મમ - અ શોર્ટ ફિલ્મ
સામાન્ય રીતે બધા લોકોને શોર્ટ ફિલ્મ જોવાનો શોખ ન હોય. શોર્ટફિલ્મમાં પણ ઘણા પ્રકારના જેનરસ હોય છે. તેમાં ખાસ કરીને એવી કોઈ શોર્ટ ફિલ્મ હોય કે જે સમાજ સાથે જોડાયેલ હોય તો લોકોને તે ફિલ્મ જોવામાં રસ પડે છે. સિનેમાના રસિકો અવારનવાર અનેક ફિલ્મ ફેસ્ટીવલમાં જતા હોય છે. તમને જાણીને નવાઈ થશે કે આવા ફિલ્મ ફેસ્ટીવલમાં ઉત્તમ પ્રકારની શોર્ટ ફિલ્મ્સ હોય છે. જે તમને જીવનમાં ઘણું શીખવી જતી હોય છે. આજે એક એવી જ માત્ર ૧૩ મિનીટની શોર્ટ ફિલ્મની વાત કરવી છે. જેનું નામ છે - "મમ".
આપણે આજકાલ માતાને મોમ,મમ, મમ્મા કેવાનું ચલણ વધતું જાય છે. આ શોર્ટ ફિલ્મ નામ અને તેના પોસ્ટર પરથી તમને એવું લાગશે કે આ શોર્ટ ફિલ્મ તો કોઈ માતાને ધ્યાનમાં રાખીએ બનાવવામાં આવ્યું છે. પણ જયારે તમે આખી શોર્ટ ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શોર્ટ ફિલ્મનો મુખ્ય મેસેજ તો ચાઈલ્ડ અબન્ડનમેન્ટ પર છે. આજકાલ તમે છાપામાં ઘણા કિસ્સા વાંચતા જ હશો જ્યાં અનેક સ્ત્રીઓ તેના બાળકને કોઈ રસ્તામાં કચરામાં મુકીને પોતાનું પાપ છુપાવીને ચાલી જાય છે. આવી ક્ષણોમાં માનવીની માનવતા ક્યાં મરી પરવારી તે પ્રશ્ન જરૂરથી થાય. આ શોર્ટ ફિલ્મના ડીરેક્ટર આકાશ મિહાનીએ આ જ સામાજિક મુદ્દાને ધ્યાનમાં રાખીને "મમ" શોર્ટ ફિલ્મ બનાવી છે.
બહુ જ નાની ઉમરમાં ઉત્તમ અભિનય કરતી ગુન મિહાનીએ મમતા નામની ૮ વર્ષની છોકરીનું પાત્ર નિભાવ્યું છે. શોર્ટ ફિલ્મનું શુટિંગ બરહાનપુરમાં થયું છે. મમતાની માતા નથી. તે તેના પિતા સાથે રહેતી હોય છે. એક વખત તેને શાળામાં માતા પર નિબંધ લખવાનું કહેવામાં આવે છે. ત્યારે તે માતા પર લખી શકતી નથી. કારણ કે તેની માતા હોતી નથી. પણ હા, મુવીમાં બકરીઓના ટોળાના ઉદાહરણ દ્વારા માતા અને સંતાન વચ્ચેનો સંબંધ સુંદર રીતે દર્શાવ્યો છે. મમતા જયારે શાળાએ જતી હોય છે ત્યારે તેને રસ્તામાં એક બાળક મળી આવે છે. તે તેની માતા શોધવાનો પ્રયત્ન કરે છે પછી પોતાની ઘરે તે બાળકને લઇ જાય છે અને કઈ રીતે એક ૮ વર્ષની છોકરીમાં માતાના વહાલ અને પ્રેમના ગુણો હોય છે તેનો અભિનય ગુન મિહાનીએ ઉત્તમ રીતે કર્યો છે.
શોર્ટ ફિલ્મમાં બધા ટીમના લોકોએ બહુ જ જહેમત ઉઠાવી છે. શોર્ટ ફિલ્મના મ્યુઝીકથી માંડીને ડાયલોગ્સ પણ હ્રદયને સ્પર્શી જાય તેવા છે. આ શોર્ટ ફિલ્મમાં લેખક જેકી બાલા છે અને મ્યુઝીક બાપી તુતુલે આપેલ છે. સુબીર દાસજીજે ઉત્તમ સાઉન્ડ આપેલ છે. તમને એવું લાગશે કે અત્યાર સુધી તો મોટા મોટા ડીરેક્ટરસ અને મ્યુઝીકની દુનિયાના લોકો વિશે ઘણું સાંભળ્યું છે પણ આ બધાના કામને જોતા એવું લાગશે કે તેઓનું નામ ભલે ઓછું જાણીતું હોય પણ કામ ઉત્તમ દરજ્જાનું છે.
શોર્ટ ફિલ્મમાં ઘણા માર્મિક પાઠો આપેલ છે. જેમ કે,
૧ માનવતા
કોઈ બાળકને જ્યારે એક સ્ત્રી જન્મ પછી તરછોડી દે છે ત્યારે શું તેને તેની માનવતા યાદ નહી આવતી હોય? શું આપણો સમાજ આટલો સ્વાર્થી થઇ ગયો છે કે માનવતા જ મરી પરવારી છે? એક નાની છોકરીમાં માતા જેટલા બધા જ ગુણ હોય અને તે એક બાળકને સાચવતી હોય તો શું બાળકને તરછોડી દેનાર સ્ત્રી તે બાળકને સાચવી ન શકે? આ શોર્ટ ફિલ્મ તમારી અંદરની માનવતાને ઉજાગર કરશે.
૨ બદલાવ
સમાજમાં અનેક રીતિરિવાજ અને માન્યતાઓના કારણે સમાજમાં અરાજકતા ફેલાતી રહે છે. એવું પણ બની શકે કે જે સ્ત્રી તે બાળકને તરછોડે છે ત્યારે સમાજની બીક અને પોતાની મજબૂરી હોય. આવા સમયે સમાજ જ નહી બદલાય અને સમાજ જ બદલાવની પહેલ નહી કરે તો ક્યારેય આ સમસ્યાનો ઉકેલ નહી આવે. બદલાવ પોતાનાથી શરુ કરવો પડશે. પછી સમાજ પાસે આશા રાખી શકાશે.
૩ માતા
ઘણા દાયકાઓથી માતા પર ઘણું લખાતું આવ્યું છે તે પછી તેની દયાભાવના હોય કે બાળક પ્રત્યેનો પ્રેમ હોય. શોર્ટ ફિલ્મમાં એક સરસ ડાયલોગ છે - "મા તો મા હોતી હે" જયારે મમતા તે નિબંધ લખ્યો નથી પણ પોતાના અનુભવ પરથી બોલવા લાગે છે ત્યારે એકવાર તમને જરૂર આ શોર્ટ ફિલ્મનો સીન આંખમાં આંસુ લાવી દેશે. તમારા માટેની માતાની વ્યાખ્યામાં જરૂરથી આ શોર્ટ ફિલ્મ કંઇક સારી સમજ ઉમેરશે.
૧૩ મિનીટના શોર્ટ ફિલ્મને ૭૦ નોમીનેશન અને ૨૭થી વધુ અવોર્ડસ મળ્યા છે. આઈએમડીબીમાં પણ ૯.૮ સ્ટાર મળેલા છે. એકવાર સમય નીકાળીને જરૂરથી "મમ" શોર્ટ ફિલ્મ જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની