Moana

moana by darshali soni.jpg

મોઆના - દરિયાની રાણી

૨૦૧૬માં આવેલું અને બે વખત ઓસ્કાર નોમીનેટેડ મુવી એટલે મોઆના. મોઆના એક છોકરીનું નામ છે. આ મૂવીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. પ્રાચીન સમયમાં  ટે ફીટી નામની દેવી જન્મે છે અને તે આખી સૃષ્ટિની રચના કરે છે. તેના હ્રદયમાં સૃષ્ટિના સર્જનની શક્તિ હોય છે. બધું જ સર્જન થઇ ગયા બાદ એક માઉઈ નામનો શક્તિશાળી વ્યક્તિ એવું વિચારે છે કે જો ટે ફીટીનું હ્રદય જ તે ચોરી લે તો તેની પાસે બધી જ શક્તિ આવી જાય. તેથી તે ટે ફીટીનું હ્રદય ચોરી લે છે. આટલી વાર્તા પૂરી થઇ બાદ તમે એક સુંદર મજાનો આઈલેન્ડ જોશો કે જ્યાં બધા લોકો ખૂબ જ ખૂશીથી હળીમળીને રહેતા હોય. ત્યાં એક નાની એવી ચુલબુલી મોઆના પણ રહેતી હોય છે. આ મુવીમાં દરિયો ટે ફીટીનું હ્રદય પાછું લઇ આવવા માટે તેની પસંદગી કરે છે. તે જ્યારે આઈલેન્ડની રાણી બને છે ત્યારે અચાનક જ દરિયામાં માછલી મળવાનું બંધ થઇ જાય છે. ત્યારે તે દરિયાની સહેલમાં નીકળે છે અને માઉઈ પાસે જઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ટે ફીટીનું હ્રદય પાછું લઇ આવે છે. મોઆનાનું પાત્ર ખૂબ જ બહાદુર અને એડવેન્ચરસ છે. ચાલો જાણીએ શું શીખવે છે - મોઆના.

૧ તમારા દિલની વાત સાંભળો

મોઆનાને હંમેશાથી દરિયામાં જવાનો શોખ હતો. પણ તેના પિતાના ડરને કારણે તે ક્યારેય દરિયામાં જઈ શકતી ન હતી. એક વખત તે અંતે પોતાના દિલની વાત સાંભળીને દરિયામાં ચાલી જાય છે. ત્યારે તેને ખબર પડે છે કે તેને દરિયો શા માટે ગમતો હતો. એ જ રીતે જીવનમાં પણ તમને બધાની સહમતી મળે કે ન મળે જો તમે એકવાર તમારા દિલની વાત સાંભળીને તમને ગમતું કામ કરશો તો અફસોસ તો નહિ જ રહે.

૨ ડરનો સામનો

મોઆના જયારે ટે ફીટીનું હ્રદય લેવા પાછી જતી હોય છે ત્યારે તે અગ્નિના દેવતા ટે કાનો સામનો કરે છે. ત્યારે તે ડરીને ભાગી જવાને બદલે નીડર બનીને તે દેવતાનો પણ સામનો કરે છે. જયારે તમે દિલની વાત સાંભળો ત્યારે મુશ્કેલીઓ તો આવવાની. આવા સમયે ડરો નહી અને તમે જે રસ્તો પસંદ કર્યો છે તેના પર ચાલતા રહો.

૩ અલગ હોવું

મોઆનાના દાદી આઈલેન્ડમાં બધાથી અલગ હતા. તે પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા. તે મોઆનાને પણ શીખવાડતા કે અલગ હોવું તે કોઈ ખરાબ બાબત નથી. તે કહેતા કે તમે અલગ હો ત્યારે બીજા લોકો તમારા માટે શું વિચારે છે તેની ચિંતા ન કરો. તમને ગમતી પ્રવૃત્તિઓ કરો.

૪ પ્રયત્ન

મોઆના મુવીમાં માઉઈ નામનું પાત્ર પણ સારું છે. તે અનેકવાર નિષ્ફળતા હાંસિલ કરે છે આમ છતાં પ્રયત્નો કરવાનું બંધ નથી કરતો. અંતે તો તેને સફળતા મળે જ છે. એકવાર, બે વાર ગમે તેટલી વખત નિષ્ફળતા મળે તો પણ પ્રયત્ન કરતા રહો. હાર ન માનો.

૫ તમારી જાતને ઓછી ન આંકો

જ્યાં સુધી તમે કંઈક નવું નહી કરો ત્યાં સુધી તમને તમારી આવડત અને નબળાઈ વિશે ખબર જ નહિ પડે. તમારી જાતને તમારી આવડતો અને તાકાત વિશે જાણવાની તક તો આપો. મોઆના જ્યાં સુધી દરિયામાં ગઈ નહોતી ત્યા સુધી તેને ખબર જ નહોતી કે તે કેટલી બહાદુર છે. હા, જયારે કંઇક નવું કરશો ત્યારે મુશ્કેલીઓનો સામનો જરૂરથી કરવો પડશે પણ તમે અત્યાર સુધી તમારી જાતને ઓછી આંકતા હો તે માનસિકતામાંથી તમે જરૂર બહાર આવી જશો.

મોઆનાનું પાત્ર નીડર અને પોતાના દિલની વાત સાંભળીને આગળ વધતા શીખવાડે છે. મોઆનાના પિતા પણ એક ફેમીલી મેન તરીકે પોતાના પરિવારને અને આઈલેન્ડના લોકોને ઉત્તમ રીતે સંભાળે છે. પોતાની જાતને થોડું મોટીવેશન આપવા માટે આ મુવી જરૂરથી જોઈ શકાય.

આભાર

દર્શાલી સોની