New year's eve

new years eve by darshali soni.jpg

ન્યુ યર્સ ઈવ - એક નવી શરૂઆત

૨૦૧૯ અનેક અવનવા સપનાઓ, ઈચ્છાઓ અને આયોજનો સાથે આવી ગયું છે. ઘણા લોકોને નવા વર્ષની હંમેશા રાહ રહેતી હોય છે તો વળી ઘણા લોકો નવા વર્ષને ન બિરદાવતા હોય તેવું પણ બની શકે. આવા જ નવા વર્ષમાં તમારી મુવી ડાયરીમાં એક મુવી જોવા માટે ઉમેરવા જેવું ખરું. ૨૦૧૧માં આવેલું મુવી ન્યુ યર્સ ઈવ તમને ફરીથી જીવન ગમાડતાં જરૂર શીખવી દેશે.

આ મુવીમાં અનેક પાત્રો છે. તેમાં રોબર્ટ દ નીરોથી માંડીને ઝેક એફ્શન - પ્રખ્યાત ગાયક, હેલ બેરી, સારા જેસિકા પોર્ટર અને એસટીન કોચર પણ છે. મુવીમાં કઈ રીતે અનેક પાત્રો કઈ રીતે જોડાયેલા છે અને કઈ રીતે દરેક પાત્ર માટે ન્યુ યરની વ્યાખ્યા અને મહત્વતા અલગ અલગ છે તે તમને મુવીમાં જોવા મળશે. પાત્રોની વિગતવાર વાત કરું તો એક કીમ નામની સિંગલ મધર અને  તેની પુત્રી હેલી. જેમાં હેલીને ન્યુયોર્કના પ્રખ્યાત બોલ ડ્રોપમાં જવું હોય છે અને તેની માતા ના પાડતી હોય છે. ત્યારબાદ કલેર કે જે ન્યુયોર્કની બોલ ડ્રોપ ઇવેન્ટની ઇન્ચાર્જ હોય છે અને કઈ રીતે છેલ્લે છેલ્લે તે ફસાઈ જાય છે. આ જ રીતે સ્ટેન કે જે કેન્સરથી જજુમતો હોય છે અને મૃત્યુની રાહ જોતો હોય છે ત્યારે ન્યુ યર માણી લેવા માંગે છે. પછી આવે છે એક લોરા નામની શેફ કે જે અચાનક તેના એકસ બોયફ્રેન્ડ જેન્સનને મળી જાય છે કે જે ગાયક હોય છે. જેન્સન લોરાને મનાવવાની અને પોતાના જીવનમાં પાછા લાવવાના પ્રયત્નો કરતો હોય છે.

ત્યારબાદ આવે છે ઇનગ્રીડ કે જેણે કંટાળીને પોતાની નોકરી છોડી દીધી હોય છે. એક સરસ મજાનું દંપતી પણ છે મુવીમાં ગ્રીફીન અને ટેસ નામનું કે જે તેમના આવનારા બાળકની રાહ જોતું હોય છે. હજુ તો ઘણા પાત્રો છે મુવીમાં. દરેક પાત્રોની કહાની કંઇક અલગ છે અને દરેક પાત્રોની પોતાની અલગ ફિલોસોફી છે. તો ચાલો જાણીએ આ વર્ષે આપણને ન્યુ યર્સ ઈવ શું શીખવે છે:

૧ પાછું વળીને જૂઓ

એક વર્ષ પૂરું થઇ ગયું. એકવાર તમારા ૨૦૧૮ના વર્ષમાં પાછળ ફરીને જૂઓ - શું શીખ્યા, શું માણ્યું, શું ગુમાવ્યું, શું મેળવ્યું અને કેવા તોફાનો કર્યા. દરેક ઘટના અને યાદોને યાદ કરો અને તમારી જાતને વચન આપો કે આવતું ૨૦૧૯ વર્ષ તમે વધુ રસપ્રદ અને મજેદાર બનાવી દેશો.

૨ તમે શું કર્યું હોત?

કલ્પના કરો કે તમને ખબર હોત કે તમે ક્યારેય નિષ્ફળ જ જવાના નથી તો તમે શું કરી શક્યા હોત? જો તમને બીજીવાર તક મળે તો તમે શું બદલી નાખ્યું હોત? કઈ નવી શરૂઆત તમે કરી હોત? આવા અનેક પ્રશ્નો તમારી જાતને પૂછો અને તે બધી જ શક્યતાઓને હકીકતમાં પરિણમે તે માટે ૨૦૧૯માં તૈયાર થઇ જાવ. આ મુવીમાં પણ અનેક પાત્રો અનેક શક્યતાઓ માટે હકારાત્મક બને છે.

૩ સત્તા

જીવનમાં તમે બધું જ કાબૂ કરી શકો છો? નહિ. દરેક ઘટના અને લોકો તમારા કાબુમાં નથી હોતા. હા, પણ આ નવા વર્ષે તમારા હાથમાં અનેક બાબતો છે જેના પર તમારો સંપૂર્ણ કાબૂ છે જેમ કે માફી. લોકોને માફ કરો. તે જ રીતે નવી શરૂઆત અને નવી તક ઝડપવી પણ તમારા હાથમાં છે. ત્યારબાદ પ્રેમ. બધા લોકો પ્રત્ય્રે પ્રેમની લાગણી રાખવી અને તમારી અંદર છુપાઈ ગયેલો પ્રેમ પાછો લાવવો પણ તમારા હાથમાં છે. તો તૈયાર થઇ જાવ - તમારા જીવનની ચાવી તમારા હાથમાં લેવા માટે.

૪ નસીબ

આ મુવીના અનેક પાત્રો નસીબને આધીન છે. કેટલાંક લોકો નસીબમાં માને છે તો વળી કેટલાંક લોકો કર્મોમાં માને છે. આ મુવી તમને એ શીખવાડશે કે ગમે ત્યારે ગમે તે થઇ શકે છે, ગમે ત્યારે તમારા નસીબમાં કોઈ અજાણ્યું વ્યક્તિ આવીને પોતીકું બની જશે તો કોઈ જાણીતું વ્યક્તિ અજાણ્યું બની જશે. તો આ વર્ષે નક્કી કરી લો - નસીબ કે કર્મો?

૫ જોવું અને વાંચવું

આ વર્ષની શરૂઆત ન્યુ યર્સ ઈવ મુવીથી કરો તો કઈ ખોટું નહિ. કારણ કે આ મુવીને ૨ એવોર્ડ્સ અને નવ નોમીનેશન મળી ચુક્યા છે. આ વર્ષે તમારી જાતને વચન આપો કે એવા જ મુવી અને પુસ્તકો વાંચશો કે જે તમારી જાતને વધુ પરિપક્વ બનાવે અને તમારી જાતના વિકાસમાં મદદરૂપ થાય. નવા વર્ષની શુભકામનાઓ. તમારું ૨૦૧૯નું વર્ષ ખૂબ જ એડવેન્ચરસ રહે.

આભાર

દર્શાલી સોની