ઇટ્સ કાઈન્ડ ઓફ અ ફની સ્ટોરી
કિશોરાવસ્થા એ સૌથી સારો સમય પણ છે અને તમને જીવતા ન આવડે તો ખરાબ પણ. તમે તમારા એ સમયમાં અનેક તોફાન કર્યા હશે, અનેક ભૂલો કરી હશે અને પ્રેમમાં પણ પડ્યા જ હશો. પણ શું તમે ક્યારેય જાતે જઈને માનસિક હોસ્પિટલમાં દાખલ થયા હતા? શું તમે તમારાથી મોટા લોકો સાથે રહીને મેન્ટલ હોસ્પિટલમાં જીવનના પાઠો ભણ્યા હતા? શું તમે એક એવો મિત્ર બનાવ્યો હતો કે જેની એક દીકરી હોય અને તે મેન્ટલ હોસ્પિટલમાં રહેતો હોય? - તમે આવું કઈ નહી જ કર્યું હોય. પણ આ મુવીનું પાત્ર ક્રેગ આ બધું જ કરે છે.
આમ તો મુવીમાં ઘણા પાત્રો છે. પણ મુખ્ય પાત્ર એક કિશોર છોકરો - ક્રેગ. જેને હંમેશા આપઘાત કરવાના સપના આવતા હતા. તેથી તે સામેથી મેન્ટલ હોસ્પિટલમાં જાય છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તેને જે વોર્ડમાં મોટી ઉંમરના લોકોને રાખવામાં આવતા હોય તે બધા સાથે તેને રહેવું પડે છે. ત્યાં તે અનેક મિત્રો બનાવે છે. તેમાં સૌથી મસ્ત એન્ટીક પાત્ર એટલે બોબી. તમને પેલો હેંગઓવર મુવીનો એલન યાદ હોય તો હા તે જ ઝેકે આ મુવીમાં બોબીનું પાત્ર નિભાવ્યું છે.
બોબીના ૨ ગાંડા મિત્રો પણ હોય. પછી ક્રેગના રૂમમાં એક મુખ્તાડા નામનો વ્યક્તિ પણ રહેતો હોય. ક્રેગ એક પાગલ છોકરી નોએલ સાથે પ્રેમમાં પણ પડે. ક્રેગના માતા-પિતા પણ એન્ટીક. તેના પિતા આખો દિવસ કામમાં જ વ્યસ્ત હોય અને તેની બહેન નાનપણથી જ ગીક.
ટૂંકમાં મુવીના બધા જ પાત્રો અલગ અલગ રીતે કંઇક ને કંઇક શીખવાડે. કઈ રીતે ક્રેગ મેન્ટલ હોસ્પિટલમાં ૭ દિવસ રહીને પોતાની જાતને અને દુનિયાને સમજે છે તેની કહાની એટલે ઇટ્સ કાઈન્ડ ઓફ અ ફની સ્ટોરી મુવી. તો ચાલો જાણીએ એક પાગલોનું મુવી આપણા જેવા "પરિપક્વ" લોકોને શું શીખવાડી શકે છે:
૧ ક્રેઝીયાપા
આવો એકેય શબ્દ નથી. બનાવેલો છે. તમે તેને પાગલપન પણ કહી શકો. ઘણીવાર માનવીના મગજમાં એટલું બધું ચાલતું હોય છે કે તેઓને એવું લાગે છે કે તેઓ પાગલ છે અથવા પાગલ થઇ જશે. ક્રેગને પણ એવું લાગતું હતું. મુવીના અંતમાં તેને સમજાય છે. તેથી જ મૂવીની ટેગલાઈન છે - "તમારા મગજમાં જે કંઈપણ ચાલી રહ્યું છે તે પાગલપન જ છે તેવું જરૂરી નથી." ઘણીવાર પાગલપન જ પરિપક્વ થવા તરફનો રસ્તો દેખાડે છે.
૨ મુખ્તાડા
મુવીમાં ક્રેગના રૂમમાં રહેતો ચાલીસ વર્ષનો પુરુષ. જે દુનિયાથી એટલો કંટાળી ગયો છે કે તે ક્યરેય પોતાના રૂમમાંથી બહાર જ નથી આવતો. એકવાર તો ક્રેગ તેને આ રીતે જીવન જીવતો જોઇને એમ પણ કહી દે છે કે - "આ સુવું જ જીવનનો ઉકેલ છે." શું ખરેખર દુનિયાથી ભાગવું એ જીવવું છે કે નહી તે તો તમારે આ મુવી પરથી શીખવાનું છે. કઈ રીતે બધા ભેગા થઈને મુખ્તાડાને બહાર લાવે છે અને તેની અંદરના જીવને જગાડે છે તે તમે મુવીમાં જોઈ શકશો.
૩ સાયકોલોજી
આ વિષય એવો છે કે જે ભલભલાને પાગલ બનાવી શકે અને સમજદાર પણ. મુવીમાં ક્રેગની ડોકટર તેને સમજાવે છે કે - તમે જીવનમાં જે બાબતોને કાબૂ કરી શકો તેમ છો તેનો હિંમતથી સામનો કરો અને જે બાબતો કાબૂ કરી શકો એમ નથી તેને જીવવા માટે સમજદારી કેળવો. જીવનનું કંઇક આવું જ છે કે નહી તે તમારે વિચારવું રહ્યું.
૪ ઉમરની કિંમત
આપણે જે ઉંમરના હોય તે જીવન જીવવામાં આપણને ક્યારેય સંતોષ હોતો જ નથી. જો તમે યુવાન હો તો એમ થાય કે બાળક રહેવું જ સારું હતું. જો ઘરડા થઇ ગયા હો તો યુવાનોને કેવા જલસા છે તેમ વિચારતા હશો. દરેક ઉંમર અને અનુભવની એક મજા હોય છે. બોબી એકવાર ક્રેગને એમ કહે પણ છે કે - તેની પાસે જે જીવન છે તે જીવન પોતે જીવવા માટે શું ન કરે. તેથી તમે જે છો, જેવા છો તમારી જાતને સ્વીકારો અને જીવનને માણો.
આ મુવી આમ તો ૨૦૧૦માં આવેલ છે. પણ ઘણીવાર આવા હળવા મુવી જોવાથી પણ ઘણું શીખી જવાતું હોય છે અને શીખવું ન હોય તો મનોરંજન તો થઇ જ જાય છે. તેથી એકવાર તો આ મુવી જોવું જ જોઈએ.
આભાર
દર્શાલી સોની