Now you see me

now you see me by darshali soni.jpg

નાઉ યુ સી મી એક રોમાંચક જાદુગરી દુનિયા

૮ જાદુગરો અને તેના રોમાંચક ખેલની દુનિયા એટલે નાઉ યુ સી મી.  ચાર અલગ અલગ હુન્નરવાળા જાદુગરોને એક મસ્ત મજાનો ટાસ્ક આપવામાં આવે અને એફ.બી.આઈનો એજન્ટ તે ગુથ્થી સુલજાવાનો પ્રયત્ન કરે – આવી કંઇક વાર્તા છે. આ મુવીના નકલ કરવાવાળા ઘણા તમને બોલીવુડ મુવીઝ જોવા મળશે જ. જો તમે હોલીવુડ મુવી જોવાના શોખીન હશો તો આ મુવીનો અંત તમને સરપ્રાઈઝ નહિ આપે. આ મુવીમાંથી મેજીકના પાઠ અને જીવનના પાઠ શીખવાના ઘણા છે. ડેનિયલ, મેરીટ, હેનલી અને જેક – આ ચાર જાદુગરો મુવીમાં ખુબ જ સુંદર રીતે વ્યક્તિત્વના પાસાઓ શીખવે છે. તો ચાલો આપણે પણ જોઈએ શું કહે છે આ જાદુગરોની દુનિયા:

૧ જે જુઓ છો તે જ સાચું છે તેવું માનવું કે કેમ?

આ દુનિયા એક સુંદર મજાનો ભ્રમ છે. તમને જે દેખાય છે તે જ સાચું છે તેવું ક્યારેય ન માની લો. જીવનની વાત હોય, કારકિર્દીની વાત હોય કે ધંધાની વાત હોય – કોઈપણ બાબતમાં ઊંડા ઉતરો. બની શકે તમને જે સત્ય લાગે છે તે હકીકતમાં તમારી સામે ઉભો કરવામાં આવેલ ભ્રમ હોય. ચારેય જાદુગરો આ મુવીમાં ખુબ જ સુંદર રીતે ભ્રમ ઉભા કરે છે જે જોવાની અલગ જ મજા છે.

૨ સ્માર્ટની વ્યાખ્યા

તમને એવું લાગતું હોય કે તમે સ્માર્ટ છો પણ શું ખરેખર છો? તેનું વિશ્લેષણ તમે પોતે જ કરી શકો. તમે કેવા સમયે કેવા નિર્ણયો લો છો તેના પરથી જ તમને સમજાશે કે તમે ખરેખર કેટલા સ્માર્ટ છો. દુનિયા ગમે તે કહે પણ તમે જ તમારી જાતને સારી રીતે સમજી શકો અને શું સુધારાની જરૂર છે તે જાણી શકો. કોઈવાર દુનિયા તમને મુર્ખ અને પાગલ કહેશે તો કોઈવાર સ્માર્ટ. આથી દુનિયાના અભિપ્રાય પર આધારિત ન રહો. આ મુવીમાં તમે વિચારેલા લોકો જ સ્માર્ટ નીકળે છે કે શેરની ઉપર સવાશેર છે તે જોવાની મજા આવશે.

૩ તમારું સત્ય શું છે?

મેજિક એક સુંદર મજાનો ભ્રમ છે. એ જ રીતે તમે બહારથી કંઇક અલગ હોય અને અંદરથી કંઇક અલગ હોય – તો એનો કોઈ મતલબ નથી. તમે ખરેખર જેવા છો તેવા જ દુનિયાની સામે આવો. ભ્રમ તમને મનોરંજન આપશે – શાંતિ નહિ. આ મુવીમાં ભ્રમની તાકાત શું છે તે તમે શીખી શકશો. પણ ખરેખર ભ્રમ કેટલા સમય સુધી દિલાસો આપી શકે? મારા ગુરુ હંમેશા કહે છે કે – ભ્રમમાં રહેવાનું બંધ કરી વાસ્તવિકતામાં આવવું જોઈએ.

૪ બે કદમ આગળ કે સાત કદમ?

સામાન્ય રીતે લોકો જીવન અને ધંધામાં બે કદમ વધુ આયોજન કરતા હોય છે. હકીકતમાં સાત કદમ આગળ ચાલશો તો પડવાની બીક નહિ રહે. આ જીવન એક ચેસ જેવું છે. આગળ પાછળની ચાલ વિચારીને જ આગળ વધવું જોઈએ. આ મુવીમાં તમે ઘણી યુક્તિઓ શીખી શકશો.

૫ મેજિક એટલે શું?

મેજિક એક મનોરંજન આપતો ભ્રમ, માન્યતા અને મનને મજા આપે તેવી છેતરપીંડી છે. – આ મુવીમાં આવી કંઇક વ્યાખ્યા કહી છે. તમે આ મેજિકનો તમારા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરો છો તે તમારે નક્કી કરવાનું છે.

ટૂંકમાં નાઉ યુ સી મી તમને એક એવી દુનિયામાં લઇ જશે – જે દુનિયા ભ્રમથી ભરપુર પણ આહલાદક છે. તમે જ નક્કી કરો કે તમારે જીવનના કેવા જાદુગર બનવું છે?

આભાર

દર્શાલી સોની