Kunfu Panda 3

kunfu panda 3.jpg

કુન્ફુ પાન્ડા - ૩ એડવેન્ચરસ જર્ની

કુન્ફુ પાન્ડાની સીરીઝમાં તેનો ત્રીજો ભાગ ૨૦૧૬માં રીલીઝ થયો. આ મુવી એક એવી સીરીઝ છે કે જે દરેક ભાગમાં તમને કંઇક ને કંઇક નવું નવું શીખવશે. મુવીના દરેક પાત્રો પણ દરેક ભાગમાં વધુને વધુ નવી સમજ આપતા રહેશે. આ મુવીનો ત્રીજો ભાગ એક એડવેન્ચર જર્ની તો કહી જ શકાય સાથોસાથ એક ફેમીલી રિયુનિયન પણ કહી શકાય. કારણ કે કુન્ફુ પાન્ડા - ૩ માં પો અંતે અનેક વર્ષો બાદ તેના પિતાને મળે છે. તેના પિતાનું નામ લિ હોય છે. મજાની વાત એ છે કે પોના પિતા પણ અનેક વર્ષો પછી તેના દીકરાની શોધમાં નીકળ્યા હોય છે અને બીજી તરફ પો પણ પોતે ખરેખર કોણ છે અને પોતાના પિતા કોણ છે અને તે ક્યાં છે તેની શોધમાં નીકળ્યો હોય છે.

મુવીના દરેક ભાગમાં અલગ અલગ વિલન આવતા રહે છે. તે જ રીતે આ ભાગમાં કાઈ નામનો અતિ શક્તિશાળી વિલન પોના પિતાના પાન્ડા ગામનો વિનાશ કરવા આવી જાય છે. તે પોના ગુરુ શીફુનો જૂનો દુશ્મન હોય છે. મુવીના ત્રીજા ભાગમાં રસપ્રદ વાત એ છે કે આ વખતે પોએ માત્ર ડ્રેગન વોરિયર બનીને દુશ્મનને નથી હરાવવાનો. પણ તેને હવે એક શિક્ષક પણ બનવું પડે છે. મુવીના પહેલાં બે ભાગમાં તો પો શીફુનો શિષ્ય જ હોય છે. આ ભાગમાં તે ગુરુ બનીને તેના પિતા અને અન્ય પાન્ડાઓને કુન્ફુ શીખવે છે. ચાલો આ વખતે પોની એડવેન્ચરસ જર્ની શું શીખવે છે તે જાણીએ:

૧ સમાન પ્રયત્ન તો સમાન પરિણામ

પોને પોતાની જાત પર ભરોસો નથી કે તે સારો ગુરુ બની શકે. તેથી તેના ગુરુ શીફુ તેને સમજાવે છે કે જે તે પહેલેથી કર્યું છે તે જ કરતો રહીશ તો ક્યારેય તું અત્યારે છો તેના કરતા વધુ સારો નહિ બની શકે. ત્યારે પો જવાબ આપે છે કે તેને તો પોતાની વર્તમાન જાત ગમે છે. ત્યારે તેના ગુરુ તેને ચોટદાર જવાબ આપે છે કે શું તેને ખરેખર પોતે  કોણ છે એ પણ ખબર છે? અહીંથી પોની સ્વશોધ શરુ થાય છે. બાકી તો જો તે પહેલાની જેમ જ જીવતો હોત તો ક્યારેય કઈ નવી સિદ્ધી હાંસિલ ન કરી શક્યો હોત. તમે પણ એક સરખા જ પ્રયત્નો કરશો અને કઈ નવું નહિ કરો તો સામે પરિણામ પણ પહેલા જેવું જ મળશે. કઈ નવું નહી મળે.

૨ સમયની વ્યાખ્યા

આપણે દરેક બાબતોને સારા અને ખરાબના ત્રાજવામાં તોલતા હોઈએ છીએ. કોઈવાર આપણે ખરાબ સમય ચાલી રહ્યો છે તેમ કહીએ છીએ તો કોઈવાર સારો સમય ચાલી રહ્યો છે તેમ કહીએ છીએ. બધા લોકોની સમય માટેની વ્યાખ્યા અલગ હોય છે. પણ મુવીના પાત્ર શીફુના મતે તો સમયની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. સમય એ વર્તમાન છે. વર્તમાનમાં તમે શું કરો છો તેના પરથી જ તમારું ભવિષ્ય નક્કી થાય છે. સારો કે ખરાબ સમય હોતો જ નથી. અસ્તિત્વ છે તો તે માત્ર વર્તમાનનું જ છે.

૩ સ્વીકારણા

મુવીના પહેલા બે ભાગમાં પણ ક્યાંક ક્યાંક એ વાત રજૂ થઇ છે કે પો પોતાની શોધમાં હોય છે. પહેલા ભાગમાં પો પોતે પાન્ડા છે તે વાતને શરમજનક અનુભવે છે. બીજા અને ત્રીજા ભાગમાં તે ખરેખર કોણ છે તેની શોધમાં નીકળે છે. વર્ષો પછી તે જયારે તેના પિતા લિને મળે છે ત્યારે તે પોતે પાન્ડા હોવાની વાતને સ્વીકારે છે અને તેના પિતા તેને એક પાન્ડાનું જીવન કેવું હોય અને શા માટે પોએ તેની અંદર રહેલી સારી અને ખરાબ બંને બાબતોને સ્વીકારીને પોતાની જાતને સ્વીકારવી જોઈએ તે સમજાવે છે. જો તમે જ જેવા છો તેવા તમારી જાતને નહિ સ્વીકારતા હો તો બીજા લોકો તમને સ્વીકારે તેવી અપેક્ષા કઈ રીતે રાખી શકો?

૪ ટીમ

એકલો લીડર ગમે તેટલો હોશિયાર હોય તો પણ કઈ ન કરી શકે. પણ જો તેની સાથે તેની ટીમની તાકાત જોડાઈ જાય તો તે ઉત્તમ પરફોર્મન્સ આપી શકે. યોગ્ય ટેલેન્ટવાળી ટીમ લીડરને મદદરૂપ થઇ શકે છે. પોને કાઈ સાથે યુદ્ધ કરવાનું હોય છે અને તેને હરાવવાનો હોય છે. તે ડ્રેગન વોરિયર હોવા છતાં પણ પોતાના કુટુંબને અને અન્ય પાન્ડાઓને કુન્ફુ શીખવે છે. તેથી બધા સાથે મળીને કાઈને હરાવી શકે. મુવીના ત્રીજા ભાગમાં "ઝાઝા હાથ રળિયામણા" કહેવત સાચી પડે છે. કારણ કે એકલા લીડર પોના બદલે બધા પાન્ડાઓ અને પોની પહેલાની ટીમ ભેગા મળીને કાઈને હરાવે છે.

 મિત્રતા

મુવીના પહેલાં ભાગમાં તો ટાઇગરેસ અને અન્ય ચાર કુન્ફુ ખેલાડીઓ પોને સ્વીકારતા નથી. ધીમે ધીમે તેઓ વચ્ચે મિત્રતા વિકસે છે. સાચા મિત્રો જ ખરાબ અને સારા સમયમાં સાથ આપે છે. સાચા મિત્રો જ વફાદાર હોય છે. આ બાબત મુવીના ત્રીજા ભાગમાં ટાઇગરેસ અને પોની મિત્રતામાંથી શીખી શકાય છે. કારણ કે પો જયારે શિક્ષક બને છે ત્યારે અનેક ભૂલો કરે છે આમ છતાં ટાઇગરેસ અંત સુધી તેનો સાથ છોડતી નથી અને પોને કાઈને હરાવવામાં મદદરૂપ થાય છે. સમય જતા બંનેની મિત્રતા વધુ મજબુત બને છે. ટાઇગરેસ અને પોની મિત્રતા તમને મિત્રતાનું મહત્વ સમજાવશે.

મુવીના ત્રણેય ભાગ સાથે જોશો તો તમને સમજાશે કે દરેક પાત્રો દરેક ભાગમાં વધુને વધુ પરિપક્વ થતા દર્શાવ્યા છે તેમજ બધા પાત્રો વચ્ચે સંકલન અને મુશ્કેલીના સમયમાં કઈ રીતે તેઓ જીત હાંસિલ કરે છે તે દર્શાવ્યું છે. આખી સીરીઝ દરમિયાન તમને સૌથી વધુ કઈ શીખવાડી શકે તેમ હોય તો તે પાત્રો છે ઉગવે, પો અને શીફુ. પહેલાં બે ભાગ ગમ્યા હોય તો ત્રીજો ભાગ જરૂરથી જોવો જોઈએ.

આભાર

દર્શાલી સોની