Joy

joy by darshali soni.jpg

જોય - એક સફળ સ્ત્રીની કહાની

આ કહાની છે જે જોય નામની એક સ્ત્રીની. જેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પોતાનો ધંધો શરુ કર્યો અને સફળતા પણ હાંસિલ કરી. જેનીફર લોરેન્સ દ્વારા અભિનીત જોયનું પાત્ર તમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપશે. જોય છૂટાછેડા લઈને તેના બે બાળકો સાથે તેની માતા અને નાની સાથે રહેતી હોય છે. જોય બાળપણમાં તેના માતા-પિતાના છૂટાછેડાના કારણે ખૂશીભર્યું બાળપણ ભોગવી શકી નથી. જોય એક એરલાઈન કંપનીમાં બુકિંગ ક્લાર્ક તરીકે કામ કરતી હોય છે. આ સમયે જોયના પિતા તેની નવી ગર્લફ્રેન્ડ ટ્રુડીને લઈને જોયની ઘરે આવે છે.

જોય તેના પિતાની ધનવાન ગર્લફ્રેન્ડ સામે એક પોતું -મોપનું ઉત્પાદન કરવાના ધંધામાં રોકાણ કરવાની વાત કરે છે. ટ્રુડીના રોકાણ બાદ જોય તેની પ્રોડક્ટને અમેરિકામાં પ્રમોટ કરવા અનેક પ્રયત્નો કરે છે.  આ ધંધામાં સફળ થતા પહેલાં જોય અનેક મુશ્કેલીઓ, નુકસાની અને ખોટનો સામનો કરે છે. આમ છતાં તે હાર માનતી નથી. અને અંતમાં એક સફળ ધંધાર્થી બને છે અને પોતાનું એમ્પાયર ઉભું કરે છે. જોયના વ્યક્તિગત જીવનમાં તેના કુટુંબ, લગ્નમાં અનેક પ્રશ્નો હોવા છતાં તે કંઇક અલગ કરી દેખાડે છે અને સફળતા હાંસિલ કરે છે. જોયની માતા અને તેની બહેન પેગી જોયને સહકાર મળતો નથી. આમ છતાં જોય વ્યક્તિગત જીવનની પળોજણને એક તરફ રાખીને પોતાની પ્રોડક્ટ પર ધ્યાન આપે છે. આ મુવી ઓસ્કાર નોમિટેડ છે સાથોસાથ જોયના પિતાનું પાત્ર રોબર્ટ દ નીરોએ ભજવેલ છે. આ મુવીમાં જોય તેની પુત્રીને અનેક જીવનના પાઠ સમજાવે છે. તો ચાલો જાણીએ શું શીખવે છે જોય:

૧ દુનિયા અને તક

જોય તેની પુત્રીને સમજાવતા કહે છે કે દુનિયામાં ખરેખર તક જેવું કઈ હોતું નથી. દુનિયા તમને તક આપતી નથી. તમારે તક જાતે ઉભી કરવી પડે છે. તમારે મહેનત કરીને અને ધીરજ રાખીને જાતે આગળ વધવું પડે છે. દુનિયાને તમારી સાથે કે તમારી નિષ્ફળતા સફળતા સાથે કોઈ લેવાદેવા નથી. તેથી જાતે જ તક ઉભી કરો. દુનિયા તમારી પાસે આવીને તક આપે તેવી રાહ ન જૂઓ.

૨ છુપવું

જોય આ મુવીમાં એક છુપાવવા અંગે બહુ સરસ વાત કરે છે. જીવનમાં કોઈ એવો તબ્બકો આવતો હોય છે જયારે આપણે આપણી જાતને બધાથી છુપાવી દેતા હોઈએ છીએ. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે માત્ર આપણી જાતને બીજાની સામે જ નથી છુપાવતા પણ આપણી પોતાની જાતથી પણ છુપાવી દઈએ છે. જો તમે જ તમારી જાતને જોઈ અને સમજી નહી શકતા હો તો તમારું સત્ય તમને નહિ ખબર પડે.

૩  વલણ

જોય મોપ બનાવવાનો ધંધો શરુ તો કરી દે છે પરંતુ તેણીને ધંધામાં અનેક નુકસાની અને છેતરામણીનો સામનો કરવો પડે છે. ધંધો જેટલો સહેલો લાગતો હોય તેટલો સહેલો હોતો નથી. આમ છતાં જોય તેની બધી જ ભૂલોમાંથી શીખીને પોતાનું એમ્પાયર ઉભું કરવા સખત મહેનત કરે છે. તે તેની નુકસાની અને નબળાઈઓને તાકાતમાં ફેરવી દે છે. તે હાર માનતી નથી. તેના માટે નુકસાની એક શીખવાની તક બની જાય છે.

૪ વિચાર

કોઈપણ ધંધામાં કે જીવનમાં સફળ થવા માટેનું હથિયાર વિચાર છે. જોય એકવાર કહે પણ છે કે તેણે માત્ર વિચાર કરે રાખ્યા અને સપના જોવાનું જ કામ નથી કર્યું. તેણે તેના ધંધાને ખરેખર સફળ બનાવવા માટે કામ કર્યું છે અને મહેનત કરી છે. વિચાર ઉત્તમ હથિયાર તો છે પણ તે વિચારનો અમલ ખરી સફળતા અપાવી શકે છે.

જોયનું પાત્ર તમને મુશ્કેલ પરિસ્થતિમાં પણ હાર ન માનવી અને આશાવાદી બનીને આગળ વધતું રહેવું તેવી સતત પ્રેરણા આપશે. આ મુવીમાં જોય કઈ રીતે એક સામાન્ય સ્ત્રીમાંથી સફળ ધંધાર્થી બને છે તે જોવાથી તમે જરૂરથી તમારા સપના પૂરા કરવા પ્રેરાશો. જોય પોતે પણ સફળ થયા બાદ અન્ય લોકોને તેના આઈડિયા પર કામ કરવા માટે મદદ કરવાનું શરુ કરે છે. સામાન્યમાંથી અદભુત બનવાની કહાની એટલે "જોય".

આભાર

દર્શાલી સોની