Million Dollar Arm

million dollar arm by darshali soni.jpg

મિલિયન ડોલર આર્મ - ગેમ ઈઝ ઓન!

૨૦૧૪માં એક મસ્ત મજાનું મુવી આવ્યું. તે પણ સત્યકથા આધારિત. આવા મુવીઝ જોવાની મજા જ અલગ છે. કારણ કે તેમાં કોઈ ખોટી આશાઓ કે પ્લોટ નથી હોતા. જો તમને ચક દે ઇન્ડિયા કે પછી એમ એસ ધોની કે દંગલ જેવા મુવીઝ જોવા ગમતા હોય તો આ મુવી તમને જરૂરથી ગમશે.

મૂવીની વાર્તા સરળ છે - અમેરિકામાં જે બી બેનસ્ટેઇન નામનો સ્પોર્ટ એજન્ટ ઉત્તમ રીતે કામ કરતો હોય. અચાનક જ ૨૦૦૮માં કંપની નુકસાની ભોગવે અને પછી જેબીએ કંઇક ખુરાફાતી આઈડિયા વિચારવો પડે.

આ વિચારના ભાગ રૂપે તેને એવો વિચાર આવે કે જો ભારતની ક્રિકેટ ટીમના છોકરાઓ અહી અમેરિકામાં આવીને મેજર લીગ બેઝબોલ ટીમમાં ભાગ લે તો કેવું? ઈતિહાસ પણ બને અને પોતાને સફળતા પણ મળી જાય.

બસ આવા જ તોફાની આઈડિયા સાથે તે ભારતમાં બે ઉત્તમ ખેલાડી શોધવા માટે આવે. અનેક ઓડીશન્સ પછી તેને બે હીરાઓ મળે - રીન્કુ સિંઘ અને દિનેશ પટેલ. તે બંનેને ક્રિકેટનું જેવું તેવું જ્ઞાન હોય. ગલ્લી ક્રિકેટ રમીને કંઇક કરી છૂટવાની તમન્ના પણ ધરાવતા હોય. તેનો હાથ પકડે અમેરિકાથી આવેલો જેબી.

જેબી બંનેને અમેરિકા લઇ જાય. બંનેને ટ્રેઈનીંગ આપે અને પછી ઈતિહાસ રચાઈ જાય. કઈ રીતે બે ભારતીયો વિદેશમાં ભારતમાતાનો ડંકો વગાડી દે તે જોવાની મજા આવશે. તો ચાલો જાણીએ શું શીખવે છે આ સત્યકથા!

૧ સમટાઈમ્સ ટુ વિન, યુ હેવ ટુ ચેન્જ ધ ગેમ

મૂવીની ટેગલાઈન જ ઘણું કહી જાય છે. જેબીને ખબર હતી કે તેના આવા ખુરાફાતી આઈડિયાને સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ. આમ છતાં તે હિંમત હાર્યા વગર રીન્કુ અને દિનેશ પર વિશ્વાસ મૂકે છે. જીવનમાં પણ ક્યારેક તમારે જીતી જવા માટે ગેમ જ બદલાવી નાખવાની હોય છે. જરૂરી નથી કે હરીફ અને ગેમના નિયમો બદલાઈ જાય. તમે જ રસ્તો બદલાવી નાખો ને.

બોલ્ડ વિચાર

હવે તો "આઉટ ઓફ ધ બોક્ષ આઈડિયા" શબ્દ સાવ ચવાઈ ગયો છે. દરેક વ્યક્તિ પાસે કંઇક ને કંઇક નવા આઈડિયાઝ હોય જ છે. બની શકે અમુક આઈડિયા લોકોના મગજમાં ઉતરે અમુક ના પણ ઉતરે. જેમ કે જેબીનો આઈડિયા પહેલાં તો કોઈને ગળે ઉતર્યો નહોતો. કઈ રીતે ભારતના નાના શહેરમાં રહેતા બે લોકો ક્રિકેટને બદલે અમેરિકામાં જઈને બેઝબોલ રમી શકે? આમ છતાં તેણે સમાજને સાબિત કરી બતાવ્યું કે બોલ્ડ વિચારને પણ વાસ્તવિકતામાં ફેરવી શકાય છે. જો તમારી પાસે પણ આવો કોઈ આઈડિયા હોય તો વિચારી જૂઓ.

૩ અલગ પર ભરોસો હોવો

આગળ કહ્યું તેમ કોઈને એ વાતનો ભરોસો નહોતો કે રીન્કુ અને દિનેશ જીતી શકે. જો કે તેના કુટુંબને અને જેબીને ભરોસો હતો. એટલું જ નહી જેબીના ઘરની બાજુમાં રહેતી નર્સને પણ ભરોસો હતો. જેબી અને નર્સની લવ સ્ટોરી તો તમે જ જોઈ લેજો ને. ક્યારેક જીવનમાં એવું જ થાય - તમારા સપના કે ધ્યેય પર કોઈને ભરોસો ના હોય આમ છતાં જો તમારી નજીકના લોકોને અને તમારી જાતને તમારા પર ભરોસો હોય તો જરૂરથી કોઇપણ ગેમ જીતી શકાય છે.

૪ કલ્ચર

હોલીવુડમાં અનેક એવા મુવીઝ બન્યા છે કે જેમાં ભારત સાથે ગાઢ સંબંધ દર્શાવ્યો હોય. ત્યારે આ મુવીમાં ભારતના કલ્ચરની કઈ સાઈડ દેખાડી છે તે તમારે મુવીમાં જોવું રહ્યું. કઈ રીતે એક દેશમાંથી વ્યક્તિ બીજા દેશમાં જાય ત્યારે નવી વસ્તુ, ટેકનોલોજી, વિચારો, વ્યક્તિનું કુતુહલ હોય છે અને કઈ રીતે વ્યક્તિ ધીમે ધીમે કોઇપણ કલ્ચરમાં ઢળી જાય છે તે તમે આ મુવીમાંથી શીખી શકો છો. દર વખતે વિદેશીનો બણગો ફૂન્કવો જરૂરી નથી તેમ દરેક વખતે ભારતીય હોવાનો પણ બણગો ફૂન્કવો જરૂરી નથી. કોઈવાર બંને કલ્ચરના સમન્વયથી કંઇક નવું સર્જન કરી શકાય છે.

આ મુવીમાં સંગીત એ આર રહેમાને આપેલ છે. આ મુવીમાં "હોલ ઓફ ફેમ" નામનું ગીત પણ આવે છે જે ઉત્તમ છે. દર્શન જરીવાલા જેવા ભારતીય અભિનેતા પણ આ મુવીમાં છે. તેમજ જેબીનું પાત્ર મારા પ્રિય અભિનેતા જોહન હેમ દ્વારા અભિનીત છે. કોઈવાર એવું લાગે કે જીવનમાં થોડું મોટીવેશન મળી જાય તો મજા આવી જાય ત્યારે આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની