લાઈફ એઝ વી નો ઈટ – સરળ અને સહજ કહાની
ક્રિશ્ચિયન લોકોમાં એક ગોડ પેરેન્ટસની મસ્ત પ્રથા છે. જયારે પણ કોઈના ઘરમાં બાળક જન્મ લે ત્યારે તેના માતા-પિતા તેના સૌથી અંગત સગા અથવા અંગત મિત્રોને ગોડ પેરેન્ટ્સ બનાવે છે. તેથી જયારે પણ તે બાળકના માતા-પિતા મરી જાય ત્યારે આ ગોડ પેરેન્ટસ તે બાળકનું ધ્યાન રાખી શકે. ગોડ પેરેન્ટ્સ કોઇપણ હોઇ શકે. પણ માની લો કે તમે હજુ કારકિર્દીને પાટે ચડાવવામાં વ્યસ્ત હો, તમે લગ્ન પણ ન કર્યા હોય અને અચાનક જ તમે એક બાળકના ગોડ પેરેન્ટ્સ બની જાવ તો? અચાનક જ તમારે કોઈ બાળકને માતા-પિતાની જેમ મોટું કરવાની જવાબદારી આવી જાય તો? – તમે કેવી રીતે જીવશો? કેવી રીતે આ પરિસ્થિતિને સંભાળશો? – બસ આવી જ કંઇક કહાની છે – એરિક અને હોલીની.
હોલી એક એવી સ્ત્રી કે જેણે પોતાનો કુકિંગનો બીઝનેસ જાતે શરુ કર્યો હોય છે. તેમજ તે પોતાની દુનિયામાં મસ્ત હોય છે. તેને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. તેણી ડેટિંગ માટે પ્રયત્નો કરી રહી છે. પણ તેના માટે આ કઈ જ પ્રાયોરીટી નથી. તેની સામે એરિક એક એવો છોકરો કે જે સ્પોર્ટ કંપનીમાં બ્રોડકાસ્ટ ડીરેક્ટર બનવા માટે મથતો હોય છે. તેની નોકરી સારી છે. પણ તેને હજુ આગળ વધવું હોય છે. તેના માટે લગ્નનું કોઈ મહત્વ નથી. તે વન નાઇટ સ્ટેન્ડમાં પણ ખુશ છે. હવે આ બે એન્ટીક લોકોના કોમન મિત્રો એટલે પીટર અને એલિસન.
પીટર અને એલિસન લગ્ન કરીને મસ્ત જીવન વિતાવતા હોય છે. તેઓની એક સુંદર દીકરી હોય છે. જેનું નામ છે સોફી. આ બંને એરિક અને હોલીની ડેટ સેટ કરવાનો પ્રયત્ન કરે છે. જો કે એરિક અને હોલીની જરા પણ બનતી નથી. પણ તેઓને ક્યાં ખબર હોય છે કે ભવિષ્યમાં શું છુપાયેલું છે. હવે થાય છે એવું કે પીટર અને એલિસનનું એકસીડન્ટ થઇ જાય છે. તે બંને મૃત્યુ પામે છે. અને વિચારો સોફીના ગોડ પેરેન્ટ્સ કોણ હશે? – તેના અંગત મિત્રો – હોલી અને એરિક. અચાનક જ તેઓને સોફીને મોટી કરવાની અને પીટર-એલિસનનું ઘર સંભાળવાની જવાબદારી આવી જાય છે.
હું હોલી એક સારી માતા બની શકે છે? શું એરિક એક સારો પિતા બની શકે છે? શું એરીક અને હોલી એક જ ઘરમાં રહીને સોફીને એક પોતાનું બાળક માનીને જીવી શકે છે? જેને બાળકો મોટા કકરવાનો કોઈ અનુભવ જ નથી તે બાળકને ઉત્તમ રીતે મોટું કરી શકશે? સોફીને મોટી કરવામાં તેઓની કારકિર્દી પર કોઈ અસર આવશે? શું એરિક અને હોલી પ્રેમમાં પડશે? – આ બધા જ પ્રશ્નોનો જવાબ જાણવા માટે તમારે આ મુવી જોવું રહ્યું. મુવીની સ્ટોરી પરથી તમને સરળ મુવી લાગશે. ઘણીવાર આવા હળવા મુવી પણ શીખવી શકે અને મનોરંજન પણ પૂરું પાડે. ચાલો જાણીએ શું શીખવે છે – એરિક અને હોલીની જોડી:
૧ સંતુલન
આપણા સમાજમાં અમુક નિયમો પડી ગયા છે – અમુક ઉંમરે કારકિર્દી સેટ કરી લેવાની, લગ્ન કરી લેવાના, બાળકોને જન્મ આપી દેવાનો વગેરે વગેરે. જરૂરી નથી કે તમે આ બધા નિયમોને પાડીને જ જીવન જીવો. આમ છતાં મોટા ભાગનો સમાજ શા માટે આ રીતે જીવે છે? એક સિંગલ વ્યક્તિ તરીકે જીવવા ટેવાયેલા હોલી અને એરિકને બાળક સાથે રહેવાનો, તેને સાચવવાનો કોઈ જ અનુભવ નહોતો. કઈ રીતે તેઓ જીવનમાં કુટુંબ અને કારકિર્દીનું સંતુલન કેળવશે અને કઈ રીતે હોલી અને એરિક જીવનમાં આગળ વધશે તે તમારે જોવું રહ્યું.
૨ સ્વીકારણા
આપણે એવા જ લોકોને મિત્ર બનાવીએ છીએ જેની સાથે આપણને ગમે. જે આપણા બનાવેલા ઢાંચામાં ઢળી જતા હોય. આવા લોકોને આપણે સરળતાથી સ્વીકારી પણ લઈએ છીએ. પણ જો અચાનક જ કુદરત તમારી સામે એવા લોકો અને પરિસ્થિતિ મૂકી દે જેની તમે ક્યારેય કલ્પના જ ન કરી હોય તો? – હોલી અને એરિકનું સાથે રહેવું. હોલી અને એરિકને બાળકની સાથે રહેવાની ટેવ પડવી – આ બધું ત્યારે જ શક્ય બન્યું જયારે તેઓએ એકબીજાને સ્વીકાર્યા. જરૂરી નથી તમને બધું ધારેલું મળે. ક્યારેક અણધાર્યું મેળવવામાં અને માણવામાં પણ મજા છે. જે રીતે હોલી અને એરીકે સોફી સાથેનું એક નવું જીવન સ્વીકાર્યું.
આ મુવી ૨૦૧૦માં આવેલું છે. આમ તો લોકડાઉનના સમયમાં અનેક મુવિઝ અને સીરીઝ જોવાનો સમય મળતો જ હશે. તો ક્યારેક આવા હળવા મુવી પણ જોઈ લેવા કઈ ખોટું નહી.
આભાર
દર્શાલી સોની