Laggies

laggies by darshali soni.jpg

લેગીસ – થોડી હટકે કહાની

તમે ક્યારેય એક વાતનું નિરીક્ષણ કર્યું છે? એકવાર તમે ભણી ગણીને મોટા થઇ જાવ, નોકરીએ ચડી જાવ, સારો કે સારી જીવનસાથી મળી જાય પછી ખરેખર તમે કોણ હતા એ જ ભૂલી જાવ અથવા તો તમારી અંદરનું એક તોફાની વ્યક્તિત્વ જ જાણે ખોવાઈ ગયું હોય તેવું લાગે. હા, બની શકે કે તમે આવું અનુભવ્યું હશે. પણ તમે કહેશો કે આ બધાથી કઈ છૂટકો છે ખરો?

તમારી પાસે એવું પણ તર્ક હશે કે અમીર બાપના છોકરાઓ નથી કે ગમે ત્યારે બ્રેક પર જતા રહીએ અને જીવનને બેફિકરીથી જીવી લઈએ. તમારી બધી વાત સાચી પણ એક જ પ્રશ્ન – શું તમે ખરેખર એવું ખરાબ જીવન જીવી રહ્યા છો કે તમે તમારી જાત માટે ૨ થી ૩ દિવસ પણ ના કાઢી શકો? – તમને જવાબ મળી જ જશે.

આજે મારે તમારી સાથે એક એવા મૂવીની વાત કરવી છે જેમાં મસ્ત મજાનું તર્ક છે – “તમે તમારી હાલની ઉંમર જેવું જ વર્તન કરો તે સાવ બોરિંગ થઇ ગયું છે.” તમે તરત કહેશો કે – તો શું નાના છોકરાઓ જેવું વર્તન કરવા લાગીએ? ના. આ વિચારને સમજવા માટે જ આ મુવી જોવાનું છે.

ચાલો મૂવીની વાત કરું તો – મુવીજમાં એક મસ્ત મજાની ૨૮ વર્ષની મેગન તેના જીવનમાં ધીમે ધીમે બધું સરખું કરી રહી હોય છે. સારી કારકિર્દી અને એક સારો બોયફ્રેન્ડ પણ હોય છે. જેનું નામ છે સ્પાર્ક. હવે મેગનને એકવાર તેના મિત્રના લગ્નમાં સ્પાર્ક લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દે છે.  બસ ત્યાં જ મેગનના મગજની બત્તી ચાલુ થાય છે. – તેને અચાનક એવું સમજાય છે કે તેને પોતાના ભવિષ્ય વિષે ખરેખર કઈ વિચાર્યું જ નથી. તેથી તે આ હકીકતથી ભાગવા માટે અને પોતાની જાતને સમજવા માટે ૭ દિવસનો બ્રેક લેવાનો નિર્ણય કરે છે. જેથી કરીને તે પોતાની સો કોલ્ડ લાઈફને સોર્ટ આઉટ કરી શકે.

હવે તે બ્રેકમાં પણ એક જુગાડ હોય છે. તેની વાત કરું તો મેગન એકવાર પાર્ટીમાંથી બહાર નીકળે છે ત્યારે તેને એક મસ્ત મજાની ૧૬ વર્ષની છોકરી અનીકા મળે છે. તે બન્ને વચ્ચે બહુ જ થોડીવારમાં મિત્રતા થઇ જાય છે. અનીકા તેના પપ્પા ક્રેગ જોડે રહેતી હોય છે. હવે જુગાડ એ છે કે મેગન તેના બોયફ્રેન્ડને એમ કહે છે કે તે એક સેમીનારમાં જઈ રહી છે પણ હકીકતમાં તે અનીકાની ઘરે તેની સાથે રહેવા માટે જાય છે. ત્યાં તે ટીનેજર્સ સાથે સમય વિતાવે છે. પોતાની ઉંમર કરતા નાના બનીને બધા તોફાન પણ કરે છે અને બધા મૂવીની જેમ ક્રેગથી આકર્ષાઈને સેક્સ પણ કરી લે છે. હવે ક્રેગ અને મેગનની લવ સ્ટોરીનું શું થાય છે તે તો તમારે જ મુવીમના જોવું રહ્યું. આ ઉપરાંત મેગનને આ સાત દિવસના બ્રેકથી જીવનમાં શું સમજાય છે તે માટે પણ તમારે આ મુવી જોવું રહ્યું.

તમને મૂવીનું ટાઈટલ સાંભળીને લાગશે કે વળી આ લેગીસ એટલે શું? – કોલેજમાં યુવાનો અનેક પ્રકારના પોતાના નવા શબ્દો બનાવતા હોય છે અને તેનો ઉપયોગ હંમેશા કરતા હોય છે. બસ આ જ રીતે લેગીસ શબ્દ આ મૂવીની લેખક એન્ડ્રીયા સીગલે સાંભળ્યો હતો. ટૂંકમાં એવો વ્યક્તિ કે જે અન્ડર અચીવર છે. તેના માટે આ શબ્દનો ઉપયોગ થાય છે, તો ચાલો જાણીએ કે મેગનનું જીવન આપણને શું શીખવે છે:

૧ ભવિષ્ય

માણસોને સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે જીવનમાં જો તમે ભવિષ્યનું બધી રીતે આયોજન કરીને તેનો અમલ કરી નાખો તો તમે સફળ કહેવાવ. પણ શું ખરેખર એવું છે? – મુવીનો એક મસ્ત ડાયલોગ છે – “તમે કલ્પનામાં વિચારો છો એવું કોઈ ભવિષ્ય ખરેખર છે જ નહી. તેના કરતા તો એ સારું છે કે તમે વાસ્તવિકતાને અને વર્તમાનનો સામનો કરો અને તમારું ભવિષ્ય જાતે જ બનાવો.

૨ બ્રેક

આપણે સમાજમાં અનેક જવાબદારીઓ સાથે જીવતા હોઈએ છીએ એટલે જરૂરી નથી કે મેગનની જેમ તમે પણ બ્રેક લઇ લો અને જીવનને સમજવાનો પ્રયત્ન કરો. પણ હા તમે એટલું જરૂરથી કરી શકો કે તમારી જાત માટે થોડો સમય કાઢીને તમે જીવનમાં ક્યાં લેવલ પર છો અને ક્યાં જવાની જરૂર છે તે સમજી જાવ. બની શકે કે એક બ્રેક તમને જીવનમાં કોઈ નવી દિશા પણ આપી શકે. કારણ કે જેમ શરીરને આરામની જરૂર પડે છે તેમ તમારા મગજને પણ આરામની જરૂર તો પડવાની જ છે.

૩ ઉંમર અને પરિપક્વતા

ઘણીવાર તમે એવા લોકોને જોયા હશે કે જે તેની ઉંમર કરતા વધુ પરિપક્વ હોય અને ઘણા એવા લોકો પણ હશે કે ૫૦ વર્ષના થઇ ગયા હોય તો પણ બાળક જેવા હોય છે. એક વિચારવા જેવી વાત એ છે કે ખરેખર ઉંમર અને પરિપકવતા વચ્ચે કોઈ સંબંધ છે ખરો? ઘણીવાર મોટા હોવા છતાં નાના હોવામાં સમજદારી હોય છે તો ઘણીવાર નાના હોવા છતાં મોટા થવામાં સમજદારી હોય છે. નક્કી તમારે કરવાનું છે.

૨૦૧૪માં આવેલું આ મુવી એક હળવું પણ મજેદાર મુવી છે તેથી એકવાર તો આ મુવી જોઈ જ લેવું જોઈએ.

આભાર

દર્શાલી સોની