Julie and Julia

julie-julia-movie talk by darshali.jpg

અત્યાર સુધીમાં કેટલા એવા લોકો હશે કે જેને તમે આદર્શ માનતા હશો  પણ તેના જેવું કંઈ જ કરવાનો પ્રયત્ન કર્યો નહી  હોય. 

 હવે એવી કલ્પના કરો કે તમે જે વ્યક્તિને તમારો આદર્શ માનો છો તેના જેવું જીવન જીવવા માટે તમે પ્રયત્ન કરવા લાગ્યો તો કેવું?  માની લઈએ કે તમને એક શેફ-કુક બહુ જ ગમે છે. તમે તેની પાસેથી બધી જ રેસીપી શીખવા માટે તેનું પુસ્તક પણ ખરીદેલું છે. 

હવે તમે તમારી જાતને એવી ચેલેન્જ આપો છો કે તે પુસ્તકમાં રહેલી બધી જ રેસિપી તમે બનાવશો. અને તેનો એક  બ્લોગ પણ લખશો.  એક વર્ષ એટલે કે ૩૬૫ દિવસની અંદર તમે તે પુસ્તકમાં રહેલી ૫૨૪ રેસીપી બનાવશો. 

 તમે આ ધ્યેય  પૂરો પણ કરો છો અને આ ધ્યેય  પૂરો કરવા બદલ તમારી પાસે અનેક ઓફર્સ આવે છે. જેમ કે -  પુસ્તક લખવાની, ઇન્ટરવ્યૂ માટેની, મેગેઝિનમાં લખવા માટેની, ટીવી શો માટેની, મુવી માટેની, અને તમે જે વ્યક્તિને આદર્શ માનતા હતા તે વ્યક્તિની પગદંડી પર ચાલવાને કારણે તમને પણ હવે સફળતા મળી ગઈ છે. 

આ બધી તો કલ્પના છે કારણ કે તમને તો મહાન કૂક બનવાનો શોખ હશે નહીંં, પણ જુલીને શોખ હતો. તેમજ તેણીએ જુલિયા નામની એક પ્રખ્યાત છે કૂકને  અનુસરી ને સફળતા મેળવી. આજે એક એવા જ  મૂવીની વાત કરવી છે જે સત્ય ઘટના પર આધારિત છે. - જે જૂલી અને જૂલિયાના જીવન પર આધારિત છે. 

૨૦૦૯માં આવેલ જૂલી અને  જુલિયા નામનું મુવી પ્રેરણાદાયી છે.  જૂલિયા એવી સ્ત્રી કે જેણે તેના પતિની એમ્બેસીમાં નોકરીના કારણે પેરિસ રહેવા આવે છે. ત્યાં તેણી  ફ્રેંચ કુકિંગ શીખે છે અને એવું નક્કી કરે છે કે તે એક એવી કૂકબૂક બનાવશે કે જેમાં બધી જ રેસીપીનો સંગ્રહ હોય અને કોઈ પણ સ્ત્રી આ પુસ્તક પરથી સારામાં સારી રસોઈ બનાવી શકશે. 

 જુલિયાના  આ નિર્ણય સમયે તેની ઉંમર ૪૦ વર્ષથી વધુ હશે. તેથી તમે જૂલિયામાંથી એ બાબત શીખી શકો કે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. તમારા ગમતા શોખને જીવવા માટેની કોઈ ઉંમર નથી હોતી. 

 જૂલિયાને ખૂબ જ સફળતા મળે છે, તેનું પુસ્તક ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. આ મુવીમાં એક સાથે બે વાર્તા દેખાડવામાં આવી છે. એક તરફ જૂલિયાના સંઘર્ષને દેખાડ્યું છે કે તે કઈ રીતે બધી જ રેસિપી શીખ્યા અને એક મહાન કૂક બન્યા તો બીજી બાજુ જૂલી કે જે પોતે નોકરી કરે છે અને સાથે-સાથે જૂલિયા જેવું બનવાનું સપનું ધરાવે છે. 

 જે જૂલિયાને કેટલી હદે આદર્શ માને છે તેના પ્રતિક સ્વરૂપે જૂલિયા જે પ્રકારનો ગળામાં મોતીનો હાર પહેરતી હતી તેવો જ હાર જૂલીનો પતિ તેણીને ભેટ સ્વરૂપે આપે છે. જૂલી પોતાની જાતને વચન આપે છે કે તેણી કોઇપણ હાલતમાં ૩૬૫ દિવસની અંદર ૫૨૪ રેસિપી બનાવશે જ. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ જૂલી પોતાનો ધ્યેય પૂરો કરે છે અને તેને સફળતા મળે છે.    

જુલિયાનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ  દ્વારા અભિનીત છે અને તેણીને હંમેશા તમે એવા રોલ કરતા જોઈ હશે છે કે જે બધાથી અલગ હોય. આ રોલ પણ એવો જ કંઇક અનોખો છે. તેની બોલવાની સ્ટાઇલ, તેની ચાલવાની ઢબ, તેના વિચારો, તેનું વર્તન આ બધું જ તમને પ્રેરણા આપશે. 

જ્યારે  તમે પણ કોઈ ધ્યેય પર કામ કરતા હોય ત્યારે નિરંતરતાનું સૌથી વધારે મહત્વ છે. તે વાત તમને આ મુવીમાંથી શીખવા મળશે. જો જૂલીએ પચાસ દિવસ જ રેસિપી બનાવીને આ કામ કરવાનું મૂકી દીધું હોત તો? જો જૂલિયાએ ફ્રેંચ લોકોના ટોણા સાંભળીને કુકિંગ શીખવાનું મૂકી દીધું હોત તો? જયારે જૂલિયાનું પુસ્તક ૭૦૦ પેજ લાંબું છે એમ કહીને પબ્લીશરે ના પાડી ત્યારે જૂલિયાએ હાર માની લીધી હોત તો? - તો જૂલી અને જૂલિયા બંનેને ક્યારેય સફળતા ન મળી હોત. મેરિલ સ્ટ્રીપનો ઉત્તમ અભિનય અને જૂલીનો તેના ધ્યેય પ્રત્યેનો લગાવ જોવા માટે થઈને આ મુવી જરૂરથી જોવું જોઈએ. 

આદર્શને માનવાથી કઈ નહી થાય. જયારે તમે તેના જેવી ખૂબીઓ હાંસિલ કરવા પ્રત્યનો કરો ત્યારે જ ખરો બદલાવ આવશે.