P S I Love You

p s i love you by darshali soni.jpg

પી.એસ. – આઈ લવ યુ

નાની ઉંમરમાં જ સાચો પ્રેમ મળી જાય અને તેની સાથે લગ્ન પણ થઇ જાય – કેવી અનોખી વાત લાગે ને.  જેરીને તેની હોલી મળી જાય અને બંને મસ્ત મજાનું લગ્નજીવન વિતાવતા હોય ત્યાં જ જેરીનું મૃત્યુ થાય. ૩૦ વર્ષની હોલીના જન્મદિવસે જેરી ફરી તેના જીવનમાં જન્મ લે – ૧૦ પત્રો થકી. આવી કંઇક સુંદર મજાની કહાની એટલે પી.એસ. – આઈ લવ યુ. આજના યુવાનો માટે તો પ્રેમ એટલે થોડા સમયનો ટાઇમપાસ થઇ ગયો છે. શું તેઓ ખરેખર પ્રેમની મુલ્યતા સમજી શક્યા છે? એક રીલેશન પૂર્ણ થતા બીજા રીલેશન અને આ પ્રેમ શોધવાનું ચક્ર ફરતું જ રહે છે. આ મુવી તમને ખરેખર પ્રેમ કોને કહેવાય, સમપર્ણ એટલે શું તે બાબત શીખવશે. તો ચાલો જાણીએ જેરી ક્યાં ૧૦ પત્રો હોલી માટે મુકીને ગયો અને શું હોલી તે પત્રોને સમજી શકી?

1 Celebrate yourself

આપણી ખુશી શા માટે બીજા પર આધારિત છે? શા માટે કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કે પતિ કે પત્ની કોઈપણ ટેગ લઇ લો  - તે આપણા જીવનમાં હોય તો જ આપણે ખુશી અનુભવી શકીએ છીએ? ખુશ થવા માટે ભલા કોઈ બહાનું કે કોઈ સાથી થોડો જોઈએ? આજકાલ તો યુવાનો પ્રેમના સો કોલ્ડ તોફાનોને જ સત્ય માની બેઠા છે. તમારી જાતને પ્રેમ કરવા માટે કોઈ બીજું વ્યક્તિ તમને પ્રેમ કરતું જ હોય તે જરૂરી નથી. તમારી જાત સાથે ખુશ રહેતા શીખો. શું હોલી તેનો ૩૦મો જન્મદિવસ પોતાની જાતે ખુશ થઈને સેલીબ્રેટ કરી શકે છે?

2 I am one chapter, not the whole book

કોઈ પ્રેમ જીવનભર ટકશે જ તે પણ આજના જમાનામાં. આવું માની લેવું તો મુર્ખામી છે. એવા લોકો તો બહુ જુજ જ હશે જેને એક જ વાર પ્રેમ થાય. જેરી પણ હોલીને એ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એક ચેપ્ટર પૂરું થાય તેનો મતલબ એમ નથી કે તમારી જીવનરૂપી કિતાબ જ પૂરી થઇ ગઈ. જીવનમાં આવતા દરેક લોકોને એક ચેપ્ટર તરીકે લેવા જોઈએ. જો કોઈ વ્યક્તિને તમે તમારા જીવનની આખી બુક જ બનાવી દેશો તો દુઃખ અને નિરાશા તમારા રસ્તામાં છે.તે યાદ રાખજો. શું હોલી જેરીની આ વાત સમજી શકે છે?

3 Don’t be afraid to fall in love again

એકવાર પ્રેમ થાય અને જીવનભર તમે જે તે વ્યક્તિની રાહ જુઓ તેવું મુર્ખ ગણિત યશરાજની ફિલ્મોમાં જ જોવા મળે. જીવન એકવાર જ મળ્યું છે. આથી ફરી પ્રેમમાં પડતા ન ડરો. કોઈ વ્યક્તિ સાથે જ  પ્રેમમાં પડવું તે જરૂરી નથી. તમારા કામના પ્રેમમાં પણ પડી શકો. તમારા શોખના પ્રેમમાં પણ પડી શકો. અને હા, તમારી જાતના પ્રેમમાં પણ પડી શકો. હોલીએ કોના પ્રેમમાં પડવાનું નક્કી કર્યું?

4 Begin from where you left

જે છોડી દીધું છે ત્યાંથી જ નવી શરૂઆત કરવી પડે. કંઇક નવું શરુ કરવા જુનું ભૂલવું પડે. જેરી ઈચ્છતો હતો કે હોલી ફરી પ્રેમમાં પડે. ફરી નવી શરૂઆત કરે. પેલું ઘસાયેલું વાક્ય છે ને કે, “એક અંત નવી મુસાફરીની શરૂઆત કરે છે.” કદાચ આ વાત સાચી છે. આ પેલા પુસ્તક જેવું છે. એક જ ચેપ્ટર વાંચ્યે રાખશો તો નવા ચેપ્ટરમાં શું સરપ્રાઈઝ છે તે કેમ ખ્યાલ આવશે?

5 You know yourself better than anyone else

આજની દુનિયામાં દરેક લોકો તમારા વિશેના અનેક સત્યો કહેશે. ઘણા લોકો તમારો અરીસો બનીને ઘણું જ્ઞાન આપશે. પણ તમે જ તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકો. બધા કહે તેમ તમારું જીવન ઘડશો તેમજ બધાના તમારા વિશેના પ્રતિભાવો સાંભળતા રહેશો તો બની શકે તમે તમારી સાચી જાતને જ ભૂલી જશો. હોલીમાં અનેક પ્રકારની આવડત હતી. આથી જેરીની ઈચ્છા હતી કે તે પોતાની જાતને ઓળખે અને કંઇક એવું કરે જેનાથી તેને ખુશી મળે.

આ મુવી તમને રડાવશે. આ મુવી તમને સાચા પ્રેમની મુલ્ય પણ શીખવશે. આ મુવી તમને માનવીની માનસિકતા, પ્રેમની વ્યાખ્યા અને પોતાની જાતને વધુ ઓળખતા શીખવશે. કોઈવાર પોતાની જાતને પણ કહો – પી.એસ. આઈ લવ યુ.

આભાર

દર્શાલી સોની