Nothing To Hide

nothing to hide movie talk.jpg

સોશિયલ મીડિયાને લીધે સંબંધોના તાણાવાણા જડમૂળથી બદલાઈ ગયા છે. નવા સંબંધોનું અસ્તિત્વ પણ વધ્યું છે અને વર્ષો જૂના સંબંધો તૂટી પણ રહ્યા છે. ખાસ કરીને દંપતીઓની વાત કરીએ તો આ ફોન, સોશિયલ મીડિયા, પ્રાઈવસી, પાસવર્ડ – વગેરેના લીધે દિવસે ને દિવસે છૂટાછેડાના કેસ વધી ગયા છે. જયારે આવું દુનિયાનું આવું માળખું રચાઈ રહ્યું હોય ત્યારે એકવાર તો એવો પ્રશ્ન થાય જ કે –

“જો સોશિયલ મીડિયાનું અસ્તિત્વ ના હોત તો? જો પ્રાઈવસી જેવું કઈ ન હોત તો?” – તો શું સંબંધો ટકી રહ્યા હોત? કે પછી આ પ્રાઈવસીના લીધે જ અમુક સંબંધો ટકેલા છે? કારણ કે જો દરેક વ્યક્તિ ઈન્ટરનેટ પર જઈએ શું કરે છે તે ખબર પડી જાય તો બની શકે અનેક સંબંધો તૂટી જાય.

આ જ વાતને વણી લેતું એક ઇટાલિયન મુવી આવ્યું હતું ૨૦૧૬માં. તેના પરથી ૨૦૧૮માં એક ફ્રેંચ મુવી આવ્યું – “નથીંગ ટુ હાઈડ”

૩૦ વર્ષ જૂના મિત્રો ભેગા થાય છે. સાથે ડીનર લેવા માટે. બધા પરિણીત છે. ત્રણ દંપતી અને એક કહેવાતો સિંગલ મિત્ર. મરી અને વિન્સેન્ટ તેના મિત્રોને ઘરે ડીનર માટે બોલાવે છે. મરી થેરપીસ્ટ છે અને વિન્સેન્ટ પ્લાસ્ટિક સર્જન. તેની દીકરી તેના કહ્યામાં નથી, તેની તેના માતા સાથેના સંબંધો સારા નથી. મરી પણ વધુ સુંદર દેખાવવા માટે સ્તન સર્જરી કરાવવાની છે. વિન્સેન્ટ હંમેશા શાંત રહેવાવાળો વ્યક્તિ છે.

બીજું દંપતી – એક માનો કહ્યાગરો દીકરો અને તેની પત્નીના સંબંધોમાં પણ અડચણો છે – તેની માતાને કારણે તે બંનેનું દામ્પત્ય જીવન સારું નથી ચાલી રહ્યું, ત્રીજું દંપતી નવપરિણીત છે અને સંતાન માટે પ્રયત્ન કરી રહ્યું છે અને ચોથો એકલો મિત્ર તેની ગર્લફ્રેન્ડને તેના મિત્રોને મળાવવા નથી ઈચ્છતો.

દરેક પાત્રની પોતાની એક દુનિયા છે, પોતાના રહસ્યો છે. હવે વાત આવે છે એક રસપ્રદ ગેમ રમવાની. બધાને પોતાના ફોન ટેબલ પર મૂકી દેવાના અને રાત દરમિયાન જેને પણ કોઈ મેસેજ કે કોલ આવે તે બધાની સામે દેખાડવાનો અને વાત કરવાની. – જયારે પ્રાઈવસી હટી જાય ત્યારે ન જાણવાના સત્યો લોકો સામે આવતા હોય છે. એવું જ કંઇક આ મિત્રોના ગ્રુપ સાથે પણ થાય છે.

એક મિત્ર ગે નીકળે છે, એક મિત્ર તેની ઓફીસ કર્મચારી સાથે અફેર કરીને તેણીને પ્રેગનેન્ટ કરી નાખે છે, એક મિત્ર સોશિયલ મીડિયા પર કોઈની સાથે સતત વાતો કરે છે, એક મિત્ર અજાણી સ્ત્રીના ફોટો જોઇને ખુશ થાય છે – ધીમે ધીમે બધાના રહસ્યો બહાર આવે છે – એવા રહસ્યો જે ફોનની પ્રાઈવસીમાં છુપાયેલા હતા અને જો બહાર આવી જાય તો બધાના લગ્નજીવન તૂટી જાય.

મુવી રસપ્રદ એ રીતે બને છે કે મુવીના અંતે એવું દેખાડી દેવામાં આવે છે કે ખરેખર આ ગેમ રમાઈ જ નહોતી પણ જો રમાઈ હોત તો તે બધા જ મિત્રોના લગ્નજીવનની શું હાલત થઇ હોત? – આ વિચાર જ મુવી જોનારને ઊંડા વિચારમાં નાખી દે છે.

મુવી જોયા બાદ તમારા મનમાં પણ અનેક સવાલો ઉભા થશે. શા માટે દંપતી સોશિયલ મીડિયાનો સહારો લે છે? શા માટે પ્રાઈવસીનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે આપણે મોબાઈલ અને ડિજિટલ દુનિયામાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે વાસ્તવિક દુનિયાને જોઈ કે માણી શકતા નથી? – મુવી જોયા બાદ વિચારોનો વમળ શરુ થશે. આમ તો સારું જ છે – તેનાથી તમને જીવનમાં ઘણી સ્પષ્ટતા મળી જશે. એ વાતની ગંભીરતા સમજાઈ જશે કે આ કહેવાતો ઈન્ટરનેટનો આશીર્વાદ ખરેખર શ્રાપ તો નથી બની રહ્યો ને? સત્ય પચાવવાની ગણતરી હોય તો આ મુવી જોવું જોઈએ.