Paterson

petarson by darshali soni.jpg

પેટરસન - સરળતામાં સમજદારી

પેટરસન એક શહેરનું નામ છે. તેમજ આ મુવીમાં પેટરસનમાં રહેતા બે પાત્રોમાંથી એક પાત્રનું નામ પણ પેટરસન છે. મુવી ૨૦૧૬માં આવેલું છે. બહુ જ સરળ અને સુંદર કહાની છે મુવીની. કોઈ વધુ અઘરા ડાયલોગ કે વાર્તામાં વારંવાર આવતા વણાંકો એવું કઈ જ નથી. મુવીમાં મુખ્ય બે પાત્રો છે. - પેટરસન અને તેની પત્ની લોરા. પેટરસન એક સામાન્ય બસ ડ્રાઈવર હોય છે. સાથોસાથ તેને કવિતા લખવાનો બહુ જ શોખ હોય છે. તેણે ઘણા કવિઓને પણ વાંચેલા હોય છે. તેની પત્ની લોરા મોજીલી છે. તેને દરરોજ નવા નવા શોખ જાગે છે - કોઈવાર પેઇન્ટિંગ તો કોઈવાર ગિટાર શીખવાનો શોખ. તેને કપકેક બનાવાનો પણ તેટલો જ શોખ હોય છે.

આ મુવીમાં પેટરસનની ભૂમિકા એડમ ડ્રાઈવર નામના અભિનેતાએ અને લોરાની ભૂમિકા ગોલ્સફટેહ્ફ્રાની નામની અભિનેત્રીએ નિભાવી છે. જેમ આપણા જીવનમાં ઘરના મુખ્ય સભ્યો ઉપરાંત અમુક લોકો દરરોજના જીવનનો ભાગ બની ગયા હોય છે તે જ રીતે મુવીમાં પેટરસન જ્યાં બારમાં બીયર પીવા જતો ત્યાંનો મેનેજર બેરી હેનલી દ્વારા અભિનીત પાત્ર અને પેટરસનની સાથે કામ કરતો ડોની કે જેનું પાત્ર ભારતીય અભિનેતા રીઝવાન મનજીએ નિભાવેલ છે - તે તેઓના જીવનના એક ભાગ બની ગયા છે. મુવીની કહાની અઠવાડિયાના સાત દિવસમાં ગૂંથાયેલી છે. કઈ રીતે એક જ રુટીન અને એક જ શોખમાં પેટરસન જીવન વિતાવે છે તેની કહાની એટલે પેટરસન. ચાલો જાણીએ આ સરળ મુવી આપણને શું શીખવાડે છે:

૧ સમજણશક્તિ

જીવનમાં ઘણા ચડાવ ઉતાર તો આવતા જ રહે છે. મહત્વનું એ છે કે તમે કેટલી સમજણશક્તિનો ઉપયોગ કરીને તમારું જીવન સુંદર રીતે જીવો છો. પેટરસનનું જીવન કઈ અદભુત કહી શકાય તેવું ન હતું. તે બહુ સાદગીભર્યું જીવન જીવતો હતો. તેની પત્ની લોરાને પણ પોતાની સૂઝબૂઝ અને સમજણશક્તિથી સાચવતો હતો. તેઓનું જીવન સામાન્ય પણ સુંદર કદાચ સરળ એટલે જ હતું કારણ કે પેટરસનમાં સમજણશક્તિ વધુ હતું. જો તમારામાં યોગ્ય સમજણશક્તિ હોય તો તમે ગમે તેવું સામાન્ય જીવન પણ આનંદથી જીવી શકો છો.

૨ રૂટીન

એક સમય પછી જીવનમાં એક રૂટીન બની જાય છે. આપણે પણ તે રૂટીનથી ટેવાઈ જઈએ છીએ. કોઈવાર આ રૂટીનમાં કંઇક નવીનતાની જરૂર પડતી હોય છે. જેમ કે પેટરસનના રૂટીનમાં દરરોજ સવારે વહેલા જાગી જવું, આખો દિવસ બસ ચલાવવી, જમવાનું એક સુંદર મજાના પાણીના ધોધ પાસે અને અને સાંજે કવિતા લખવી. ઘરે જઈને પત્ની સાથે જમીને પોતાના ડોગને આંટો મારવા લઇ જવું અને પબમાં જવું. આખા મુવીમાં આ રૂટીન ઘણીવાર દેખાડશે - એ સમજાવવા કે એક જ રૂટીન હોવા છતાં પેટરસન ખુશ છે. તે ક્યારેય જિંદગીથી કંટાળતો નથી. કોઈવાર રૂટીનને પણ માણતા શીખવું જોઈએ.

૩ કવિતા

બધા વ્યક્તિના શોખ અલગ અલગ હોય છે. કોઈને ફરવાનો, કોઈને પેઇન્ટિંગનો તો કોઈએ વાંચવાનો શોખ હોય છે. તમે તમારા રૂટીનમાં ગમે તેવા વ્યસ્ત થઇ જાવ તો પણ તમારો શોખ ક્યારેય છોડવો જોઈએ નહિ. જેમ કે પેટરસનને કવિતા લખવાનો શોખ હતો. તે હંમેશા પોતાના મનમાંથી આવતી કવિતા તેની એક સિક્રેટ બુકમાં લખતો. તેના જીવનમાં તેની કવિતાઓનો ઘણો પ્રભાવ હતો. તમારો કયો શોખ છે? ક્યારે તેને તમારા રૂટીનમાં જગ્યા આપશો?

૪ સરળતા

જીવન બહુ સરળ છે કે અઘરું તે તમારે નક્કી કરવાનું છે. જીવનની દરેક પરિસ્થિતિને ક્યાં દ્રષ્ટિકોણથી જોવી તે પણ તમારે નક્કી કરવાનું છે. પેટરસન કેટલો સરળ હતો તેના ઉદાહરણની વાત કરું તો તેની સૌથી ચહીતી તેની ડાયરી હોય છે. જેમાં તે પોતાની કવિતા લખે છે. એકવખત તેનો ડોગ તેની ડાયરી ફાડી નાખે છે. આમ છતાં તે હતાશ થતો નથી. તે ફરીવાર લખવાની શરૂઆત કરે છે.

આ મુવીને ૧૦થી વધારે એવોર્ડ્સ મળેલા છે. બોલીવુડના મુવીઝની જેમ કઈ મસાલેદાર મુવી નથી. જેમાં ગીત કે ડાયલોગ્સ કે સીનથી તમે ખુશ થઇ જાવ. ખૂબ જ સરળ રીતે બનાવેલું સામાન્ય પણ એકવખત જોવા જેવું મુવી છે. બની શકે તમને કોઈ શોર્ટ ફિલ્મ જોતા હોય તેવું પણ લાગે કે જેની કહાની ઓફબીટ છે પણ વણકહ્યા સમજવા જેવા પાઠ ઘણા બધા છે.

આભાર

દર્શાલી સોની