Maleficent

maleficent.jpg

પરીકથામાં ખોવાઈ જવાની મજા! - મલેફીશન્ટ

જો તમને એન્જેલીના જોલીના મૂવીઝ જોવા ગમતા હોય તો તમે મલેફીશન્ટ મૂવી જોયું હશે. તમારી યાદશક્તિને હજુ થોડું ધ્યાન આપીએ તો મલેફીશન્ટ મૂવીમાં હિન્દી ડબિંગ વખતે એશ્વર્યા રાયે મલેફીશન્ટ માટે અવાજ આપ્યો હતો. 

આ અઠવાડિયે તમને પરીકથાઓમાં ખોવાઈ જવાની ઈચ્છા હોય તો આ મૂવી જોવું જોઈએ. ૨૦૧૪માં આવેલ આ મૂવીના બે ભાગ છે. તેમાંથી આજે આપણે સૌથી પહેલા ભાગની વાત કરીશું. દરેક પરીકથાની જેમ મલેફીશન્ટ એક સુંદર હસતી-રમતી પરી હોય છે. તેનું સરસ મજાનું જાદુઈ ગામ અને સાથોસાથ તેની પાસે રહેલી અઢળક શક્તિ. ગામના બધાની ચાહીતી હોય છે મલેફીશન્ટ. 

હવે જયારે એક પરી માનવીના પ્રેમમાં પડે ત્યારે બે શક્યતાઓ હોય - એક તો માનવીના પ્રેમમાં પડ્યા બાદ શ્રેકની જેમ તેઓના બાળકો હોય. અથવા તો માનવી પરી સાથે વિશ્વાસઘાત કરે. મલેફીશન્ટ સાથે વિશ્વાસઘાત થયો. નાનપણમાં જ મલેફીશન્ટ જેના પ્રેમમાં પડી હતી તે જ સ્ટેફાને તેની પાંખો કાપી નાખી. મલેફીશન્ટના મનમાં જીવનભર માટે માનવી પ્રત્યે નફરતની લાગણી પેદા થઇ ગઈ. એટલું જ નહી તેને પ્રેમની લાગણીથી પણ નફરત થઇ ગઈ. 

સ્ટેફાન એક દેશનો રાજા બની જાય છે, તેની ઘરે એક સુંદર બાળકીનો જન્મ થાય છે. મલેફીશન્ટ અને અન્ય પરીઓ તેને મળવા જાય છે - નફરતથી ભરેલી મલેફીશન્ટ તે બાળકીને શ્રાપ આપી દે છે. આ શ્રાપથી બચવા માટે સ્ટેફાન અરોરા - તેની દીકરીને બધાથી દૂર મોકલી દે છે. સમય જતા તેણી મોટી થઇ જાય છે. મલેફીશન્ટ સતત તેની આસપાસ રહેતી હોય છે. નફરતની લાગણીને બદલે મલેફીશન્ટના મનમાં અરોરા માટે પ્રેમની લાગણી જન્મવા લાગે છે. તેને પોતાના શ્રાપ બદલ અફસોસ થવા લાગે છે. જો કે તેણીએ આપેલ શ્રાપ પાછો વાળી શકાય તેમ નથી. અન્ય પરીકથાઓની જેમ કઈ રીતે મલેફીશન્ટ અરોરાને બચાવે છે, કઈ રીતે સ્ટેફાનનો અંત આવે છે - તે તમે મૂવીમાં જોઈ શકશો. 

માનવી હોય કે પરી - જીવનના કડવા અનુભવોને લીધે જ ખરાબ બને છે અથવા તો કઠોર બને છે. મલેફીશન્ટ સાથે પણ કંઇક એવું જ થયું. પણ શું અરોરા મલેફીશન્ટનું હ્રદય પરિવર્તન કરે છે? શું મલેફીશન્ટ તેના શ્રાપને વાળી શકે છે? - તેના માટે તમારે મૂવી જોવું રહ્યું. કઈ રીતે મલેફીશન્ટ તેની શક્તિનો ઉપયોગ કરે છે તે જોવાની વધુ મજા આવશે. એન્જેલીના જોલીની ઉત્તમ એક્ટિંગ જોવા માટે થઈને આ મૂવી જોવું જોઈએ. તેના કોસ્ચ્યુમ અને મેકઅપ માટે થઈને ઓસ્કાર નોમિનેશન પણ થયું હતું. 

માફી કેટલી જરૂરી છે, પ્રેમનું જીવનમાં શું મહત્વનું છે, ઘણીવાર ભૂતકાળના નિર્ણયો શા માટે ભવિષ્યમાં અફસોસ થાય છે - તે તમે આ મૂવીમાંથી શીખી શકશો. મૂવીમાં મલેફીશન્ટનું પાત્ર એન્જેલીના જોલી દ્વારા અભિનીત છે. અરોરાનું પાત્ર - એલ ફેનીંગ દ્વારા અભિનીત છે. મૂવીની ટેગલાઈન છે - “ઇવિલ હેઝ અ બીગ્નીંગ” આગળ વાત થઇ એમ - કડવા અનુભવો જ વિચારસરણી બદલાવે છે. જો તમને મલેફીશન્ટ મૂવીનો પહેલો ભાગ ગમે તો બીજો ભાગ જરૂરથી જોઈ શકો.