માડાગાસ્કર - તોફાની ટોળકીની કહાની
૨૦૦૫માં રીલીઝ થયેલ એનીમેટેડ મસ્ત મજાનું મુવી એટલે માડાગાસ્કાર. આ મુવીના અત્યાર સુધીમાં ત્રણ ભાગ આવી ગયા છે. તેમાંથી આપણે પહેલાં ભાગની વાત કરીશું. આ મુવીમાં મુખ્ય ચાર પાત્રો છે. ન્યુયોર્ક શહેરમાં એક ઝૂમાં ચાર પ્રાણીઓ રહેતા હોય છે. એલેક્સ નામનો સિંહ, મેલ્મેન નામનો જિરાફ, માર્ટી નામનો ઝીબ્રા અને ગ્લોરિયા નામની હિપોપોટેમસ. બધા પાકા મિત્રો હોય છે. તેઓ ક્યારેય ઝૂની બહાર નીકળ્યા જ નથી હોતા. ખરા જંગલની મજા શું છે તે તેઓ જાણતા જ નથી. પણ તેઓના ઝૂમાં એક સુંદર મજાનું જંગલનું એક દ્રશ્ય હતું અને માર્ટી તે દ્રશ્યને જોઇને દરરોજ જંગલમાં જવાની કલ્પના કરતો. એકવાર તો તે હિંમત કરીને જંગલમાં જવા તૈયાર થઇ જાય છે અને સાથોસાથ તેના ત્રણ મિત્રો તેની પાછળ પાછળ જંગલ જાય છે. અહીથી જ રોમાંચક વાર્તા શરુ થાય છે. તેઓ જંગલ સુધી પહોંચે તે પહેલાં તેઓને સાતીર અને તમને સૌથી વધુ ગમશે તેવા ચાર પેન્ગ્વીન્સ પણ મુવીમાં આવશે. તેમજ ત્યાં જંગલમાં રહેતા કિંગ જુલીયનનું પાત્ર પણ તમને ગમશે.
જંગલમાં આવતી મુશ્કેલીઓ અને મજામાં બધા મિત્રો એકબીજાનો કઈ રીતે સાથ આપે છે તેની વાત એટલે માડાગાસ્કર મુવી. આમ તો આ મુવી એકદમ રીલેક્સ થઇ જવા માટેનું મુવી છે. પણ આ મુવીમાંથી કોઈ ઓર્ગેનાઈઝેશનમાં અનુસરી શકાય તેવા લીડરશીપના અને ટીમના ઘણા પાઠ શીખવા મળશે:
૧ લીડર બનવું અને લીડર હોવાનો ઢોંગ
જયારે તમે કંપનીમાં ટીમમાં કામ કરતા હશો ત્યારે ઘણા લોકો એવા હશે કે જેઓ પોતે લીડર છે તેઓ ઢોંગ કરશે પણ જયારે ખરેખર જવાબદારી ઉપાડવાની આવશે ત્યારે પીછેહઠ કરી લેશે. એવું પણ જરૂરી નથી કે જે વ્યક્તિ લીડર હોવાનો ઢોંગ કરતો હોય તે જ ખરેખર હોશિયાર હોય. ઘણીવાર ટીમમાં એવા સભ્યો પણ હોય છે કે જે લીડરશીપ નથી લેતા પણ તેઓ વધુ હોશિયાર હોય છે અને સમય આવ્યે જવાબદારી પણ ઉપાડી લે છે. જેમ કે કિંગ જુલીયન માત્ર લીડર છે એવા નખરા કરે રાખે પણ હકીકતમાં એક નાનું એવું પાત્ર મોરીસ તેનાથી પણ હોશિયાર હોય છે.
૨ દરેક વ્યક્તિત્વને બિરદાવો
ટીમમાં બધા જ લોકો સરખા નથી હોવાના. દરેકનું વ્યક્તિત્વ અલગ અલગ હોય, અભિપ્રાય અલગ હોય અને આવડત પણ અલગ હોય. પણ ટીમમાં દરેક વ્યકિત કોઈને કોઈ રીતે તો મદદરૂપ થતું જ હોય છે. પછી તે નાનું કન્ટ્રીબ્યુશન હોય કે મોટું. જયારે તમે લીડર તરીકે એક ટીમને સંભળાતા હો ત્યારે ખાસ યાદ રાખો કે દરેક વ્યક્તિને તેની આવડતને અને તેના વ્યક્તિત્વને સ્વીકારો.
૩ પેન્ગ્વીન બનો
આ મુવીના સૌથી રસપ્રદ પાત્રો પેન્ગ્વીન્સ છે. ચારેય પેન્ગ્વીન પાસે અલગ અલગ આવડત છે. તેઓ ગમે તેવી અઘરી પરિસ્થિતિ તેની સામે આવે તો પણ તેઓ તેનો ઉકેલ શોધી કાઢે છે. ચારેય તોફાની પેન્ગ્વીન્સ વચ્ચેનું ટીમવર્ક પણ અનોખું છે. દરેક પેન્ગ્વીન પોતાની જાત પર વિશ્વાસ રાખે છે અને સાથોસાથ જોખમો ઉઠાવતા પણ ડરતા નથી. તેઓ દરેક પરિસ્થિતિની મજા માણે છે. તમે પણ પેન્ગ્વીન બનો. ગમે તે થાય કંઇક ખુરાફાતીથી ઉકેલ મેળવી લેવાનો અને હંમેશા ખુશ રહેવાનું. તમારી ટીમ પર વિશ્વાસ રાખો.
૪ ખોવાયેલી ઓળખ
એલેક્સ અને તેના મિત્રો વર્ષોથી ઝૂમાં જ રહેતા હોય છે. તેથી એલેક્સને ક્યારેય એ વાત યાદ જ નથી હોતી કે તે પોતે ખરેખર એક સિંહ છે. તેઓ બધા જયારે ઝૂમાંથી જંગલમાં પહોંચી જાય છે ત્યારે એલેક્સને પોતાના સિંહ તરીકેના ગુણો અને વ્યક્તિત્વ સમજાય છે. એલેક્સને જયારે યોગ્ય વાતાવરણ એટલે કે જંગલમાં મુકવામાં આવ્યો ત્યારે તેને તેની જાત અને ખોવાયેલી ઓળખ ખબર પડે છે. તે જ રીતે જો તમે ટીમને યોગ્ય વાતાવરણ આપશો તો બની શકે તેઓની ખોવાયેલી આવડત અને ઓળખ પાછી આવે. ઘણીવાર જે આવડતનો ઉપયોગ ન થતો હોય તો તે આવડત તમારામાં છે તે પણ ભુલાઈ જતું હોય છે. આવા સમયે યોગ્ય વાતાવરણ તમારી ખોવાયેલી ઓળખ પાછી લાવશે.
માડાગાસ્કર મુવીના દરેક ભાગ સારા છે. બધા પાત્રો તમને હસાવશે. થોડીવાર માટે જીવનની ઝંઝટ મુકીને ખુશ થવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ. દરેક પાત્રોની અલગ અલગ ખાસિયત અને તેના તોફાન જોવાની તમને મજા આવશે.
આભાર
દર્શાલી સોની