પરસ્યુટ ઓફ હેપીનેસ
એક ક્રીસ ગાર્ડનર નામના સેલ્સ્મેનના જીવનની સત્યકથા પરથી બનેલું મુવી એટલે પરસ્યુટ ઓફ હેપીનેસ. વિલ સ્મિથ અને તેનો દીકરો જેડન સ્મિથે આ મુવીમાં પણ પિતા-પુત્રનું પાત્ર ભજવ્યું છે. ૨૦૦૬માં રીલીઝ થયેલ આ મુવી ઓસ્કાર માટે પણ નોમીનેટ થયેલી છે. માનવીના જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષ હોવા છતાં ખૂશીની શોધ કઈ રીતે કરવી તેની કહાની એટલે પરસ્યુટ ઓફ હેપીનેસ.
આ મુવીમાં ક્રીશ બોન ડેન્સીટી સ્કેનર ફીઝીશીયનને વેચતો હોય છે. તેણે તેની બધી જ બચત આ મશીનના રોકાણમાં લગાવી દીધી હોય છે. તેની પત્ની લીંડા પણ એક લોન્ડ્રીમાં કામ કરતી હોય છે. તેઓનો પાંચ વર્ષનો પુત્ર એટલે ક્રિષ્ટોફર. સમય જતા નાણાકીય મુશ્કેલીઓને કારણે ક્રીશ પર તેના ઘરના ભાડાનું ત્રણ મહિનાનું દેવું ચડી જાય છે અને જીવનનિર્વાહ મુશ્કેલ થઇ જાય છે. આ જ સમયે તેની પત્ની લીંડા પણ તેને છોડીને ચાલી જાય છે. તેથી ક્રીશ અને તેનો પુત્ર ક્રિષ્ટોફર ઘરવિહોણા થઇ જાય છે. ક્રીશ આ નાણાની ખેંચાખેંચીમાંથી બહાર નીકળવા માટે રસ્તાઓ શોધતો હોય છે. ત્યારે જ તેને ખબર પડે છે કે સ્ટોક બ્રોકર બનવા માટેની એક ઇન્ટર્નશીપમાં ૬ મહિના વગર પગારે કામ કરવાથી ટ્રેઈનીંગના અંતે જો તેને નોકરી મળી જાય તો નાણાકીય પ્રશ્નો હલ થશે.
ક્રીશ તેના પુત્રને સાચવવાની સાથોસાથ બોન ડેન્સીટી સ્કેનર વેચવાનો પ્રયત્ન કરે છે અને ઇન્ટર્નશીપમાં જોડાય છે. આમ સંઘર્ષના અંતે તેને નોકરી મળી જાય છે. આખા મુવીમાં ક્રીશ અને તેનો પુત્ર ક્રિષ્ટોફર અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે આમ છતાં કઈ રીતે એકબીજાને હકારાત્મક વલણ રાખવા માટે પ્રોત્સાહન આપતા રહે છે અને એકબીજાને તૂટવા નથી દેતા - તે આ મુવીમાંથી શીખવા જેવું છે. ચાલો જાણીએ શું શીખવે છે - "પરસ્યુટ ઓફ હેપીનેસ"
૧ તમે ન કરી શકો
જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તમે કંઇક નવું કરો અથવા અલગ કરો અથવા કંઇક અઘરું શીખવાનું શરુ કરો ત્યારે અનેક લોકો આવીને તમને કહેશે કે તમે આ ન કરી શકો. તમે તેની વાત સાંભળીને નાસીપાસ પણ થઇ જશો અને પ્રયત્ન કરવાનું બંધ કરી દેશો. ક્રીશ તેના પુત્રને સમજાવતા કહે છે કે સામેવાળું વ્યક્તિ કંઇક ન કરી શક્યું તેનો મતલબ એવો નથી કે એ કામ તમે પણ ન કરી શકો. કોઈપણ વ્યક્તિ આવીને તમને ગમે તેટલો હતાશ કરવાનો અને નવા રસ્તેથી પાછા વાળવાનો પ્રયાસ કરે. આમ છતાં તમે હાર ન માનો. પોતાની જાત પર વિશ્વાસ રાખો. નવું શીખવા માટે મહેનત કરો અને તમારું ધ્યેય હાંસિલ કરો.
૨ મદદ
પાંચ વર્ષનો ક્રિષ્ટોફર તેના પિતાને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ જાણીતી વાર્તા કહે છે - નદીમાં પૂર આવે છે. એક માનવી પાણીમાં ડૂબવાનો હોય છે. એક હોડીવાળો આવે છે અને પૂછે છે - "તમારે મદદની જરૂર છે?" માનવી કહે છે - "ના, મને ભગવાન બચાવશે." બીજી હોડી બચાવવા આવે છે. માનવી તેને પણ ના પાડી દે છે. માનવી મરી જાય છે અને ભગવાનને સ્વર્ગમાં જઈને ફરિયાદ કરે છે કે તેને શા માટે ન બચાવ્યો ત્યારે ભગવાન કહે છે કે તેણે જ તો બે હોડી મોકલી હતી. જીવનમાં પણ આવું જ છે. મદદ માંગો તો મળશે જ. તમારો દ્રષ્ટિકોણ સાચો હોવો જોઈએ.
૩ ખૂશી
અનેક પ્રકારના સંઘર્ષમાંથી પસાર થયા બાદ ક્રીશને સમજાય છે કે માનવી જીવનભર ખૂશીને પામવા પાછળ ભાગતો રહે છે. પરંતુ શું તેને ખરેખર ખૂશી મળે છે? બની શકે ખુશીની માત્ર શોધ જ કરવાની હોય છે.
ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ નાસીપાસ ન થવું અને મહેનત કરતા જ રહેવું તે જ તો જીવન જીવવાની સાચી રીત છે. ક્રીશ હાર ન માન્યો. તેને ખબર હતી કે ખરાબ સમય પછી સારો સમય આવશે જ. વિલ સ્મિથ અને જેડન સ્મિથના ફેન હો અને તમને મોટીવેશન આપે તેવા મુવી જોવા ગમતા હોય તો આ મુવી તમારે જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની