પ્રેસ્ટીજ – એક જાદુઈ દુનિયા
તમે વર્ષોથી એવા અનેક મુવીઝ જોયા હશે જેમાં બે પાકા મિત્રો દુશ્મન બની જતા હોય છે. પણ હવે એવી કલ્પના કરો કે બે એવા મિત્રો કે જે વર્ષોથી જાદુઈ દુનિયા સાથે સંકળાયેલા હોય અને અચાનક જ બન્ને એકબીજાના કટ્ટર દુશ્મન બની જાય તો? એકબીજા બદલો વાળવા માટે જાદુનો ઉપયોગ કરીને નુકસાની પહોંચાડે તો? આવા તો અનેક ટ્વીસ્ટ સાથેનું આ મુવી એટલે પ્રેસ્ટીજ.
આ મુવી ૨૦૦૬માં આવેલું છે. તેમાં પણ આખી વાર્તા બહુ જ જૂના જમાનાની હોય તે રીતે દર્શાવવામાં આવી છે. મુવીના પાત્રોની વાત કરું તો મુવીમાં હોલીવુડના મોટાભાગના સુપર્હીરોઝ આ મુવીમાં છે. પછી બેટમેન વાળો ક્રિસ્ટીન બેલ હોય કે પછી એક્સ મેન વાળો હ્યુજ જેકમેન હોય. હા, આ મુવીમાં સ્કારલેટ જહોન્સન પણ છે. મુવીના મુખ્ય બે પાત્રો છે – આલ્ફ્રેડ અને રોબર્ટ – બંને પાક્કા અને હોશિયાર જાદુગરો. એક હિરોઈન – કે જે ઓલિવિયા છે. આ બધા સાથે મળીને કઈ રીતે જીવનમાં લાગણીઓને ,બદલાને અને પ્રખ્યાતીને મહત્વ આપીને શું નુકસાની અને ફાયદો મેળવે છે તેની કહાની એટલે પ્રેસ્ટીજ.
તો ચાલો જાણીએ શું શીખવે છે પ્રેસ્ટીજ.
૧ બલીદાન
મિત્રતા અને પ્રેમ હોય ત્યાં એકબીજા માટે બલીદાન આપોઆપ આવી જતું હોય છે. કોઇપણ સંબંધ હોય – જીવનમાં બધા લોકો એકબીજા માટે બલિદાન કરતા જ હોય છે. પણ હા, આ બલીદાનની પણ એક કિંમત હોય છે. તમે કોના માટે કેટલું બલિદાન કરવા માટે તત્પર છો તેના પરથી નક્કી થાય છે કે તમારા સંબંધો કેવા છે. આલ્ફ્રેડ અને રોબર્ટ પણ તેઓની મિત્રતામાં અનેક બલિદાનો કરે જ છે.
૨ ભ્રમ
જાદુનો બધો જ ખેલ ભ્રમ પર ટકેલો છે. તમે જીવનમાં બીજાને ભ્રમમાં રાખી શકો છો કે તમારી જાતને તે તમારે નક્કી કરવાનું છે. જીવન એક જાદુઈ દુનિયા જ છે. ઘણીવાર તમને જ ખબર નહી પડે કે તમે કેટલા વર્ષો સુધી ભ્રમમાં જીવતા હશો. કઈ રીતે બન્ને મિત્રો ભ્રમની જાદુઈ રમતોથી દુનિયાને ચકમામાં રાખે છે તે તમને આ મુવીમાં જોવા મળશે.
૩ પ્રખ્યાતી
હાલમાં નાનામાં નાની વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિને પણ પ્રખ્યાતીની ભૂખ તો હોય જ છે. આની દોટમાં તો કેટલાય સંબંધો તૂટી જતા હોય છે. આવું જ તે બંનેના જીવનમાં પણ થાય છે. તમે પણ એકવાર વિચારી જુઓ કે તમે જીવનમાં પ્રખ્યાતીને કેટલી હદે મહત્વ આપી રહ્યા છો અને તેના કારણે કઈ ચુકી રહ્યા તો નથી ને.
૪ લાગણીઓ
જેમ લાગણીઓ માનવીને જીવતો રાખે છે તે જ રીતે લાગણી માનવીને જીવતેજીવ મારી પણ નાખે છે. જીવનમાં અમુક લાગણીઓ એવી હોય છે કે જે તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે તો વળી અમુક લાગણીઓ એવી હોય છે કે જે તમારા જીવનને નષ્ટ કરી નાખે. જેમ કે આલ્ફ્રેડ અને રોબર્ટમાં રહેલી બદલાની ભાવના. તેની આ જ લાગણીને કારણે તેના જીવનનની કારકિર્દી અને મિત્રતાનો અંત આવે છે.
જો કે આ મુવીમાં ડાયલોગ સૌથી ઉત્તમ છે. તે અહી કહીને હું તમારી મુવી જોવાની મજા નહી બગાડું. મુવી બે વખત ઓસ્કારમાં નોમીનેટ થયું છે. કેમ ન થાય? તેમાં આટલા સારા અભિનેતાઓ પણ છે. જો તમને જાદુ સાથે જોડાયેલા મુવી જોવા ગમતા હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની