Joker

joker by darshali soni.jpg

જોકર - જોવું જ જોઈએ!

મુવી વિશે કહેવાનું ક્યાંથી શરુ કરવું? તેનું ટ્રેઇલર આવ્યું ત્યારે જ લોકો એમ કહેતા હતા કે માત્ર ટ્રેઇલરને ઓસ્કાર મળવો જોઈએ. વિચાર કરી લો મુવી કેવું હશે. યુવાનોમાં પહેલેથી જયારે ડેવિલ પર્સનાલીટીની વાત આવે ત્યારે જોકરનું નામ પહેલાં આવે. તેમાં પણ છેલ્લા બેટમેન મુવીના બે ત્રણ ભાગને કારણે જોકરનું પાત્ર વધુ પ્રખ્યાત થઇ ગયું છે.

સામાન્ય રીતે લોકો માટે હીરો આદર્શ કહેવાય છે. ત્યારે તમે એક એવું મુવી જોવો કે જેમાં હીરો કે વિલન જેવું કઈ છે જ નહી. એક ગરીબ, દુઃખી, એકલો, સનકી, માનસિક રીતે હારેલો આર્થર જયારે ગોથમ શહેરે જોયેલો સૌથી અઘરો વિલન બની જાય ત્યારે તમે શું કહેશો?

આ મુવીમાં આર્થર એટલે કે જોકરની પાછલી લાઈફ એટલે કે તે જોકર શા માટે બન્યો અને જોકર બન્યા પહેલાં તેનું કેવું જીવન હતું તે દેખાડેલ છે. આર્થર એક કોમેડિયન બનવા માંગતો હોય છે. તેની માતા સાથે તે રહેતો હોય છે. તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી, સારી નોકરી નથી, સમાજમાં માન સમ્માન નથી.

લોકો તેના પર હસે છે, લોકો તેને મારે છે. તે દવા લેતો હોય છે. તેની મેન્ટલ કન્ડીશન એવી હોય છે કે તે ગમે ત્યારે જોર જોરથી હસવા લાગે છે અને પછી મુવીના પ્લોટમાં ટ્વીસ્ટ આવે છે. કઈ રીતે બેટમેન - બ્રુસ વેઇનના પિતા થોમસ વેઇનના એક વાક્યને કારણે આખા ગોથમ શહેરમાં તબાઈ મચી જાય છે અને કઈ રીતે આર્થર એક દુઃખી વ્યક્તિમાંથી એક ડર બની જાય છે તેની વાત એટલે "જોકર" મુવી.

મુવીની દરેક ફ્રેમ ડીરેક્ટરે એટલી મહેનત લઈને બનાવી છે કે તમને એક મિનીટ માટે પણ નજર હટાવવાનું મન નહી થાય. મુવીના દરેક ડાયલોગ, મુવીના રીડ બીટવીન ધ લાઈન્સ ડાયલોગ અને મ્યુઝીક.  આ બધું જ તમને જકડી રાખશે. આર્થર સાથે તમે એટલી હદે જોડાઈ જશો કે તેનું દર્દ તમે પોતે પણ અનુભવી શકશો.

જોકરનું પાત્ર જો ફિનીક્સે નિભાવેલ છે. તેની એક્ટિંગ ઓસ્કાર લાયક છે જ. અત્યાર સુધીમાં જેટલા જોકર પાત્રો તમારી સામે સ્ક્રીન પર આવ્યા તેમાંથી આ જોકરને હું ઉત્તમ કહીશ. તેમાં પણ જો મુવીમાં રોબર્ટ દ નીરો હોય તો તો કહેવું જ શું. બની શકે આ મુવી તમને બહુ સેડ મુવી લાગે. બની શકે તમને એવું લાગે કે મુવીમાં તો ક્રાઈમને બહુ જ સહજ દેખાડી દીધું છે. પણ જો તમે ખરી પરિપક્વતાથી આ મુવી જોશો તો સમજાશે કે મુવીમાં એક એવું વ્યક્તિત્વ દેખાડેલું છે કે જે આપણી દરેકની અંદર ક્યાંકને ક્યાંક છુપાયેલું જ હોય છે. મુવી પોતે જ એક લેશન છે તેથી તેમાંથી શું શીખવું એ કહેવું તો બહુ થોડું કહ્યુ કહેવાશે.

૧ ટ્રેજેડી

મુવીનો સૌથી પ્રખ્યાત ડાયલોગ - મને એવું લાગતું હતું કે મારું જીવન તો એક ટ્રેજેડી છે પણ પછી મને ખબર પડી કે જીવન તો કોમેડી છે." આમાં ઘણું બધું આર્થર કહી દે છે. માનવી ક્યારેક જીવનના કડવા અનુભવોથી એટલી હદે થાકી જાય છે કે પછી તેના માટે અમુક બાબતો અને ઘટનાઓ મજાક માત્ર હોય છે.

૨ હેપી

આર્થરની માતા હંમેશા એમ કહેતી કે "પુટ ઓન અ હેપી ફેસ" હંમેશા હસતું રહેવાનું અને ખૂશી વહેંચતા રહેવાનું. આર્થર એકવાર મુવીમાં કહે છે કે તેણે આખું જીવન ક્યારેય ખુશીનો અનુભવ જ કર્યો નહોતો. જીવનમાં ખુશીનું સૌથી વધુ મહત્વ હોય છે. તેના માટે તમારી અંદરનું ડેવિલ બહાર આવી જાય ત્યાં સુધી રાહ જૂઓ તેવું કરવું જરૂરી નથી.

૩ ઇચ્છવું અને મેળવવું

મુવીનો બીજો પ્રખ્યાત ડાયલોગ - "તમે જેને લાયક છો તે જ તમને મળશે" આટલું બોલીને જોકર કોને મારી નાખે છે તે તમારે મુવીમાં જોવાનું છે. જીવનનું આવું જ છે કે પછી નસીબ જેવું કઈ છે કે પછી મહેનત જેવું કઈ છે કે પછી એક સમય એવો આવશે કે જયારે સમાજ કંટાળીને આવો વિદ્રોહી જોકર બની જશે?

આ મુવીને ઓસ્કાર તો મળવો જ જોઈએ. શું કામ તે જાણવા માટે તમે જ મુવી જોવો. આ બધા લોકોના ટેસ્ટનું મુવી નથી. તેથી પહેલાં ટ્રેઈલર જોઈ લેજો. મુવી વિશે વધુ એટલે નથી લખવું કારણ કે આ મુવીને વાંચતા કરતા પણ જોવાનું અને જીવવાનું છે.

આભાર

દર્શાલી સોની