Money Monster

money monster by darshali soni.jfif

મની મોન્સ્ટર – શેરબજારનું સત્ય

તમે નાણાનું રોકાણ કરવા માંગતા હો તો કોની સલાહ લો છો? તમે શેરબજારમાં સ્ટોક ખરીદીને નાણા રોકવા માંગતા હો તો કોની સલાહ લો છો? જે શેરબજારનું કામ કરે છે તેની? કે પછી ઓનલાઈન જાતે તમે એપ્લીકેશનમાંથી સલાહ મેળવી શકો તેનો ઉપયોગ કરો છો? કે પછી પુસ્તકો વાંચો છો કે પછી દરરોજ સમાચાર આવતા હોય અને શેરબજારના શો થતા હોય તેના આધારે તમે રોકાણ કરો છો?

ચાલો માની લઈએ કે તમે ટીવી શો જોઇને રોકાણ કરો છો. એક દિવસ તમને આ શોમાં એવું કહેવામાં આવ્યું કે ફલાણા કંપનીમાં નાણા રોકવાથી નાણા બમણા થઇ જશે અને બહુ જ નફો થશે. તમે તેમાં નાણા રોકી દીધા અને થોડા દિવસોમાં તે કંપનીએ રાતોરાત ૮૦૦ મિલિયન ડોલર્સ ગુમાવી દીધા, તમારા અને તમારા જેવા અનેક લોકોના નાણા ડૂબી ગયા. હવે તમે શું કરશો?

તમે શું કરશો એ તો મને નથી ખબર પણ એટલી જરૂર ખબર છે કે ૨૦૧૬માં આવેલ મુવી મની મોન્સ્ટરમાં કાયેલ નામના વ્યક્તિએ પોતાના ૬૦,૦૦૦ ડોલર્સ ગુમાવવાને કારણે ટીવી હોસ્ટને લાઈવ શોમાં બોમ્બ પહેરાવી દીધો અને આખો સ્ટુડિયો તેના તાબે કરી દીધો.

હા, આજે એવા જ એક મૂવીની વાત કરવી છે જેમાં કાયેલ જેવો વ્યક્તિ ક્યાં સંજોગોમાં પ્રખ્યાત ટીવી શો – “મની મોન્સ્ટર”ના હોસ્ટ લી ગેટ્સને કિડનેપ કરે છે, તેને બોમ્બ પહેરાવી દે છે અને જો તે તેની વાત નહી મને તો મારી નાખવાની ધમકી આપે છે. પળવારમાં તો કાયેલ આ સ્ટુડિયોમાં બેઠેલા દરેક વ્યક્તિના જીવને જોખમમાં મૂકી છે છે?

કોઈ સામાન્ય મધ્યમવર્ગ પણ ન કહી શકાય તેવો વ્યક્તિ આવું શા માટે કરશે? તેણે આ શો જોઇને આઈબીઝ કેપિટલ નામની કંપનીમાં પોતાની આખી બચત રોકી દીધી અને તે કંપનીના માલિકે ફ્રોડ કરીને લોકોના ૮૦૦ મિલિયન ડોલર્સ લઇ લીધા. જો કે કાયેલને નાણા પાછા નહોતા જોઈતા – બસ તેને સત્ય જાણવું હતું કે આવું તો રાતોરાત કઈ રીતે શક્ય બને? તેના જેવા અનેક લાખો લોકોએ આ ટીવી શો જોઇને નાણા રોક્યા હશે અને તેઓના નાણા ગુમાવી દીધા હશે. કાયેલ એક એવો વ્યક્તિ નીકળ્યો જેણે પોતાનો જીવ અને અન્યનો જીવ જોખમમાં નાખીને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો.

સ્ટુડિયોની વાત કરીએ તો થોડા સમય માટે લી કાયેલના કબ્જામાં હતા, ટીવી શોની ડિરેક્ટર પેટી પણ તેના શોના હોસ્ટને બચાવવા માટે કઈ કરી શકે તેમ નહોતી. કાયેલના કહેવાથી જ તેણીએ આ લાઈવ શો ચાલુ રાખવો પડ્યો હતો. જેથી આખા દેશને આઈબીઝ કંપનીનું સત્ય ખબર પડે.

આવા સમયે કંપનીનો માલિક ગાયબ થઇ જાય છે. પછી કઈ રીતે કાયેલ, લી અને પેટી ભેગા મળીને તેના સુધી પહોંચે છે, કઈ રીતે તેની પાસે સત્ય બોલાવડાવે છે, કઈ રીતે પોલીસ તેનો ગંદો રોલ નિભાવે છે, કાયેલ સાથે અંતમાં શું થાય છે? આવી ઘટના લાઈવ ટીવી શો તરીકે આવવાને કારણે દેશના લોકો કેવો પ્રતિભાવ આપે છે, આ ઘટના પછી લોકોને શું સત્ય સમજાય છે, લી સાથે આવું શા માટે થયું – આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું.

મુવીમાં લીનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જ્યોર્જ ક્લુની દ્વારા અભિનીત છે, અને શોની ડીરેક્ટર પેટીનું પાત્ર જુલિયા રોબર્ટ્સ દ્વારા અભિનીત છે. મૂવીની વાર્તા જ એ રીતે તમારી સામે રજૂ કરવામાં આવી છે કે તમે મૂવીની એક પણ મિનીટ નહી ચૂકવા માંગો. સતત તમે એ વિચારમાં મુવી જોશો કે હવે શું થશે? હવે કાયેલ શું કરશે? લી સાથે શું થશે? પોલીસ કાયેલ કે લીને મારી નાખીશે તો? શું કાયેલને આઈબીઝ કંપનીના માલિક પાસેથી સાચો જવાબ મળશે?

આ મુવીની વાર્તા ભલે કાલ્પનિક હોય પણ અનેક લોકોના જીવન આ શેરબજારના કારણે બરબાદ થઇ જતા હોય છે. અને આવા જે ટીવી શોમાં જાણે પોતે નિષ્ણાત હોય તે રીતે લોકોને રોકાણની સલાહ આપનારા લોકો છે તેના કારણે પણ ઘણાના જીવનમાં બરબાદી આવે છે. જો કે દરેક વ્યક્તિએ પણ એ સમજવાની જરૂર છે કે કોની સલાહ માનવી અને કયો નિર્ણય લેવો. પણ સમાજમાં લોકો બહુ જલ્દીથી ગાડરિયા પ્રવાહ તરફ વહેવા લાગે છે. તેથી જ આવી ઘટનાઓ ઘટતી રહે છે. બધા જ પાત્રોનો ઉત્તમ અભિનય અને કહાનીનો અંત જાણવા માટે થઈને આ મુવી એકવાર જરૂરથી જોવું જોઈએ.