Inception

Inception by darshali soni.jpeg

ઇન્સેપશન - સપનાઓની દુનિયા

હું એમ નહીં કહું કે તમે ક્યારેય આ મૂવીનું નામ જ સાંભળ્યું નથી. કારણ કે આજકાલ યુવાઓથી લઈને બધા જ ઉંમરના લોકોને હોલીવુડના મુવીઝ જોવાનો ચસ્કો લાગેલો છે. તેમાં પણ જો મુવી ક્રિસ્ટોફર નોલાને બનાવેલું હોય તો કહેવું જ શું. હમણાં જ ૩૦ જુલાઈના રોજ ક્રિસ્ટોફર નોલાનનો બર્થડે હતો. તેથી થયું કે ચાલો એકાદું તેનું જ મુવી આજે શેર કરું.

ઇન્સેપશન મુવીમાં બધાનો ચહીતો લિયોનાર્દો કેપ્રિયો છે. મૂવીની વાર્તા પેચીદી પણ રસપ્રદ છે. આ મુવીમાં વાત છે સપનાઓની. હા, કોઈ આશાવાદી સપનાઓ નહીં પણ "ડ્રિમ શેરિંગ ટેક્નોલોજી" ના સપનાઓ. હવે તમને એમ થાય કે આજકાલનું વિજ્ઞાન તો હવે શાંતિથી સપનાઓ પણ નથી જોવા દેતું. તો હા આ વાત સત્ય છે. ઘણીવાર ટેક્નોલોજી આશીર્વાદની બદલે અભિશ્રાપ બની જતી હોય છે પણ તેની વાત ફરી ક્યારેક.

મુવીના પાત્રોની વાત કરું તો મુવીમાં આમ તો મુખ્ય બે પાત્રો છે.  પણ મૂવીની વાર્તામાં ટીમનું સૌથી વધુ મહત્વ પણ છે. લિયોનાર્દો કેપ્રિયોએ કોબી નામના એવા વ્યક્તિનું પાત્ર નિભાવ્યું છે જેમાં તે ડ્રિમ શેરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા સીઈઓના સિક્રેટ ચોરવામાં મદદ કરે છે.

બસ તેની પાસે એક મોટો ક્લાયન્ટ આવે છે જેનું નામ છે સિયાતો અને ફિશર. કઈ રીતે કોબી અને ટિમ એક આઈડિયાને ચોરે છે તેની વાત આ મુવીમાં છે. વળી આ આઈડિયા સપનાઓની માયાજાળમાં જઈને ચોરવાનો પણ હોય છે અને એક આઈડિયા તેના મગજમાં નાખવાનો પણ હોય છે.

મુવીના અન્ય પાત્રો જેવા કે આર્થરનું પાત્ર પ્રખ્યાત જોસેફ ગોર્ડન લેવિટે નિભાવેલ છે. ત્યારબાદનું મૂવીનું મહત્વનું પાત્ર કે જે કોબને સાથ આપે છે તેનું નામ છે આરિયાનડે. તે પાત્ર નિભાવેલ છે નાની નાજુક અભિનેત્રી એલન પેજે.

મુવીમાં એક અન્ય વાર્તા પણ જોડે જોડે ચાલતી હોય છે. કોબ અને તેની પત્ની મેલની. અને તેના નાના બાળકોની. મેલ અને કોબે જીવનમાં સાથે જ આ સપનાઓની માયાજાળમાં જવાનું અને ત્યાં પોતાની દુનિયા બનાવવાનું શીખ્યું હોય છે. પણ એક સમય એવો આવે છે કે મેલ સાચી દુનિયા અને સપનાની દુનિયા વચ્ચેનો ફર્ક જ ભૂલી જાય છે અને અંતે આપઘાત કરી લે છે.

મુવીમાં ઘણી વાતો રહસ્યમય છે તો ઘણી વાતો તાર્કિક પણ છે. મુવીના દરેક સીનમાં તમને અલગ જ રજુઆત જોવા મળશે. જેની કારીગરી પાછળ જવાબદાર છે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર વોલી ફીસ્ટર. મુવીમાંથી આમ તો ઘણું શીખવાનું છે પણ થોડા મહત્વના મુદ્દાઓ જ કહું તો...

આઈડિયા

એક સરળ સાયકોલોજી સમજાવું - જો તમને હું એમ કહું કે તમે હાથી વિશે ના વિચારતા તો તમે જરૂરથી હાથી વિશે વિચારશો જ. કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિની અંદર વિચાર નાખવો અને તે વિચાર પર કામ કરાવવું તેની ટેક્નિક જ આ મુવીમાં દેખાડી છે. તેમાં પણ વળી સપનાની અંદર વળી બીજું સપનું હોય એવું તો ઘણું છે આ મુવીમાં. જો કે તમારે તો એ શીખવાનું છે કે કઈ રીતે એક આઈડિયા કે એક વિચાર તમારા પોતાના પર હાવી થઇ શકે છે અને કઈ રીતે તમે પણ બીજા કોઈ વ્યક્તિ પર વિચાર હાવી કરી શકો છો.

લેટ ગો

જીવનમાં ઘણી એવી વાતો, યાદો અને લોકો હોય કે જેને આપણે ભૂલી ન શકતા હોય કે પછી માફ ના કરી શકતા હોય. પણ તમે જ તર્કથી વિચારશો તો તમને સમજાશે કે આ બધું દિલમાં ભરીને જીવવાથી કઈ મોટો ફાયદો પણ નથી પણ હા નુકસાન જરૂરથી છે. કોબ તેની પત્ની મેલના મૃત્યુ પછી તેને ભૂલવાનો પ્રયત્ન કરતો હતો પણ તે જેટલીવાર સપનાની દુનિયામાં જાય તેટલી વાર મેલ તેને તે જ દુનિયામાં રહી જવાનો આગ્રહ કરે. પણ હકીકત તો એ હતી કે મેલ હવે એક યાદથી વધુ કઈ નહોતી.

સિમ્પલ ફન્ડા છે - જીવનમાં ક્યારેક હોલ્ડ ઓન કરતા લેટ ગોમાં મજા છે.

ઊંઘ

પહેલાના જમાનાના લોકો કહેતા કે ઊંઘ એ તો ભગવાનના આશીર્વાદ છે. એક સરળ તર્ક પણ છે ઊંઘ પાછળ. જયારે તમે આરામથી સુઈ ગયા હો અને સુંદર સપનાઓ જોતા હો ત્યારે આ સપનાઓમાં બધું જ શક્ય છે. તમે કંઈપણ બની શકો છો અને કંઈપણ કરી પણ શકો છો. પણ આ સપનાઓની દુનિયામાં તમે એટલા પણ ના ખોવાઈ જાવ કે પોતાની વાસ્તવિકતા ના ભૂલી જાવ.

આ મુવીને ૪ ઓસ્કાર મળેલા છે. તેમાં પણ આ મુવી ૨૦૧૦માં આવેલું હોવા છતાં લોકો હજુ પણ આ મુવીને ભૂલ્યા નથી અને અનેકવાર સપનાઓની વાતો નીકળે ત્યારે આ મુવીનો ઉલ્લેખ થાય છે. તેથી એકવાર તો આ મુવી જોઈ જ લેવું જોઈએ. કોને ખબર ક્યારે કયો આઈડિયા કામમાં આવી જાય.

 

આભાર

દર્શાલી સોની