Playing it cool

Playing-It-Cool by darshali soni.jpg

પ્લેઇંગ ઈટ કુલ પ્રેમને સમજવાની મથામણ

સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મની વાર્તા કેવી હોય છે? છોકરો અને છોકરી મળે? પ્રેમમાં પડે, મુશ્કેલીઓ આવે અંતે તેઓ ફરીથી મળી જાય અને મુવી પૂરું. આટલા ચાર ક્રમમાં જ અનેક પ્રકારના ટવીસ્ટ સાથે હજારો ફિલ્મ્સ આવેલી છે. પણ દરેક રોમેન્ટિક ફિલ્મ અલગ કેવી રીતે તરી આવે છે? – હીરો અને હિરોઈનના કારણે, વાર્તામાં રહેલી લાગણીઓને કારણે, તેઓ જે કોઈપણ મુશ્કેલીઓમાંથી પસાર થાય તે સમજવાની અને જીવવાની મથામણને કારણે, અને અંતે પ્રેમ મળી જ જશે તેવી આશામાં સતત પ્રયત્નો કરતા રહેવાની ફિતરતને કારણે.

૨૦૧૪માં આવેલું ક્રીસ ઇવાન્સ અને મિશેલ મોનાહેન અભિનીત “પ્લેઇંગ ઈટ કુલ” મૂવીની વાર્તા પણ કંઇક આવી જ છે. એક યુવાન સ્ક્રીનપ્લે લેખકને રોમેન્ટિક મુવી લખવાનો પ્રોજેક્ટ મળે છે. પણ તેને પોતાને તો ક્યારેય પ્રેમમાં રસ પડ્યો જ નથી. તેને તો પ્રેમ પર ભરોસો જ નથી. તેણે પોતાના હ્રદયને એક કાળો કોટ, ટોપી અને સિગરેટ આપીને રસ્તા પર મૂકી દીધું છે. એક એવું હ્રદય કે જે પ્રેમ કરતા ડરે છે અને પ્રેમ કરવા માંગતું જ નથી. આ યુવાનના જીવનમાં આવે છે એક સુંદર છોકરી. બંને એક ચેરીટી ઇવેન્ટમાં મળે છે. પણ તેનો તો એક બોયફ્રેન્ડ હોય જ છે. અને તેણી તેની સાથે લગ્ન પણ કરવાની હોય છે.

આમ છતાં સમય જતા તેઓની મિત્રતા ગાઢ થાય છે. સાથે સાથે બધી ઈવેન્ટ્સમાં જવા લાગે છે.  યુવાનને પ્રેમ થઇ જાય છે. યુવતીને પણ પ્રેમ થાય જ છે. પણ તે પ્રેમ સ્વીકારી શકતી નથી. શું તે બંને પ્રેમ સ્વીકારે છે? શું તે યુવાન પોતાની રોમેન્ટિક સ્ક્રીપ્ટ લખી શકે છે? તેના માટે તમારે મુવી જોવું પડશે. અથવા તો હું અહી જ તમને જણાવી આપું.

યુવાનની બોયફ્રેન્ડ સાથેની ફાઈટ, યુવાનના ચાર અલગ અલગ ક્ષેત્રના પાક્કા દોસ્તારોની પ્રેમ પરની અલગ અલગ ફિલસુફીની સલાહો, પોતાના મનમાં રહેલા અનેક કેરેક્ટરસની વાતો, પોતાના અનુભવો – આવા અનેક પડાવો બાદ બંને એકબીજાને પ્રેમ કરે છે તે સ્વીકારે પણ છે અને બધું જ છોડીને પોતાની પ્રેમની દુનિયામાં ખોવાઈ પણ જાય છે.

બસ, મૂવીની વાર્તા તો આટલી સરળ જ છે. પણ આ મથામણ જોવાની મજા આવશે. ૮૦% મુવી સ્ટોરી પર બનેલું છે. એટલે કે મૂવીની વાર્તામાં અભિનેતા તમને કોઈ વાત સમજાવવા માટે વાર્તા કહેશે અને તે કાલ્પનિક વાર્તામાં હીરો પણ પોતે જ હશે અને હિરોઈન તેની ગમતી છોકરી જ હશે. અભિનેતા સિવાયના પાત્રો પણ જયારે કોઈ વાર્તા કહેતા હશે ત્યારે ક્રીસ ઇવાન્સ તમને તે વાર્તા પોતે જ અભિનય કરીને દેખાડશે. મુવીના અમુક સીન અને સ્ક્રીનપ્લે રાઈટીંગ આ રીતે અલગ કરેલું છે. જેથી તમને મુવી જોવામાં રસ પડે.

મુવીના દરેક પાત્રોની પોતાની એક સ્ટોરી છે – દરેક પાત્રોની પ્રેમ માટેની અલગ અલગ પરિભાષા છે. યુવાન પોતે સ્ક્રીનપ્લે રાઈટર, તેનો એક મિત્ર - સ્કોટ ગે છે. કે જે છેલ્લા બે વર્ષથી એક યુવાનને પોતાનો પ્રેમ જાહેર કરવા માંગે છે પણ નથી કરી શકતો, પોતાના જીવનમાં ગે હોવાની અને સમાજની સામે સ્વીકારવાની તાકાત તેનામાં એક પુસ્તકના કારણે આવે છે – કે જે પ્રેમ માટે એવું વિચારે છે કે પ્રેમમાં તો બેલેન્સ હોય છે, પ્રેમમાં બે પાત્રો હોય છે એક પાત્ર નથી હોતું, પોતે હીરોને હંમેશા મદદ કરવા તૈયાર, તેની સાથે સારા-ખરાબ દરેક સમયમાં તેની સાથે રહેનાર – એક આવો મિત્ર.

તો વળી બીજો મિત્ર એક કારમાં રહીને તેનું જીવન વિતાવે છે અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રીને પ્રેમ કરે છે, આમ છતાં તે પણ પ્રેમ માટે તો હંમેશા સાચી સલાહ જ આપે છે, એક સહેલી કે જેને સમાજના પુરુષો પ્રત્યે ગુસ્સો છે અને તે યુવાનને પ્રેમ કરતી હોવા છતાં એક મિત્ર તરીકે હંમેશા સાથ આપે છે અને એક મિત્ર એવો કે જે પરણેલો છે અને તેની પ્રેમની પરિભાષાઓ લગ્ન પછી બદલાઈ ગઈ છે.

અને મુવીમાં યુવાનની સૌથી નજીકનું પાત્ર કહી શકાય તેવા તેના દાદા – કે જે યુવાનને પ્રેમમાં હાર ના માનવી જોઈએ અને પોતાનો પ્રેમ હાંસિલ કરવા માટે અને પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે બધું જ કરી છૂટવું જોઈએ તે શીખવે છે.

મુવીના દરેક પાત્રો યુવાનને તેની પ્રેમની મંઝીલ સુધી પહોંચાડવામાં ક્યાંકને કયાંક મદદરૂપ થાય છે. મૂવીની અનેક વાર્તાઓમાંથી એક વાર્તા કહું તો –

“એક છોકરો અને છોકરી પ્રેમમાં પડે છે તેઓ બોટ લઈને દૂર જવા નીકળી પડે છે, તેઓને ખબર છે કે જો તેઓ જમીન પર પાછા આવશે તો જીવનભર સાથે નહી રહી શકે, તેથી તેઓ પોતાની બોટ પર કોલેરા રોગનો ફ્લેગ લગાવી દે છે, જેથી કોઈ બોટ તેને લેવા માટે ન આવે, આ રીતે તે બંને જીવનભર એકબીજાના પ્રેમમાં બોટ પર રહીને જીવન વિતાવી દે છે. છોકરો અને છોકરી બંને નિર્ણય લે છે કે તેના જીવનમાં મહત્વના લોકો કેટલા? – બંને એકબીજા માટે. બસ તો એ બન્ને જ બોટ પર રહે છે. અને એકબીજાને તે કેટલો પ્રેમ કરે છે તે જતાવે છે.”

મુવીના યુવાનને પણ એ સમજવાનું હોય છે કે તે કેટલા લોકોને પોતાની બોટ પર જોવા માંગે છે? તેના માટે જીવનમાં કેટલા લોકો મહત્વના છે? તે આ બધા જ લોકોને પોતાનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરવા માંગે છે? એવા લોકો કે જેના માટે તે કંઈપણ કરી શકે તેમ છે. યુવાનને અંતે પોતાની બોટ પર રહેલી છોકરી પણ મળે જ છે.

તમે જેટલો પ્રેમ કરશો તેટલો પ્રેમ મળશે, પ્રેમ એક જોખમ છે તો પણ આ જોખમ જીવનમાં ઉઠાવવું જ જોઈએ – આવા અનેક નાના પ્રેમના ડોઝ અને વાર્તાઓ તમને મુવીમાં જોવા મળશે. ક્રીસ ઇવાન્સને જોવા માટે થઈને પણ એકવાર મુવી જોઈ લેવું જોઈએ.