Marry Poppins Returns

marry moppins returns.jpg

બોલીવુડના મુવીઝની વાત કરીએ તો ઘણા આધ્યાત્મિક પાત્રો પર મુવીઝ બનેલા છે જેમ કે શ્રી કૃષ્ણ, હનુમાન વગેરે. બોલીવુડમાં આવા ધાર્મિક પાત્રોને જ આદર્શ બનાવીને મુવી બનાવવામાં આવે છે. જયારે હોલીવુડમાં ચિત્ર થોડું અલગ છે. હોલીવુડમાં અનેક એવા કાલ્પનિક પાત્રો પર મુવીઝ બનેલા છે જેની અસર વ્યક્તિના માનસ પર જાણે વાસ્તવિક હોય તેવી પડી છે. જેમ કે બેટમેન, આયર્ન મેન, શેરલોક, વગેરે. આ બધા જ પાત્રો પર એકથી વધુ મુવીઝ બનેલા છે. તેનું કારણ છે – પાત્ર પાછળની કલ્પના, પાત્ર પાછળનો વિચાર.

આજે એક એવા જ પાત્રની વાત કરવી છે જે હોલીવુડમાં ખૂબ જ પ્રખ્યાત થઇ ગયું હતું. તેના લીધે તો મેરી પોપીન્સ રીટર્ન્સ મુવી આવ્યું. મેરી પોપીન્સ એક એવું પાત્ર કે જે છે જાદુની જાણકાર. જયારે લોકોના જીવનમાં સમસ્યા આવે ત્યારે તેઓ મેરી પોપીન્સને યાદ કરે છે. ત્યારે સુંદર મજાનો પહેરવેશ પહેરીને, ટોપી પહેરીને અને પોતાની છત્રી લઈને હાજર થઇ જાય છે મેરી પોપીન્સ. તેમજ બધાને તેની મુશ્કેલીમાંથી તેની જાદુઈ શક્તિ થકી ઉગારી લે છે.

મેરી પોપીન્સ પરથી અત્યાર સુધી જેટલા મુવીઝ કે ડોક્યુમેન્ટ્રી બનેલી છે તેમાં પાત્રની ખાસિયતો એક સમાન રહી છે. પણ દરેક વખતે મુશ્કેલીમાં પડનારા લોકો અલગ હોય છે, તેઓના પડકાર અલગ હોય છે, તેમજ મેરી પોપીન્સ જે રીતે લોકોને મદદરૂપ થાય છે તેની રીત અલગ હોય છે. તેમજ તેના દરેક મુવીમાંથી શીખવાની બાબતો પણ અલગ હોય છે.

૨૦૧૮માં આવેલું મેરી પોપીન્સ રીટર્ન્સ મારું પ્રિય મુવી છે. કારણ કે તેમાં મેરીનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી એમિલી બ્લન્ટ દ્વારા અભિનીત છે. તમને મેરી પોપીન્સ પાત્રમાં રસ પડે કે ન પડે, તેણીની ઉત્તમ એક્ટિંગ જોવા માટે થઈને પણ આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આ વખતે મુવીમાં જેન અને માઈકલ નામના બે બાળકો એક મુશ્કેલીમાં પડી જાય છે. તેઓને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે વર્ષો પછી મેરી પોપીન્સ પાછા ફરે છે. હવે જે મુવીમાં બાળકો, જાદુ, મુશ્કેલીઓ – હોય તે મુવી જરૂરથી મજેદાર હોવાનું. તેથી જ ઉંમર કોઇપણ હોય – તમને આ મુવી જોવાની મજા આવશે. કઈ રીતે મેરી પોપીન્સ તે બાળકોને મદદ કરે છે તે જોવાની ખરી મજા છે. જો કે આ મુવીમાં મેરી પોપીન્સ પણ તેના એક મિત્ર જેકની મદદ લે છે. જેના પરથી તમને એ સમજાશે કે જરૂરી નથી કે કોઈ એવી સ્ત્રી કે જેની પાસે બધી જ આવડત છે, જાદુ છે તો પછી તેને મદદની શું જરૂર? તે પણ મદદ લઇ શકે.

સામાન્ય રીતે આપણે અત્યાર સુધીમાં બધા એવા જ મુવીઝ જોયા છે જેમાં આદર્શ પાત્ર બધી રીતે સક્ષમ હોય. તેને કોઈની મદદની જરૂર ના હોય. પણ મેરી પોપીન્સનું પાત્ર વાસ્તવિકતાને ધ્યાનમાં લે છે – તેણી મદદ લે છે, તેણી પણ નુકસાનીને લીધે દુઃખી થાય છે, તેની પણ લાગણીઓ હોય છે. – ખરેખર આવા જ તો પાત્રો હોવા જોઈએ – જે આપણે  વાસ્તવિક ચિત્ર દેખાડે નહી કે કલ્પનાઓમાં ખોવાઈ જવા દે.

આ મુવીમાં મેરી પોપીન્સનો પ્રખ્યાત ડાયલોગ છે – કઈ જ અશક્ય નથી. અશક્ય પણ અશક્ય નથી.” આપણે આ વાત હજારો વાર વાંચી છે પણ જયારે મેરી પોપીન્સ બહુ જ સહજતાથી આ વાત જણાવી દે અને એકવાર આપણે તેને સ્વીકારવાનો પ્રયત્ન કરી લઈએ તો જીવન કંઇક અલગ જ બની જાય.

આ મુવીમાં તમને આમ તો વાર્તા સહજ લાગશે પણ વચ્ચે કંઇક આવી જ વાતો હશે જે તમે ધ્યાનથી જોશો તો ગમી જશે અને ઘણું શીખવાડી પણ જશે. એવું કોઈ મુવી જોવાનું મન થયું હોય જે સરળ છે, આદર્શ છે, હસાવે છે અને મજા આવે છે – તો મેરી પોપીન્સ રીટર્ન્સ જોવા જેવું ખરું!