Late night

late night by darshali soni.jpg

લેટ નાઈટ – સ્વ પરિવર્તનની યાત્રા

વર્ષોથી કેથરીન ઉત્તમ ટોક શો ચલાવતી હોય. તેના વિડીયોઝ અને કોમેડી જોઇને આજની યુવા પેઢી મોટી થઇ હોય. અચાનક જ એ ૫૦ વર્ષની કેથરીનને એમ ખબર પડે કે તેણીને ટોક શોમાંથી કાઢી નાખવામાં આવશે. તેની બદલે કોઈ નકામો કોમેડિયન ટીવી શો હોસ્ટ કરે તો તેની શું હાલત થાય? – કલ્પના કરો તમે તેની જગ્યાએ હો તો શું કરો? પણ પછી તો કેથરીનના જીવનમાં મોલી પટેલ નામનું – છોટા પેકેટ બડા ધમાકા આવે અને કેથરીનનો ટોક શો ટોપ રેટિંગમાં આવી જાય. – બસ આટલી સરળ વાર્તા છે આજના મુવી – “લેટ નાઈટ”ની. આમ જોવા જઈએ તો મુવીમાં મુખ્ય તો બે જ પાત્રો – મોલી અને કેથરીન. જો કે કેથરીનના લેખકોની ટીમ, કેથરીનનો પતિ વોલ્ટર આ બધા નાનો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ મુવીના ડીરેક્ટર ભારતીય નારી નિશા ગણાત્રા છે. આવું એટલે લખ્યું કારણ કે આપણને સ્ત્રી ડીરેક્ટરમાં ઝોયા અખ્તર, મીરા નાયર જ યાદ આવે. જયારે નિશાએ હોલીવુડના બે ઉત્તમ કલાકારોને લઈને સહજ પણ સુંદર મુવી બનાવ્યું છે. તો ચાલો જાણીએ શું શીખવે છે ટોક શોની ફેમમાં ખોવાયેલી કેથરીન અને નવી દુનિયાની મોલી પટેલ:

૧ રીરાઈટ યોર જર્ની

જીવનના એક લેવલ પછી આપણે પોતાની એક અલગ દુનિયા બનાવી લઈએ છીએ. જેમાં આપનું એક અલગ વલણ, દ્રષ્ટિકોણ, વ્યક્તિત્વ, વિચારસરણી સેટ થઇ ગઈ હોય છે. આપણને એવું જ લાગે છે કે આપણે પરફેક્ટ જ છીએ. પણ જયારે સમાજમાંથી કોઈ અથવા તો અંગત લોકોમાંથી કોઈ અથવા તો કારકિર્દીમાં જયારે ઠોકર આવે છે ત્યારે આપણને સમજાય છે કે આપણે જેને આખું પુસ્તક માની બેઠા છીએ તે તો પુસ્તકનું એક ચેપ્ટર જ છે. કારણ કે અરીસો જોઈએ ત્યારે જ સત્ય સમજાય છે. કેથરીન તમે જે છો તેના કરતા અલગ બનતા શીખવશે. તમે કોઇપણ ઉંમરના હો પણ શરૂઆત ગમે ત્યારે કરી શકાય તે તમને મોલી શીખવશે.

૨ મર્યાદાઓમાંથી બહાર નીકળો

કેથરીનનો ટોક શો કોમેડી હતો. પણ તેણી અમુક પ્રકારના જોક્સ કે પછી અમુક સામાજિક મુદાઓની વાતો ક્યારેય ન કરતી. તેના મતે કોમેડીનો પણ એક ચોક્કસ ઢાંચો હોય છે. જયારે મોલી તેને સમજાવે છે કે કોમેડીમાં અને પોતાના પરફોર્મન્સને ઉત્તમ બનાવવા માટે કોઈ મર્યાદા હોતી નથી. જયારે તમે ખુલીને સમાજની સામે વિચારો રજુ કરો છો ત્યારે સ્ક્રીપ્ટ કરતા વધુ સારું પરફોર્મન્સ આપી શકો છો. આ લેશન નોકરીમાં નવી આવેલી મોલી કેથરીનને સમજાવે છે. જીવનમાં પણ અમુક મર્યાદાઓને કારણે જ આપણે પીછેહઠ કરી લેતા હોઈએ છીએ.

૩ હિંમત

જો તમારે કારકિર્દીમાં ટકી રહેવું હોય તો સમાજમાં આવતા બદલાવ સાથે કદમ મિલાવતા રહેવું પડશે. કેથરીન વર્ષોથી આવતી ઘરેડ મુજબ જ ટોક શો કરતી હતી તેથી જ તેને ટોક શોમાંથી કાઢી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. બસ આ ધક્કો જ તેને સ્વ પરિવર્તનની દિશા તરફ લઇ જાય છે. ક્યારેક માત્ર નાના એવા બદલાવથી પણ જંગ જીતી જવાતી હોય છે. જો કે કેથરીનમાં હિંમતના બીજ વાવનાર મોલી પટેલ.

૪ સ્વ ઓળખ

કેથરીનને તેના ટોક શોની ડીરેક્ટર, મોલી, તેનો પતિ વોલ્ટર, અને તેણીના આઠ લેખકો થકી પોતાની જાત સાથે મુલાકાત થાય છે. તમારા જીવનમાં પણ ઘણા લોકો એવા હશે કે જે તમને અરીસો દેખાડી શકતા હશે. જેથી કરીને તમે એક ઉત્તમ વ્યક્તિ બની શકો. તમારા જીવનમાં આગળ વધી શકો. જરૂરી નથી કે તમારા જીવનમાં કેથરીનની જેમ કોઈ સમસ્યા આવે ત્યારે જ તમને સ્વ ઓળખ થાય. એક રૂમમાં પુરાઈને તમારી જાત સાથે વાત કરો – તમારા ભૂતકાળને યાદ કરો. તમને સત્યો, અનુભવો, લાગણીઓ – બધું જ સમજાવવા લાગશે.

આ મુવી ગોલ્ડન ગ્લોબ માટે નોમીનેટ પણ થયેલું છે. જો કે ના થયું હોત તો પણ હું તમને આ મુવી એકવાર જોવાનું તો કહેત જ. મુવીમાં કોઈ રોકેટ સાયંસ જેવા જીવન પાઠો નથી. પણ કોઈવાર સહજ મુવી ઘણું બધું શીખવાડી દે છે. તેથી આ મુવી રજાઓમાં એકવાર તો જોઈ લેવાય.

આભાર

દર્શાલી સોની