Miss you already

Miss-You-Already-by darshali soni.jpg

મિસ યુ ઓલરેડી - અતૂટ મિત્રતાની મિશાલ

૨૦૧૫માં રીલીઝ થયેલ મિસ યુ ઓલરેડી તમને સાચી મિત્રતાની વ્યાખ્યા શું છે તે જરૂરથી શીખવાડશે. બે ચુલબુલી સહેલીઓ જેસ અને મિલી જે બાળપણથી જીવનના અંત સુધી કઈ રીતે મિત્રતા નિભાવે છે તેની કહાની એટલે મિસ યુ ઓલરેડી. હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી ડ્રયુ બેરીમોર અને ટોની દ્વારા જેસ અને મિલીનું પાત્ર નિભાવવામાં આવ્યું છે. જેસ અને મિલી નાનપણથી જ મિત્રો હોય છે. મિલી પાસે બધું જ હોય છે - એક સફળ કારકિર્દી, સુંદર લગ્ન જીવન અને બે બાળકો. જયારે જેસ એક કોમ્યુનીટી ગાર્ડનમાં કામ કરતી હોય છે અને તેના પતિ સાથે એક નાના એવા બોટહાઉસમાં રહેતી હોય છે.

મૂવીની વાર્તામાં વણાંક ત્યાં આવે છે જયારે મિલીના સુખી જીવનમાં અણધારી ઘટના ઘટે છે. તેને બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થાય છે. તેણી આ વાત તેની સહેલી જેસને જ કહી શકે છે. આ જ સમયે જેસ પણ બાળક માટે પ્રયત્નો કરતી હોય છે અને અંતમાં તેણી આઈવીએફ દ્વારા બાળક મેળવવાનું નક્કી કરે છે. બંનેને જીવનમાં અનેક ચડાવ ઉતાર આવે છે ત્યારે તેઓ એકબીજાનો કઈ રીતે સાથ આપે છે તે જ આપણને મિત્રતાના ખરા પાઠ શીખવી જશે. તો ચાલો જાણીએ શું કહે છે "મિસ યુ ઓલરેડી"

૧ મુશ્કેલી અને મિત્રતા

સાચી મિત્રતા ક્યારેય ખોખલી હોતી નથી. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પરંતુ જો દરેક મુશ્કેલીનો સામનો બંને મિત્રો સાથે મળીને કરે તો મુશ્કેલી પણ દૂર ભાગી જાય છે. જયારે મિલીને કેન્સર થાય છે ત્યારે જેસ જ તેને અંત સુધી સાથ આપે છે અને ખરી મિત્રતા નિભાવે છે.

૨ એકરૂપતા

દરેક વ્યક્તિ અલગ હોય છે. દરેકના શોખ, ઈચ્છાઓ અને માન્યતાઓ અલગ અલગ હોય છે. આમ છતાં મિત્રતામાં બે લોકો વચ્ચે ગમે તેટલી અલગ અલગ વિચારધારા હોય તો પણ કોઈને કોઈ સામ્યતાઓ તેઓ શોધી જ લે છે. મિલી એક ચુલબુલી અને જીવનને પૂરી રીતે માણવાની માનસિકતા ધરાવતી સ્ત્રી છે. જયારે જેસ તેનાથી અલગ છે. આમ છતાં બંને મિત્રો નાનપણથી માંડીને અંત સુધી એકબીજાની નાનામાં નાની બાબતોથી માંડીને બધા જ રહસ્યો શેર કરે છે અને જીવનભર સાથ નિભાવવા માટે એકબીજામાં એકરૂપતા શોધી જ લે છે.

૩ મદદ

ઘણા સંબંધોમાં સ્વાર્થને સ્થાન આપવામાં આવતું હોય છે. સામેવાળું વ્યક્તિ તમારા માટે કંઇક કરે તો જ તમે તેના માટે કંઇક કરો તેવી માનસિકતા રાખવામાં આવતી હોય છે. જયારે મિત્રતા એક જ એવો સંબંધ છે જેમાં બંને મિત્રો એકબીજા માટે નિ: સ્વાર્થ ભાવનાથી મદદ કરતા હોય છે. મિલીને કેન્સર થાય છે ત્યારે જેસ તેના બાળકોને તો સાચવે જ છે અને સાથોસાથ મિલી સાથે દરેક કીમિયોથેરાપીમાં પણ જાય છે. તેણી મિલીના મૃત્યુ સુધી તેનો સાથ નિભાવે છે. તે જ રીતે જયારે જેસ બાળકને જન્મ આપવાની હોય છે ત્યારે મિલી પણ બીમાર હોવા છતાં જેસ પાસે હાજર રહે છે.

૪ અતૂટ મૈત્રી

મિત્રતાનો સંબંધ બધા સંબંધોથી અલગ હોય છે. ઘણીવાર તમે જે સત્યો અને વાતો તમારા અંગત લોકોને ન જણાવી શકતા હો તે તમે તમારા મિત્ર સાથે બેજીજક શેર કરી શકો છો. જયારે મિલીને કેન્સરના એડવાન્સ સ્ટેજની જાણ થાય છે ત્યારે તેણી તેના પતિને નથી કહી શકતી પણ તેણી જેસને વાત કરે છે. અતૂટ મૈત્રી તેને જ કહી શકાય કે જ્યાં તમે જેવા છો તેવા જ તમારા મિત્ર સાથે રહી શકતા હો. મિલી તેને કરેલી બધી જ ભૂલો પણ જેસને જણાવે છે. તેનું મુખ્ય કારણ છે તેઓ વચ્ચેની અતૂટ મૈત્રી.

મિત્રતા એક એવો સંબંધ છે કે જે લોહીનો સંબંધ તો નથી પણ ઘણીવાર તેના કરતા પણ વધુ મહત્વ ધરાવતો સંબંધ જીવનમાં બની જાય છે. જેસ અને મિલીની મિત્રતા પણ કંઇક એવી જ છે. આ મુવીમાં જેસ અને મિલી બંને એકબીજા માટે કેટલો પ્રેમ ધરાવે છે તે તમે મુવીમાં બનતી દરેક ઘટનાઓમાં જોઈ શકશો. મિલીના મૃત્યુ સુધી જેસ તેનો સાથ આપે છે. તેઓ વચ્ચે ઝગડાઓ થાય છે તો પણ તેની મિત્રતામાં કોઈ ફેરફાર થતો નથી.  જો તમને મિત્રતા પરના મુવી જોવા ગમતા હોય અને જયારે મુવીનો કોઈ પાત્ર મૃત્યુ પામે ત્યારે તમે હતાશ ન થઇ જતા હો તો આ મુવી જોવા જેવું ખરું.

આભાર

દર્શાલી સોની