Ordinary Love

ordinary love by darshali soni.jpg

ઓર્ડીનરી લવ – આવો જ તો હોય પ્રેમ!

તમે પ્રેમ કોને કહેશો? નાનપણમાં પહેલી નજરે થયેલો પ્રેમ? કે જેની વાત લગ્ન પછી મિત્રો સાથે થાય કે તમને પણ એકવાર પ્રેમ થયો હતો? કે પછી કિશોરાવસ્થામાં થયેલો નવો નવો પ્રેમ – જેમાં બધું જ ગુલાબી ગુલાબી અને સુંદર લાગે? કે પછી કેઝ્યુઅલ સેક્સવાળો પ્રેમ – જેમાં સમજાય જાય કે પ્રેમ જેવું કઈ નથી હોતું કારણ કે લોકો પ્રેમને સમજતા નથી? કે પછી ત્રણ થી ચાર વર્ષ ચાલેલા લવ અફેર પછી પરિવારને કારણે છુટા પડેલા પ્રેમી પંખીડાને પ્રેમ કહેશો? કે પછી અરેંજ મેરેજ થયા બાદ થયેલા પ્રેમને પ્રેમ કહેશો? કે પછી લગ્નને એક અતુટ સંબંધ માનીને જીવનભર નિભાવી જાણનારને સાચો પ્રેમ કહેશો?

મને નહી ખબર તમારી પ્રેમની પરિભાષા શું છે કે પછી તમારો પ્રેમનો અનુભવ શું છે? બસ મારે તો આજે એક એવા પ્રેમની વાત કરવી છે જે સામાન્ય – ઓર્ડીનરી છે પણ અતૂટ છે અને આદર્શ છે. કદાચ એવો પ્રેમ કે જેની દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કલ્પના કરે છે.

૧૪ ફેબ્રુઆરી, - વેલેન્ટાઇન ડેના દિવસે એક સરળ પણ ઉત્તમ મુવી આવ્યું – “ઓર્ડીનરી લવ” કદાચ તેમાં દુનિયાના દરેક વૃદ્ધ દંપતીની વાત છે, કદાચ તેમાં સાચા પ્રેમની વાત છે. (તમારા માટે સાચો પ્રેમ એટલે શું તે એકવાર વિચારી લેજો.) આ મુવીના પાત્રોની વાત કરું તો મુખ્ય બે જ પાત્રો છે – ટોમ અને જોન. એક દંપતી કે જે તેની વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયું છે. તેની એક દીકરી નાની ઉંમરમાં મરી ગઈ હોય છે. એક નિવૃત જીવન વિતાવી રહ્યા છે. ત્યાં જ જોનને ખબર પડે છે કે તેણીને બ્રેસ્ટ કેન્સર છે. પછી કઈ રીતે ટોમ એ સત્યને સ્વીકારે છે અને કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે અને કઈ રીતે ટોમ અને જોન તેના લગ્નજીવનને વધુ સારી રીતે સમજે છે, એકબીજાના પ્રેમને સમજે છે તેની કહાની એટલે ઓર્ડીનરી લવ.

આ કોઈ ઓસ્કાર વિનિંગ મુવી નથી, આમાં કોઈ રસપ્રદ વાર્તા નથી. પણ આ દરેક દંપતીની વાર્તા છે. એક સામાન્ય વાર્તા પણ બધા સાથે જોડાયેલી વાર્તા. એટલે જ તો મૂવીનું નામ ઓર્ડીનરી લવ છે. મુવીમાં ટોમનું પાત્ર પ્રખ્યાત અભિનેતા લીઆમ નીસને નિભાવેલ છે. તેમજ જોનનું પાત્ર લેસ્લી મેનવિલે નિભાવેલ છે. તો ચાલો જાણીએ શું શીખવે છે એક સામાન્ય પ્રેમ:

૧ સ્વીકારણા

પ્રેમમાં સૌથી મહત્વનો પાયો કયો હોઈ શકે? એકબીજાને જેવા છે તેવા સ્વીકારવા. છતાં પણ પ્રેમ ઓછો ન થવો. પ્રેમ વધતો જવો. ટોમ અને જોન કદાચ ૩૦ થી ૪૦ વર્ષથી સાથે જીવન વિતાવતા હશે. બંનેને એકબીજાની ખાવા-પીવાની આદતોથી લઈને બધી જ આદતો ખબર હશે. જેમ કે ટોમને દરરોજ તેના નાના એવા માછલી ઘરમાં માછલીને ખાવાનું આપવાની ટેવ છે. જોનને સોફા પર જ ઊંઘી જવાની ટેવ છે. આ બધી નાની નાની વાતો છે. પણ એક દંપતીના જીવનમાં દરેક વિચાર, માનસિકતા, આદતો અને લાગણીનો સ્વીકાર. આમ છતાં પ્રેમ હોવો એ મહત્વની વાત છે.

૨ રૂટીન

મૂવીની શરૂઆતનો પહેલો સીન – જોન અને ટોમ વોક કરવા માટે નીકળ્યા છે. મુવીનો છેલ્લો સીન – જોન અને ટોમ વોક કરવા નીકળ્યા છે. જીવનમાં ગમે તેવી ઉથલપાથલ થઇ જાય – તે દંપતીનું રૂટીન અટકતું નથી. જીવન અટકતું નથી. ટોમને ખબર પડી જાય છે કે કેન્સરના કારણે જોન કદાચ મરી પણ જાય. આમ છતાં તેઓનું પ્રેમથી જીવવાનું અટકતું નથી. તેઓનું મોલમાં શોપિંગ કરવા જવાનું અટકતું નથી. તમે શું કહેશો આને? સામાન્ય પ્રેમ?

મારે આ મુવીમાંથી તમને કેર, લાગણી, સંબંધો, સ્વીકારણા આ બધું નથી શીખવાનું કહેવું. બસ એટલું જ કહેવું છે કે પ્રેમ એક ઉત્તમ ભેટ છે. તેને સ્વીકારો. તેને જીવો. ટોમ અને જોનની જેમ સામાન્ય પણ અદ્ભુત પ્રેમથી જીવન વિતાવો. કોને ખબર ક્યારેક ઓર્ડીનરી લવ એક્સ્ટ્રા ઓર્ડીનરી લવમાં પરિવર્તિત થઇ જાય. ના થાય પણ ચાલશે.

આભાર

દર્શાલી સોની