અમેરિકાની સરકારનો એક સરળ નિયમ છે. જે કોઈ વૃદ્ધ કે વૃદ્ધા એકલા રહેતા હોય, જેના કુટુંબીજનો હયાત ન હોય અથવા તેનું ધ્યાન રાખવા સક્ષમ ન હોય તે વૃદ્ધ લોકોને કેર હોમમાં મોકલી દેવામાં આવે છે. તેમજ તેના માટે એક લિગલ ગાર્ડિયન નિમણુક કરવામાં આવે છે.
તમને આ વાત સારી લાગશે. કે કઈ રીતે સરકાર અને લિગલ ગાર્ડિયન વૃદ્ધ લોકોને મદદરૂપ થાય છે. પણ આ જ સારી વાત જયારે નાણા કમાવવાનું સાધન બની જાય તો? આ જ સારી વાત કોઈ કંપની માટે ટાર્ગેટ બની જાય તો? એક એવી સ્ત્રી કે જે વૃદ્ધ લોકોની લિગલ ગાર્ડિયન બની જાય છે. અને પછી તેની બધી જ પ્રોપર્ટી અને મૂડી જપ્ત કરીને તેને કેર હોમમાં મોકલી દે છે. એક એવી સ્ત્રી કે જેની કંપનીમાં વૃદ્ધ લોકો જ તેમાં પણ ખાસ કરીને ધનવાન વૃદ્ધ લોકો તેઓનો ટાર્ગેટ માર્કેટ હોય છે. તેણીએ એક ડોક્ટર સાથે જોડાઈને આ કામ શરુ કરેલું હોય છે. તે ડોક્ટર જે-તે ધનવાન વૃદ્ધ માટે લેટર લખી આપે જેમાં ઉલ્લેખ કરેલો હોય કે આ વ્યક્તિને લિગલ ગાર્ડિયનની જરુર છે. તે સ્ત્રી આ લેટર લઈને જજની સામે રજૂ કરે અને તેને અપ્રુવલ મળી ગયા બાદ તે સ્ત્રીની ગેમ શરુ થાય. બધું જ જપ્ત, પોતે ધનવાન અને જે-તે વૃદ્ધ વ્યક્તિ કેર હોમમાં. કઈ રીતે એક લિગલ ગાર્ડિયન એક ઈલલિગલ ગાર્ડિયન બનીને પોતાનો નફો કમાવવા લાગે છે? કઈ રીતે નાણા વ્યક્તિ માટે સૌથી વધારે મહત્વના બની જતા હોય છે? માણસ નાણા કમાવવા માટે થઈને કઈ હદે જઈ શકે તેમ છે? એક સ્ત્રી કઈ હદે જઈ શકે છે?
આવી જ એક સ્ત્રીની વાત દર્શાવતું મુવી એટલે આજનું મુવી - "આઈ કેર અ લોટ”. ૨૦૨૦માં આવેલું આ મુવી આવા જ એક સ્કેન્ડલની વાત કરે છે.જેમાં માર્લા નામની સ્ત્રી અનેક વૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવીને ધનવાન બનવાનો પ્રયત્ન કરી રહી હોય છે. તેના મતે દુનિયામાં બિચારા લોકો માટે કોઈ જગ્યા નથી. તેના મતે દુનિયા ખરાબ છે. જો તમે ખરાબ નહી બનો તો દુનિયા તમને ખાઈ જશે. તે પોતાની જાતને સિહણ માને છે. જે દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે, ધનવાન બનવા માંગે છે.
માર્લાથી એક ભૂલ થઇ જાય છે. તે એક એવી વૃદ્ધા ધનવાન સાથે ફ્રોડ કરી બેસે છે જેનો દિકરો ગુંડો હોય છે. માર્લાની આ ભૂલથી શું થાય છે તે જાણવા માટે તમારે આ મુવી જોવું રહ્યું. માર્લા આ વૃદ્ધાને કેર હોમમાંથી છોડી દે છે કે નહી? તે વૃદ્ધાનો દિકરો આ કામને કેટલું અઘરું બનાવી દે છે? માર્લાનો ધંધો સરકારની સામે આવી જાય છે કે નહી? તે જાણવા માટે તમારે આ મુવી જોવું રહ્યું. મુવીનો અંત રસપ્રદ છે.
મુવીમાં માર્લા હંમેશાથી એમ કહેતી આવી છે કે તે લોકોની કેર કરે છે, પરવા કરે છે પણ હકીકતમાં તે આ બધું જ નાણા કમાવવા માટે કરતી હોય છે. મુવીમાં સૌથી પાવરફુલ કેરેક્ટર માર્લાનું દેખાડેલું છે. કઈ રીતે તેણી હાર માનવામાં નથી માનતી, કઈ રીતે તે લોકોનો સામનો કરે છે, તેનો આત્મવિશ્વાસ - આ એક એવું મુવી છે જેમાં નકારાત્મક પાત્ર પણ તમને ગમવા લાગશે. માર્લા માટે થઈને આ મુવી એકવાર જરૂરથી જોવું જોઈએ.
તેની ધંધા માટેની ફિલોસોફી, જીવન જીવવા માટેની ફિલોસોફી, ખાસ કરીને મુવીની શરૂઆતમાં જ માર્લા જે રીતે પોતાની વાત કહેવાની શરુ કરે છે તે સ્પીચ પણ સાંભળવા જેવી ખરી. માર્લાનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી રોઝામંડ પાઈક દ્વારા અભિનીત છે. તેણીની ઉત્તમ એક્ટિંગ જોવા માટે થઈને આ મુવી જોવું જોઈએ. આ મુવી ગોલ્ડન ગ્લોબ માટે પણ નોમીનેટ થઇ ચૂક્યું છે.