Night Crawler

night crawler by darshali soni.jpg

 

લુ બ્લુમ લોસ એન્જલસમાં રહેતો હતો. તેની પાસે જ્ઞાન તો ઘણું હતું પણ નોકરી નહોતી. નાણા કમાવવાનો કોઈ ચોક્કસ રસ્તો નહોતો. તેથી તે ચોર બની ગયો હતો. તેમજ સતત નાણા કમાવવાના રસ્તાઓ શોધતો રહેતો હતો. તે સરકારી જગ્યાએ જઈને મેટલની જારી અને અન્ય સાધનો ચોરી આવતો અને વેચી દેતો. તે નોકરી માંગવાના પ્રયત્નો કરતો પણ કોઈ એક ચોરને નોકરી ક્યાંથી આપે? 

લોસ એન્જલસમાં અનેક પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધતું જતું હતું - હત્યા, અકસ્માત, ચોરી વગેરે. લોકો સ્વીકારશે નહી પણ હકીકત એ છે કે આવા નકારાત્મક સમાચારો તરફ જ લોકોનું ધ્યાન વધારે ખેંચાય છે. તેથી જ તો ન્યુઝ ચેનલની કંપની આવા સમાચારોને લાલ રંગમાં હાઈલાઈટ કરીને ત્રણથી ચાર વખત દેખાડે છે.

આ ન્યુઝ ચેનલ પાસે આવી દુર્ઘટનાઓની વિડીયો કલીપ પહોંચાડનાર અમુક લોકો હોય છે. જે દુર્ઘટના સ્થળે જાય છે અને શુટિંગ કરીને પોતાનો વિડીયો અમુક કિંમતે વેચી નાખે છે. હવે થાય છે એવું કે લુ બ્લૂમને આ ધંધા વિશે ખબર પડે છે અને તેને લાગે છે કે તે પોતે પણ આમાંથી નાણા કમાઈ શકે.

લુ કઈ રીતે એક ચોરમાંથી વિડીયો પ્રોડ્કશન કંપનીનો માલિક બની જાય છે તેની કહાની એટલે ૨૦૧૪માં આવેલું મુવી “નાઈટ ક્રાઉલર”.

શરૂઆતમાં તો લુ પોતાની જાતે એક પોલીસ સ્કેનર ખરીદીને સતત આવતી ઘટનાઓના સમાચાર સાંભળે છે અને ત્યાં જઈને શુટિંગ કરીને એક ઓછી ચાલતી ન્યુઝ ચેનલ કંપનીને વેચી દે છે. જે તેને ૨૦૦ ડોલરથી માંડીને ૫ થી ૧૦,૦૦૦ ડોલર પણ વિડીયો માટે આપે છે. 

ધીમે ધીમે લુ એક કેમેરો ખરીદે છે, એક વ્યક્તિને નોકરી પર રાખે છે, જે તેને જીપીએસ લોકેશન થકી ઘટના સ્થળે પહોચાડે અને તેને મદદરૂપ થાય. તે આ ધંધામાં જેમ જેમ ઊંડો ઉતરતો જાય છે તેમ તેને ખબર પડે છે કે ન્યુઝ ચેનલ કંપનીને હત્યા, લોહિયાળ ઘટનાઓ સમાજને દેખાડવામાં વધુ રસે છે. 

તેથી તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને ન્યુઝચેનલ કંપની પાસેથી એક વિડીયોના નાણા પણ વધુ લેવા માંગે છે. તેમજ તેના સ્ટાફ સાથે સંબંધો વિકસાવવાનું શરુ કરી દે છે. તેના માટે હવે લોસ એન્જલસમાં ગુનાઓ થવા જરૂરી બની ગયા છે. એક વખત તો તે પોતે જ ગુનાનો હિસ્સો બની જાય છે. કેવી રીતે તે જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું.

અંતે એકવાર લુના હાથમાં એક એવી ફૂટેજ લાગે છે જેના કારણે તે વધુ નાણા કમાઈ શકે છે અને પોતાની ચતુરાઈથી પોલીસથી પણ બચી જાય છે. પછી તે પોતાની વિડીયો પ્રોડક્શન કંપની ખોલે કે અને અનેક લોકોની નિમણુક કરે છે.

લુનું પાત્ર અજીબ અને બુદ્ધિશાળી છે. આમ તો આ મુવીની વાર્તા એવી રીતે વણવામાં આવી છે કે તમે પલક ઝ્બ્કાવ્યા વગર સતત મુવી જોતા રહેશો. ઓસ્કાર માટે પણ આ મુવી નોમીનેટ થયું હતું. લુના વ્યક્તિત્વમાં ક્યારેક તે કઈ રીતે પોતાની ચતુરાઈથી બિઝનેસ ડીલ કરે છે, કઈ રીતે તે પોતાને જોઈતું હાંસિલ કરવા માટે વાટાઘાટ કરે છે તે મુવીમાં જોવું રહ્યું. 

જો તમે ધ્યાનથી જુઓ તો આ મુવીમાં લુનું પાત્ર નકારાત્મક હોવા છતાં પણ ઘણું શીખી શકો. પછી તે તેની પ્રયત્નોની નિરંતરતા હોય કે ચતુરાઈ. મુવીમાં લુનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જેક ગ્લેનહાલે નિભાવ્યું છે. તેની ઉત્તમ એક્ટિંગ અને રસપ્રદ વાર્તાને માણવા માટે થઈને એકવાર મુવી જરૂરથી જોવું જોઈએ.