કલ્પના કરો કે તમે કોઈ ટ્રેનમાં જતા હો અને તે ટ્રેનમાં કોઈનું ખૂન થઇ જાય તો? સાથોસાથ આ જ ટ્રેનમાં દુનિયાનો મહાન જાસૂસ પણ તમારી સાથે મુસાફરી કરતો હોય તો? બની જાય ને રસપ્રદ મુસાફરી!
૨૦૧૭માં આવેલ “મર્ડર ઓન ધ ઓરીએન્ટ એક્સપ્રેસ” મૂવી આવી જ કંઇક કથા પર આધારિત છે. ટ્રેનમાં બેઠેલા દરેક વ્યક્તિ સસ્પેક્ટ બની જાય છે. કારણ કે ટ્રેનમાં એક બિઝનેસમેનનું મૃત્યુ થાય છે. એ પણ ચાલુ ટ્રેને. તેથી નથી કોઈ ટ્રેનમાંથી ઉતર્યું કે નથી કોઈ ચડ્યું. મૂવીની કહાની રસપ્રદ એટલા માટે જ તો બને છે. તેમાં પણ જયારે આ કેસ સોલ્વ કરવા માટે દુનિયાના પ્રખ્યાત જાસૂસ હર્ક્યુલ પોઈરો ટ્રેનમાં હાજર હોય ત્યારે મૂવી વધુ રસપ્રદ બને છે. જે બિઝનેસ મેનનું ખૂન થયું તેનું પાત્ર પ્રખ્યાત અભિનેતા - જોહની ડેપ દ્વારા અભિનીત છે. તમે તેને “પાઈરેટ્સ ઓફ કેરેબિયન” મૂવીના લીધે ઓળખતા હશો.
આ મૂવી અગાથા ક્રિસ્ટીની પ્રખ્યાત નવલકથા પરથી બનેલું છે. તેથી જો તમે તેના પુસ્તકો વાંચેલા હોય તો કદાચ તમને મૂવીનો અંત ખબર જ હશે. જો ના ખબર હોય તો જાણવા માટે તમારે આ મૂવી જોવું રહ્યું.
ટ્રેનમાં તે બિઝનેસમેનની સાથે - એક પ્રિન્સેસ, એક પુલીસમેન, હોટેલનો વેઈટર, બિઝનેસ મેનનો આસિસ્ટન્ટ, એક નાનો છોકરો, પોતાની જાતને ધાર્મિક માનતી એક સ્ત્રી, અને અન્ય રસપ્રદ લોકો મુસાફરી કરતા હતા. અચાનક જ ટ્રેન ઉભી રહી જાય છે અને થોડીવાર પછી બરફના લીધે આગળ જવું પણ મુશ્કેલ બની જાય છે. તેથી જ્યાં સુધી મદદ ન આવે ત્યાં સુધી બધાએ ટ્રેનમાં જ રહેવાનું અને હર્ક્યુલ બધાની પૂછપરછ કરી, બધી કળીઓ જોડી કેસ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે.
મૂવીનો અંત તમને આશ્ચર્યચકિત કરી દેશે. કારણ કે સામાન્ય રીતે આપણે એવા જ મૂવી જોતા આવ્યા છીએ જેમાં એક ખૂની હોય અથવા તો ગેંગ હોય પણ આ ખૂન અલગ છે. તેમજ ખૂન શા માટે થયું તેની પાછળનું કારણ પણ તમને વિચારતા કરી દેશે. કોઈવાર માનવતાની લાગણી, કુટુંબ પ્રત્યેની લાગણી અને બદલાની લાગણી માનવી પર કેટલી હાવી થઇ જાય છે - તે તમે આ મૂવીમાં જોઈ શકશો.
મૂવી જોતી વખતે તમને સતત કોઈને કોઈ પાત્ર પર શંકા જશે, પણ તમે ૧૦૦% ખાતરીથી નહી કહી શકો કે તે જ ખૂની છે. કારણ કે થોડી થોડીવારે હર્ક્યુલ તમારી ધારણાને ખોટી પાડી દેશે.જો તમને શેરલોક હુમ્સ જેવા મૂવીઝ જોવાની આદત હોય તો બની શકે તમે આ મૂવીથી બહુ પ્રભાવિત ન પણ થાઓ. પણ હર્ક્યુલની ઉત્તમ એક્ટિંગ માટે થઈને આ મૂવી જોઈએ અને જો તમે અગાથા ક્રિસ્ટીના ફેન હો તો પણ એકવાર મૂવી જોવું જોઈએ. હાલમાં જ તેનું બીજું મૂવી પણ આવેલું છે - “ડેથ ઓન ધ નાઇલ” જેમાં બોટ પર હત્યા થાય છે. જો તમને આ મૂવી ગમે તો તે મૂવી જોવાનું વિચારી શકો.