Last Vegas

last vegas by darshali soni.jpg

લાસ્ટ વેગાસ - ચાલ, એક બ્રેક લઇ લઈએ

આજકાલ લગ્ન થતા પહેલાં બેચલર પાર્ટી કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે. આ બેચલર પાર્ટી માત્ર પુરુષો જ કરે છે તેવું નથી. હવે તો મેટ્રો સીટીની આધુનિક સ્ત્રીઓ પણ લગ્ન પહેલાં બેચલર પાર્ટી ગોઠવતી થઇ ગઈ છે. કલ્પના કરો કે એક ચાર મિત્રો નાનપણથી સાથે રહેતા હોય અને વર્ષો પછી પોતાની પ્રોઢા અવસ્થાએ પહોંચી ગયા હોય. અચાનક જ એક મિત્ર આવી વયે લગ્ન કરવાનું નક્કી કરે અને બધા મિત્રો પાછા ભેગા થાય અને લાસ વેગાસ જઈને બેચલર પાર્ટી કરે તો કેવું? હા, લાસ્ટ વેગાસ મૂવીની કંઇક આવી જ વાર્તા છે.

બીલી, પેડી, આર્ચી અને સેમ - ચાર લંગોટિયા યાર હોય છે. તેઓ પોતાના ગ્રુપને ફ્લેટબુશ તરીકે ઓળખાવતા હતા. સમય પસાર થતા બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઇ ગયા. સેમ તેની પત્ની સાથે સુંદર મજાનું લગ્ન જીવન નેપલ્સમાં વિતાવતો હોય છે. આર્ચી તેના દીકરા સાથે ન્યુ જર્સીમાં રહેતો હોય છે. જયારે પેડી તેની પત્નીના મૃત્યુ બાદ એકલો બ્રુકલીનમાં રહેતો હોય છે. અને બીલી કે જે એક ૩૨ વર્ષની છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે મેલાબુમાં રહેતો હોય છે. ટૂંકમાં બધા જ પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે અને એકવાર વહેલી સવારે બીલી બધાને કોલ કરીને પોતાની બેચલર પાર્ટી લાસ વેગાસમાં કરવાનું કહે છે અને ત્યાંથી શરુ થાય છે એક સુંદર વાર્તા.

મુવીના પાત્રોની વાત કરું તો હોલીવુડના ઉત્તમ અભિનેતાઓ આ મુવીમાં છે. જેમ કે બીલીનું પાત્ર માઈકલ ડગ્લાસે નિભાવેલ છે. તો આર્ચીનું પાત્ર મોર્ગન ફ્રીમેને નિભાવેલ છે. પેડીનું પાત્ર પ્રખ્યાત અભિનેતા રોબર્ટ દ નીરોએ નિભાવેલ છે. જયારે ડાહ્યા સેમનું પાત્ર કેવિન ક્લેઇન દ્વારા ભજવવામાં આવ્યું છે. ૨૦૧૩માં આવેલું આ કોમેડી મુવી તમને જીવનના કોઈ બહુ મોટા પાઠો નહી શીખવાડી જાય. પણ હા, એટલું જરૂર કહી શકાય કે આ મુવી તમને જીવન માટેનો એક અલગ દ્રષ્ટિકોણ જરૂરથી આપશે. તો ચાલો જાણીએ શું શીખવાડે છે આ ચાર મિત્રોની ટોળકી:

૧ ખૂશીની ઉંમર હોય?

તમને એવો પ્રશ્ન થાય કે જુવાનીયાઓ લાસ વેગાસમાં જઈને પાર્ટી કરે તો સમજ્યા પણ ૬૦ વર્ષના વૃદ્ધ ચારેય મિત્રો જલસા કરે તો કેવું લાગે? પણ હકીકત તો એ છે કે ખૂશી અનુભવવાની કોઈ ઉંમર હોતી જ નથી. તમે ૨૦ વર્ષના હો કે ૭૦ વર્ષના - હંમેશા જીવનમાં મજા કરી શકો જ છો અને જીવનને ખુલીને જીવી જ શકો છો. ચારેય મિત્રો ભેગા મળીને લાસ વેગાસમાં ખૂબ જ ધમાલ કરે છે - તે જોવાની તમને ખરેખર મજા આવશે. તમે પણ ખૂશી અને ઉમરને ક્યારેય સાથે જ જોડતા.

૨ લગ્નજીવનની સુંદરતા

ઘણા લોકો માટે લગ્નજીવન એક આશીર્વાદ સ્વરૂપ હોય છે. કારણ કે તમને એક એવું પાર્ટનર મળે છે જેની સાથે તમે જીવનની નાનામાં નાની વાત શેર કરી શકો છો. સેમ તેની પત્ની સાથે ૪૦નું લગ્નજીવન વિતાવ્યા બાદ પણ એમ જ કહેતો હોય છે કે તેની પાસે એકપણ વાત એવી નહોતી કે જે તેણે તેની પત્ની સાથે શેર ન કરી હોય. તેની પત્નીનું પાત્ર પણ મુવીમાં બોલ્ડ બતાવ્યું છે. એક એવી પત્ની કે જે તેના પતિને સામેથી જીવનમાં મજા કરી લેવા લાસ વેગાસ જતી વખતે કોન્ડોમ આપે છે. એ અલગ વાત છે કે સેમ તેની પત્ની માટે સમર્પિત રહેવાની ભાવના જ ધરાવતો હોય છે. ટૂંકમાં દરેક સંબંધોનો પોતાના એક અલગ ફાયદાઓ હોય છે.

૩ મિત્રતા અને સમય

મિત્રતામાં સમય કેવો ભાગ ભજવે છે? તમે યાદ કરો કે તમારા એવા ક્યાં મિત્રો છે જેની સાથે તમે હજુ સુધી સંપર્કમાં હો? ઘણીવાર જીવનમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે મિત્રતાનું મહત્વ જ ભૂલી જતા હોઈએ છીએ. ચાર મિત્રો આટલા વર્ષો પછી જયારે વેગાસમાં ભેગા થાય છે ત્યારે તેઓને સમજાય છે કે તેઓની મિત્રતા હજુ પણ કેટલી ગાઢ છે.

૪ લાસ વેગાસ

આ શહેર વિશે અનેક પ્રકારની માન્યતાઓ યુવાનોમાં પણ છે અને માતા-પિતાઓમાં પણ છે. કદાચ લાસ વેગાસ વિશે એવું કહી શકાય કે તે એક એવું શહેર છે જ્યાં વ્યક્તિનું ખરું વ્યક્તિત્વ બહાર આવે છે. મુવીમાં પણ ચારેય મિત્રો મળીને ખૂબ જ મજા કરે છે. તમે પણ એવું કોઈ શહેર શોધી શકો છો જ્યાં તમે તમારું સાચું વ્યક્તિત્વ છતું કરી શકો અને જીવનને વધુ સારી રીતે ખુલીને જીવી શકો.

કઈ નહી તો હોલીવુડના લેજન્ડસને એકસાથે એક મુવીમાં જોવા માટે થઈને આ મુવી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની