Keeping up with joneses

keeping up.jpg

તમારા પડોશી જાસૂસ નીકળે તો?

જયારે કોમેડી મૂવી જોવાનું નક્કી કરો ત્યારે એ વાત યાદ  રાખવી જોઈએ કે તમારું મગજ બંધ કરી દેવાનું છે. કારણ કે કોમેડી મૂવીમાં તર્ક, ભૂલો, કે જ્ઞાનને સ્થાન હોય તેવી શક્યતાઓ ઓછી હોય છે. નિખાલસતા, મજાક-મસ્તી, કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જવું - આવી ઇચ્છાઓ હોય ત્યારે કોમેડી મૂવી જોવાનું નક્કી કરવું જોઈએ. 

આજે ૨૦૧૬માં આવેલ એક એવા જ કોમેડી મૂવી વિશે વાત કરીશ - “કીપિંગ અપ વિથ જોનાસીસ”. આ મૂવી જોવાનું મુખ્ય કારણ તો અભિનેતા ઝેક છે. જો તમને હોલીવુડ મુવીઝ જોવાનો શોખ હોય તો તમે ઝેકના અનેક મૂવીઝ જોયા હશે જેમ કે - હેંગઓવર, ડ્યુડેટ અને હવે - “કીપિંગ અપ વિથ જોનાસીસ”.  તેના દરેક મૂવીમાં કોમેડી, ગાંડપણ હોય છે. 

મૂવીની વાત કરીએ તો કેરન - એક ડેકોરેટર અને જેફ એક કંપનીમાં એચઆર તરીકે વર્ષોથી નોકરી કરતો હોય છે. તેના બે બાળકો હોય છે. સાવ - સામાન્ય મિડલ ક્લાસ જીવન જીવતા હોય છે. લગ્નના ઘણા વર્ષો થઇ ગયા હોવાથી, જીવનની અને બાળકોની અનેક જવાબદારીઓ હોવાથી જેફ અને કેરનના જીવનમાં કોઈ ખાસ સ્પાર્ક પણ નથી હોતો.

બસ, આવા જીવનના કંટાળાજનક સમયે જ એન્ટ્રી થાય છે ટીમ અને નેટલીની. એક હોટ, બધી જ રીત સફળ, ગુડ લુકિંગ કપલ. તે બંને જેફના નજીકના ઘરને ખરીદે છે અને તેઓના નવા પડોશી બને છે. સ્વાભાવિક છે કે આજુબાજુમાં કોઈ નવું રહેવા આવે એટલે જીજ્ઞાસા તો હોવાની જ. કેરનની જીજ્ઞાસા થોડી વધુ છે. તેને આ કપલ વધુ પડતું પરફેક્ટ લાગે છે. તેથી તેને તેના પર ભરોસો આવતો નથી. 

થોડા સમયમાં ટીમ અને નેટલીની હરકતો પર જાસૂસી કર્યા બાદ કેરન અને જેફને ખબર પડે છે કે તે બંને જાસૂસ છે. અન્ય જાસૂસીવાળા મૂવીની જેમ આ મૂવીમાં પણ મજેદાર એક્શન સીન્સ આવે છે અને ટીમ-નેટલીનો રાઝ ખૂલી જાય છે. 

તેઓ એક મિશન પૂરું કરવા માટે જેફ અને કેરન સાથે સંબંધ વિકસાવતા હતા. કઈ રીતે જેફ અને કેરન તેઓને મદદ કરે છે, કઈ રીતે જેફનો એચઆર નોકરીવાળો સ્વભાવ બધાને મુશ્કેલીમાં મૂકે છે, મિશન સફળ થાય છે કે નહી - તે જાણવા માટે તો તમારે મૂવી જોવું રહ્યું. 

આવી વાર્તા તમે અનેક મૂવીઝમાં જોયેલી હશે. કઈ નવું નથી. મૂવીમાં ટીમનું પાત્ર “મેડ મેન” સિરીઝના લીધે પ્રખ્યાત થયેલા જોન હેમ દ્વારા અભિનીત છે. તેથી ઝેક અને જોનની ઉત્તમ જુગલબંધી જોવા માટે થઈને પણ આ મૂવી જોવું જોઈએ. મૂવીમાં નેટલીનું પાત્ર ગેલ દ્વારા અભિનીત છે જેને તમે “ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ” ના ભાગોમાં જોઈ હશે. અને કેરનનું પાત્ર ઈસ્લા દ્વારા અભિનીત છે, જેને તમે અનેક અન્ય કોમેડી મૂવીઝ અને સિરીઝમાં જોઈ હશે.  

મગજ બંધ કરીને, મનોરંજન માટે મૂવી જોવાની ઈચ્છા હોય ત્યારે આ મૂવી જોવું જોઈએ.