને પડકાર ન સમજતા તક સમજીને પોતાની જાતને પૂરવાર કરે અથવા હાર માનીને એમ કહી દે કે તે ડીશ તેનાથી નહી બની શકે.

લીન્ગવીની હાર માનતો નથી અને પડકારને એક તકના દ્રષ્ટિકોણથી જોઇને રેમી સાથે મળીને રાટાટુઈ બનાવે છે અને ફરીથી તેના રેસ્ટોરન્ટને પ્રખ્યાત બનાવી દે છે.

પિક્સારના મુવીઝ્ની ખાસિયત જ  એ છે કે તેમાં અશક્યને શક્ય બનાવી દેવામાં આવે છે. જેમ કે આ મુવીમાં ઉંદરનું બોલવું અને એક ઉંદર એક વ્યક્તિને સારો શેફ બનાવે. રેમીમાંથી ઘણું શીખવા જેવું છે.  તેથી એકવાર તો આ મુવી જોવું જ જોઈએ.

આભાર

દર્શાલી સોની