જીવનમાં લોકો નવીનતા લાવવા માટે અનેક પ્રકારના રસ્તાઓ અપનાવતા હોય છે. ઘણીવાર નવીનતા જીવનમાં અઢળક ખુશી આપી જાય છે તો ઘણીવાર આ નવીનતા કોઈ ભૂલ અને અંતે દુઃખમાં પરીણમે છે.
માર્થા અને સીન સાથે પણ એવું જ કંઇક થયું. બોસ્ટનમાં રહેતું આ દંપતી તેના બાળકને ઘરમાં જ જન્મ આપવાનું નક્કી કરે છે જેને હોમબર્થ કહેવાય. આપણે જેને આયા કહેતા તેને મીડવાઈફ કહેવાય જે ઘરે આવીને બાળકને માતાના ઉદરમાંથી બહાર લાવવામાં મદદ કરે.
માર્થા અને સીન તેના આવનારા બાળક માટે બધી જ તૈયારી કરી ચૂક્યા છે. તેઓએ એ પણ નક્કીકરી લીધું કે કોણ તેના ઘરે આવશે અને બાળકને જન્મ આપવામાં મદદ કરશે. તેઓ હોસ્પિટલમાં જવા નહોતા માંગતા. જો કે તેઓનો આ વિચાર એક દુઃખદ ઘટના સાબિત થાય છે.
માર્થા જયારે બાળકને જન્મ આપવા તૈયાર થઇ ગઈ હોય છે ત્યારે અમુક સમસ્યાઓ આવે છે. અંતે તે બાળકને જન્મ તો આપી દે છે. એક સુંદર છોકરીને. પણ થોડી જ વારમાં તેનું શરીર બ્લુ થઇ જાય છે અને તે ઘરમાં જ મૃત્યુ પામે છે.
તમને પ્રશ્ન થઇ શકે કે આ બાળકીના મૃત્યુમાં વાંક કોનો? માર્થા અને સીનનો કે તેઓએ હોસ્પિટલની બધી સુવિધાઓ છોડીને ઘરમાં બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો કે પછી પેલી મીડવાઈફનો કે જેને એવું લાગ્યું કે બાળકને બહાર કાઢવામાં સમસ્યા આવશે, તેના ધબકારાઓ ઘટી ગયા છે આમ છતાં તેણીએ બાળકને જન્મ આપવા માટે મદદ કરી. તેણીએ માર્થા અને સીનને હોસ્પિટલ જવાનું નહી કહ્યું હોય?
જયારે એક સ્ત્રી નવ મહિના સુધી તેના બાળકને પેટમાં રાખે છે – એ સમય દરમિયાન તેના પ્રત્યેનો લગાવ, તેના આવવાની ખુશી, તેની માટેની તૈયારીઓ – જાણે એક નવી જ દુનિયા બનાવી લીધી હોય છે – અચાનક જ આ દુનિયા પડી ભાંગે ત્યારે શું થાય છે? એક સ્ત્રીના ટુકડા થઇ જાય છે, એક માતૃત્વની લાગણીના ટુકડા થઇ જાય છે – કઈ રીતે એક સ્ત્રી આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે તેની વાર્તા એટલે આજનું મુવી “પીસીઝ ઓફ અ વુમન”.
૨૦૨૦માં આવેલ આ મુવી હ્રદયસ્પર્શી છે. બાળકીના મૃત્યુ બાદ માર્થા પોતાની જાતને અને પોતાના સંબંધોને સંભાળવાનો પ્રયત્ન કરે છે. પણ તેણી નિષ્ફળ નીવડે છે. તેનો પતિ સીન ઈચ્છતો હોવા છતાં તેણીના દર્દને સમજી શકતો નથી, માર્થાની માતા તેણીને મીડવાઈફ પર કેસ કરીને કેસ જીતવો જોઈએ તે દલીલ કરે રાખે છે, જો કે કેસનો ચુકાદો શું આવે છે? શું મીડવાઈફની ખરેખર ભૂલ હોય છે? શું માર્થા તેણીને અને પોતાની જાતને માફ કરી શકે છે? શું સીન માર્થાને છોડીને ચાલ્યો જાય છે? આ બધા જ જવાબો જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું.
મુવીના અમુક સીન જેવા કે માર્થા જયારે બાળકીનો જન્મ આપે છે ત્યારે સીને તેના લીધેલા ફોટોગ્રાફ્સ જોવા માટે સ્ટુડિયોમાં જાય છે, કોર્ટમાં માર્થા તેના અનુભવની અને મીડવાઈફની તરફેણમાં રજૂઆત કરે છે, એક પોતાના બીજરૂપી બાળકને ગુમાવ્યા બાદ તેણી કરી રીતે સફરજનના બીજ વાવીને પોતાની જાતને ઉછેરની લાગણીનો અનુભવ થાય તેના માટે મહેનત કરે છે અને કઈ રીતે તે સફરજનના થોડા બીજ એક મહાન વ્રુક્ષ બની જાય છે, અને માર્થાના જીવનમાં કઈ રીતે ફરીથી ખુશીઓ આવે છે – આ બધા જ અનુભવો અનુભવવા માટે તમારે આ મુવી જોવું રહ્યું.
શા માટે એક સ્ત્રી માટે માતૃત્વ મહત્વનું છે? શું થાય છે જયારે આ સપનાઓ પડી ભાંગે છે? શા માટે એક સ્ત્રીના દુઃખને સમજવું અને તેની સાથે જીવવું અઘરું બની જાય છે? કઈ રીતે એક સ્ત્રી તેના વિખરાયેલા ટુકડાઓને ભેગા કરવા પ્રયત્નો કરે રાખે છે, શા માટે ક્યારેય સમાજ વિશે વિચારવા કરતા માનવતાને મહત્વ આપવું જરૂરી બની જાય છે આ તમને “પીસીઝ ઓફ અ વુમન” મુવીમાંથી શીખવા મળશે. ગંભીર પણ હ્રદયસ્પર્શી મુવી એકવાર જરૂરથી જોવું જોઈએ.