Luca

luca.jfif

કલ્પનામાં ખોવાઈ જવાની મજા - લૂકા

તમે જયારે નાના બાળકોની વાર્તાનું પુસ્તક વાંચતા હશો ત્યારે - કલ્પનામાં ખોવાઈ જવાની જરૂરથી મજા આવતી હશે. તેમાં પણ તમે દરિયાઈ રાક્ષસો વિશે તો સાંભળ્યું જ હશે. ના સાંભળ્યું હોય તો આ લૂકા મૂવી જોશો એટલે દરિયાઈ રાક્ષસો વિશે જાણી જશો.

 કલ્પના કરો કે દરિયાની અંદર પણ એક સુંદર જીવન છે ત્યાં પણ એક શહેર કે ગામની જેમ જ બધી માછલીઓ સવારે ભેગી થાય અને ખાવા જાય છે. તેનું સરસ મજાનું ઘર બનાવેલું છે. અને આ જ બધી માછલીઓ ભેગા અનેક અન્ય દરિયાઈ જીવો પણ જીવતા હોય છે. તેમાંના એક જીવ એટલા દરિયાઈ રાક્ષસો. જે દરિયાની અંદર તો જોવામાં ખુબ જ સુંદર લાગે છે પણ ડરામણા પણ લાગે છે અને જો કે પાણીની બહાર આવી જાય તો મનુષ્યનું રૂપ ધારણ કરી શકે છે.

 પણ જો પૃથ્વી પર એટલે કે ધરતી પર કોઈ તેને પાણી ઉડાડી દે તો તે ફરીથી દરિયાઈ રાક્ષસ બની જાય છે. આવી જ કલ્પના ધરાવતું મુવી એટલે લૂકા. લૂકા નામનો એક નાનો એવો છોકરો જિજ્ઞાસાથી ભરપૂર જીવન ગુજારતો હોય છે, તેને દરિયાની બહાર શું હોય છે તે જાણવાની તાલાવેલી તો ખૂબ જ હોય છે પણ ડરના કારણે ક્યારેય બહાર જતો નથી. એક દિવસ રમત રમતમાં તે દરિયાની બહાર આવી જાય છે અને ત્યાં તેને મળે છે આલ્બર્ટ. તે લૂકાનો પરમ મિત્ર બની જાય છે. તેને પણ ધરતી પર રહેવું વધારે ગમતું હોય છે.

આલ્બર્ટ લૂકાને ધરતી પરની દુનિયા દેખાડે છે. જ્યાં આકાશ,સૂર્ય, વેસ્પા સ્કૂટર, માનવી દ્વારા પહેરાતા અવનવા રંગીન કપડા, આકાશમાં રહેલા તારા - આ બધું જૂએ છે.  આ બધી જ વાતો માનવી માટે ખુબ જ સહજ છે પણ આખું જીવન જેણે દરિયામાં વિતાવેલું છે તેવા લૂકા અને આલ્બર્ટ માટે આ દુનિયા અદભુત છે. તે લોકોને તો એ પણ નથી ખબર હોતી કે આકાશમાં રહેલા તારાઓને તારા કહેવાય તેને બદલે તેઓ એવું વિચારી લે છે કે આકાશમાં રહેલા તારા એ નાની નાની માછલીઓ છે.

દરેક મુવીને રસપ્રદ બનાવવા માટે એક મિશન હોવું જરૂરી છે. એ જ રીતે આ મૂવીમાં પણ એક મિશન છે. તે બંને ધરતી પર એક ગામમાં પહોંચી જાય છે જ્યાં દર વર્ષે એક હરીફાઈ યોજવામાં આવે છે. જેમાં સૌથી પહેલાં હરીફાઈમાં ભાગ લેનાર વ્યક્તિએ સ્વીમીંગ કરવાનું છે, ત્યારબાદ પાસ્તા ખાવાના છે, અને ત્યારબાદ સૌથી ઊંચી જગ્યાએ પહોંચવાનું છે તે પણ સાઇકલ લઇને. આ હરીફાઈમાં ભાગ લેવા માટે તે બંનેને એક ચુલબુલી સહેલી પણ મળી જાય છે. 

જેમ દરેક મૂવીમાં એક વિલન પણ હોય છે એ જ રીતે આ મૂવીનો વિલન આ ત્રણેયને જીતવા દેવા માગતો નથી. કઈ રીતે આ ત્રણેયની મિત્રતા આગળ વધે છે, કઈ રીતે ક્યારેક ઈર્ષા સ્થાન લઈ લે છે અને કઈ રીતે આ ત્રણેય ભેગા મળીને હરીફાઈમાં જીતી જાય છે. અને હરીફાઈ જીત્યા બાદનું ઈનામ શું છે ના તે જાણવા માટે તો તમારે મૂવી જોવું રહ્યું. થોડી હિન્ટ આપી દઉં તો વેસ્પા નામ તમે સાંભળેલું હશે.

કોવીડના ગંભીર જમાનામાં જ્યારે થોડું નાનકડું બાળક બની જવાનું મન થાય અને થોડું હસી લેવાનું મન થાય ત્યારે આ મૂવી જોવું જોઈએ. 2021માં આવેલું આ એનિમેટેડ મૂવિ તમે હોટસ્ટાર પર જોઈ શકશો.