મોગલી – જંગલ પરિવારનો અમૂલ્ય ભાગ
આમ તો મોગલીની વાર્તાને લઈને અનેક મુવીઝ બનેલા છે. દરેક મુવીમાં વાર્તા એક જ છે પણ રજૂ કરવાની રીત અલગ છે. દરેક મુવી અલગ જ વાત શીખવાડે છે. આ વખતે ૨૦૧૮માં આવેલ મોગલી મૂવીની વાત કરવી છે. તમે મોગલી મુવી જોયું હશે તો ખ્યાલ હશે કે આમ તો મુવીમાં અમુક પાત્રો મુખ્ય છે જ જેમ કે – મોગલી પોતે, શેર ખાન – વાઘ – દુશ્મન, અઘરી માયા – કા – અજગર, મોગલીને સાચવનાર – બઘીરા, મોગલીને ભણાવનાર – ભાલુ, અકિલા અને બીજા ઘણા બધા નાના પણ મહત્વના પાત્રો.
મૂવીનું દરેક પાત્ર જીવનમાં આવતા લોકોનું એક અલગ વ્યક્તિત્વ દેખાડે છે. મૂવીની વાર્તાની વાત કરું તો – મોગ્લીના માતા-પિતા જંગલમાં આવે છે. શેરખાન તેને ખાઈ જાય છે. ત્યારબાદ એક નાનું બાળક જંગલમાં જ રહી જાય છે. બઘીરા તેને મારી નાખવાને બદલે જંગલના રાજદરબારમાં લઇ જાય છે. વરુઓનો સરદાર બાળકને સાચવીને મોટું કરવાની સલાહ આપે છે. અહી સમજવાનું એ છે કે માનવ જાતિ જંગલના પ્રાણીઓને અને કુદરતને કેટલું નુકસાન કરે છે આમ છતાં તેઓ એક માનવ જાતિના બાળકને જ મોટું કરવાનો નિર્ણય લે છે. માનવતા કોનામાં વધુ છે?
બાળકનું નામ મોગલી રાખવામાં આવે છે. તેને પોતે વરુ જ છે તેવું સમજાવીને તાલીમ પણ આપવામાં આવે છે. તેનો ગુરુ ભાલુ મસ્ત રીતે મોગલીને એક માનવીને બદલે પ્રાણી બનતા શીખવે છે. મુવીમાં દુશ્મનનું પાત્ર શેર ખાન – વાઘ છે. જે મોગલીને મારી નાખવા માંગે છે.
જેમ આપણી દુનિયામાં અનેક લોકો એવા હોય છે કે જેને ભૂતકાળ અને ભવિષ્ય વિશે જ્ઞાન હોય છે. તે રીતે જંગલની દુનિયામાં સૌથી જુનું પાત્ર છે અજગર. જેનું નામ છે – કા. બધા પ્રાણીઓ તેનાથી ડરે છે. તે પણ મોગલી વિશે અનેક ભવિષ્યવાણી કરે છે. તે સાચી ઠરે છે કે નહી તેના માટે મુવી જોઈ લેજો.
મુવીમાં આગળ વધીએ તો ધીમે ધીમે મોગલી મોટો થતો જાય છે. તેના મનમાં માનવી અને પ્રાણી વચ્ચેનો ફર્ક સમજાવવા લાગે છે. તેને પોતાની ઓળખ માટે પ્રશ્નો થવા લાગે છે. જંગલમાં ટકી રહેવા માટે તેને એક રેસ જીતવાની હોય છે. બાકી તેનો જંગલમાંથી નિકાલ કરી દેવામાં આવશે. શું તે રેસમાં જીતે છે? કે પછી તે અચાનક જ માનવીઓના ગામડામાં પહોંચી જાય છે? શું તેને માનવીઓની દુનિયા ગમે છે? શું તે શેરખાનને મારીને તેના જંગલના પરિવારને બચાવી શકે છે? શું મોગલી પોતાની અલગ જાતને સ્વીકારી શકે છે? આ બધાના જવાબ તમને મુવીમાંથી મળશે.
મુવીમાં બઘીરાનું પાત્ર પ્રખ્યાત અભિનેતા ક્રિશ્ચયન બેલે નિભાવેલ છે. જેને તમે બેટમેન મુવીથી ઓળખતા હશો. શેર ખાનનું પાત્ર મારા પ્રિય અભિનેતા બેનેડીકટ કમ્બરબેકે નિભાવેલ છે. મોગલીનું પાત્ર રોહન ચંદે નિભાવેલ છે. ઘણીવાર માનવીઓ કરતા પ્રાણીઓ આપણને વધુ શીખવી જાય છે. ચાલો જાણીએ શું શીખવે છે મોગલી અને તેનો જંગલ પરિવાર:
૧ નીડરતા
જંગલમાં રહેવું એ કઈ સહેલું કામ નથી. અનેક પ્રાણીઓથી ઘેરાયેલું, શિકારીઓની દુનિયામાં ફસાયેલું જંગલ અને એમાં રહેતું એક બાળક. – મોગલી. આવા સમયે જીવવાની નીડરતા જ તો કામમાં આવે છે. માની લો કે મોગલી પણ બધા પ્રાણીઓની જેમ શેરખાનથી ડરી જાત તો? શું તે જંગલને બચાવી શક્યો હોત? જો તે માનવીઓની દુનિયામાં ફરીથી જઈને ડરી ગયો હોત તો શું તે માનવીઓને પ્રાણીઓ માટેના પ્રેમનો સાચો પાઠ ભણાવી શક્યો હોત? જીવનમાં ક્યારેય નીડરતા પણ જરૂરી છે.
૨ સ્વ ઓળખ
મુવીમાં મોગલીનું પાત્ર અને બીજા પાત્રોના અનેક ડાયલોગ તમને સ્વ વિશ્લેષણ કરવા પ્રેરશે. મોગલી વરુ હતો કે માનવી? તે પ્રશ્ન તેને વારંવાર થતો. તેને જંગલને પોતાનું ઘર માનીને પોતાની જગ્યા ત્યાં હાંસિલ કરવી હતી. તે સતત પોતાની જાતને ઓળખવામાં અને સમજવામાં વ્યસ્ત હતો. તેના માટે તે કા ને મળવાનું જોખમ પણ ઉઠાવી લેતો. દરેક સમજદાર માનવી પોતાની જાતને ઓળખવા માંગે છે. સમજવા માંગે છે. સ્વને ઓળખી જશો તો દુનિયા વધુ સરળ બની જશે. તમે શરુ કર્યું સ્વ ઓળખનું કામ કે નહી? – ઘરમાં જ રહેવાનું છે તો થોડું કામ તમારી જાત પર પણ કરી લો.
૩ ડરની ઓળખ
જેમ મુવીમાં શેરખાનને ડર અને દુશ્મન તરીકે દેખાડ્યો છે. તે જ રીતે આપણા જીવનમાં પણ વિચાર, માન્યતા, લાગણી, વ્યક્તિ કે પરિસ્થિતિના રૂપે કોઈ ડર હશે. જેનો તમારે સામનો કરતા શીખવાનો છે. તેમજ તેને મૃત્યુ આપતા પણ શીખવાનું છે.
મુવી બાળકોને ગમે એવું પણ છે. તેનો મતલબ એવો નથી કે તમે આ મુવી ન જુઓ. અત્યારે સમાચારમાં કોરોનાને કારણે કઈ રીતે પ્રાણીઓને ફરીથી ખુલ્લે આમ ફરવા મળી રહ્યું છે, કઈ રીતે પ્રકૃતિના પ્રાણીઓ પોતાની જગ્યા મેળવી રહ્યા છે, કઈ રીતે દરિયાઓ માનવીના કચરાથી દૂર થઈને શુદ્ધ થઇ રહ્યા છે તેવું ઘણું આવે છે. આ મુવી જોયા બાદ તમારો કુદરત અને પ્રાણીઓ પાછળનો વિચાર બદલી જાય તો કઈ ખોટું નહી.
આભાર
દર્શાલી સોની