Mank

mank by darshali soni.jpg

મેંક – સ્ક્રીન રાઈટરનું જીવન કેવું?

તમે મુવીમાં ખોવાઈ જઈને વાસ્તિવક દુનિયા ભૂલી જાવ છો તેમાં શું ખાલી ડિરેક્ટર અને અભિનેતાઓની ઉત્તમ એક્ટિંગ જ જવાબદાર હોય છે? કે પછી તમારી જિજ્ઞાસા અને રસને લીધે તમને મુવી જોવા ગમે છે? – આ કાલ્પનિક દુનિયાનું બીજ ખરેખર રોપનાર કોણ? – સ્ક્રીન રાઈટર – જે મુવીની આખી સ્ક્રીપ્ટ લખે છે, દરેક પાત્રમાં જીવ રેડે છે, દરેક પાત્રને એટલું દમદાર બનાવે છે કે તમે તેની સાથે તરત જ લાગણીઓથી જોડાઈ જાવ. જો કે કડવું સત્ય એ પણ છે કે હોલીવુડ અને બોલીવુડ બંનેમાં સ્ક્રીન રાઈટરને જોઈતી પ્રખ્યાતી નથી મળતી, તેઓના કામને બિરદાવવામાં પણ ક્યારેક જ આવે છે.

આજે એક એવા મહાન અને પ્રખ્યાત સ્ક્રીન રાઈટરની વાત કરવી છે – જે ઓસ્કાર વિનર છે, જે ૧૯૩૦ના સમયમાં હોલીવુડમાં સૌથી વધુ મહેનતાણું મેળવનાર સ્ક્રીન રાઈટર હતા. આ સ્ક્રીન રાઈટરનું નામ છે – હર્મન મેન્કેવીત્ઝ. ૨૦૨૦ માં આવેલ મેંક મુવી તેની જીવનકથા પર જ આધારિત છે. આ મુવી પણ ૧૦ વખત ઓસ્કાર માટે નોમીનેટ થઇ ચૂક્યું છે.

મેંકના પાત્રની વાત કરીએ તો તેનો અભિનય પ્રખ્યાત અભિનેતા ગેરી ઓલ્ડમેન દ્વારા અભિનીત છે. મેંક આલ્કોહોલિક હતા, તે ૫૫ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. તેણે અમુક ઉત્તમ મુવીઝની સ્ક્રીપ્ટ લખી જેમ કે – સિટિઝન કેન, ધ ગુડ ફેલોઝ. અન્ય લેખકોની જેમ તેની પણ એવી જ છાપ હતી કે – તે મૂડી હતા, પોતાની મરજી મુજબ કામ કરતા, પોતાની અલગ ક્રિએટીવ પ્રોસેસ હતી, સારી સ્ક્રીપ્ટ લખવા માટે તેને એકાંતમાં રાખવા પડતા, આલ્કોહોલની દુનિયામાં બહુ જલ્દી ખોવાઈ જતા, તેના સમાજ અને રાજકારણ માટેના બહુ જ સ્પષ્ટ અભિપ્રાયો હતા. ક્યારેક તે ડીરેક્ટરસ માટે મુશ્કેલી બની જતા.

૧૯૪૦માં એક પ્રખ્યાત સ્ટુડિયો ૨૪ વર્ષના ઓર્સન વેલ્સને એવી સત્તા આપે છે કે તે કોઇપણ વ્યક્તિ પાસે મુવીની સ્ક્રીપ્ટ લખાવી શકશે અને પોતાની ઈચ્છા મુજબ મુવી ડાયરેક્ટ કરી શકશે. આ સમયે તે હર્મનની નિમણુક કરે છે કે જે આલ્કોહોલમાં ડૂબી ગયા છે. તેણે હર્મન પાસેથી માસ્ટર પીસ લખાવા માટે શહેરની બહાર એક ઘરમાં હર્મનને રાખે છે, તેની પત્નીથી દૂર, આલ્કોહોલથી દૂર. તેમજ બહુ ઓછા સમયમાં સ્ક્રીપ્ટ લખવાનું કહે છે.

તેના સ્ક્રીપ્ટના સમયને પૂરા થવાને ૧૩ દિવસની જ વાર હોય છે અને હર્મન “સિટિઝન કેન” જેવું મહાન મુવી લખી નાખે છે. મુવીમાં સાથોસાથે હર્મનની પાછલું જીવન કેવું હતું – જયારે તે યુવાન હતા ત્યારે તેને લખવા માટે કેવી તકો મળી, તેને કેવા ડીરેક્ટર સાથે કામ કર્યું, તેના અભિનેત્રીઓ સાથેના સંબંધો કેવા હતા, તેની પત્ની સારા તેને કઈ રીતે મદદ કરતી હતી – તેની ભૂલો, તેની સફળતા – આ બધું જ મુવીમાં તમે જોશો.

હર્મનના અમુક ડાયલોગ્સ કે જે મુવી સાથે અને લેખન સાથે જોડાયેલ છે તે મારા પ્રિય છે – જેમ કે “તમે કોઈ એક વ્યક્તિનું જીવન માત્ર ૨ કલાકમાં ન દેખાડી શકો, બસ તમે તેવી છાપ ઉભી કરી શકો.”

મુવીમાં એક સુંદર વાર્તા છે – વાંદરાની વાર્તા. – આ વાર્તા કેટલી અસરકારક છે તે જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. કઈ રીતે માનવીને એવું લાગતું હોય કે તે જ બધું કરી રહ્યો છે – પણ તે તેનો ભ્રમ હોય છે – તેની સમજ તમને આ વાર્તામાંથી મળશે,

કઈ રીતે હર્મન પોતે પ્રખ્યાત તો હોય છે પણ અંદરથી કેવો ખાલીપો અને ખોખલું અનુભવે છે તે તમે આ મુવીમાં અનુભવી શકશો. મીડિયા અને મુવીના ક્ષેત્રમાં કેવું રાજકારણ થતું હોય અને તેમાં કઈ રીતે મહાન લોકોની સર્જનાત્મકતા અંકાતી હોય અને ક્યારેક ખોવાઈ પણ જતી હોય તે તમને આ મુવીમાં જોવા મળશે. મુવી ૧૯૩૦ના સમયમાં દેખાડ્યું છે. તેથી થોડી ધીરજ રાખીને મુવી જોવું. જેથી કંટાળો ના આવે.