I am legend

I am legend by darshali soni.jpg

મુવીના નામ પરથી તો એવું લાગે કે જાણે કોઈ લેજન્ડ સાથે જોડાયેલું મુવી છે. પણ ના - મુવીની વાર્તા જ થોડી અલગ છે. તેમાં પણ જો વીલ સ્મિથ મુવીમાં હોય તો વાત જ અલગ હોવાની. જો કે આ મુવી ૨૦૦૭માં આવેલું છે. થોડું ઑફ બીટ મુવી છે તો પણ તમને આ મુવી જોવાની મજા આવશે. તો ચાલો વાત કરીએ મુવીના પાત્રોની.

મુવીમાં મુખ્યો પાત્ર બે જ છે. વીલ સ્મિથે એક વૈજ્ઞાનિક રોબર્ટ નેવિલનું પાત્ર ભજવ્યું છે. તેની સાથે જીવનભર સાથ આપનાર તેનો વફાદાર કૂતરો. હવે વાર્તા કઈંક એવી છે કે જેમાં ન્યુ યોર્ક શહેરમાં પ્લેગ ફાટી નીકળે છે. આખી માનવ જાત મરી જાય છે. તે વાયરસનું કોઈ નિરાકરણ રોબર્ટ લાવી શકતો નથી. અંતમાં આટલા મોટા શહેરમાં માત્ર રોબર્ટ અને તેનો કૂતરો જ જીવતા હોય છે.

જો કે મુવીમાં અન્ય બે પાત્રો પણ આવે છે, જેના વિષે તમે પોતે જ મુવી જોઈ શકો છો. આખા મુવીમાં કઈ રીતે રોબર્ટ એકલા હાથે પોતાની જાતને અને કુતરાને બચાવે છે અને કઈ રીતે તેના જીવનમાં આટલી એકલતા હોવા છતાં જીવતો રહે છે તેની વાત આ મુવીમાં દર્શાવવામાં આવી છે.

જો કે રોબર્ટ હિંમત પણ ક્યારેય નથી હારતો. સતત ત્રણ વર્ષ સુધી તે રેડિયો દ્વારા લોકોને જાણ કરવાની કોશિશ કરે છે કે તે આ શહેરમાં એકલો છે. મુવીમાં અનેક એવા ઈમોશનલ સીન છે જે તમને રડાવી પણ દેશે.

મૂવીનું ટાઇટલ આઈ એમ લેજેન્ડ શું કામ તે તો તમને મુવી જોઈને ખબર પડી જ જશે. કારણ કે કઈ રીતે રોબર્ટ એકલવીર થઈને જીવે છે તે જ ખરું શીખવાનું છે.

તો ચાલો જાણીએ શું શીખવાડે છે આપણને બહાદુર રોબર્ટ નેવિલ:

 

૧ એકલતા

જીવનમાં લોકોને સૌથી મોટો કોઈ ડર હોય તો એ છે એકલતાનો. હવે તમે જ કલ્પના કરો કે આટલા વર્ષોથી તમે એક એવા શહેરમાં રહેતા હો કે જે ક્યારેય સુઈ જતું નથી અને તમારી આસપાસ હંમેશા લોકો જ હોય અને તમારું પોતાનું સુંદર મજાનું કુટુંબ હોય અને અચાનક જ તમારે જીવનભર માટે એકલા રહેવાનું આવે તો કેવું લાગે? શું તમે તે એકલતાને સાખી શકો? બની શકે થોડા સમય માટે હિંમત હોય પછી તે હિંમત પણ જતી રહે. કઈ રીતે એકલતામાં પોતાની જાત માટે જીવવું તે તમને આ મુવીમાંથી શીખવા મળશે.

 

૨ ભગવાન અને માનવી

લોકો હંમેશા કહે છે કે ભગવાન આગળ કોઈનું ચાલતું નથી. પછી તે ગમે તેવો શક્તિશાળી માનવી હોય. અત્યારે જે હાલમાં જ વાયુ નામનું વાવાઝોડું હેરાન કરી રહ્યું છે તેના પરથી લોકો એવું જ બોલે કે ભગવાનના પ્રકોપ પાસે કોઈનું ચાલતું નથી. પણ ખરેખર શું આવું છે? જો એવું જ હોય તો માનવીને એકવાર એવો વિચાર પણ આવે કે જીવન તો સાવ ભગવાન આધારિત છે.  વિચારવાનું એ રહ્યું કે આપણે હવે ભગવાન આધારે જીવન જીવવું કે પછી આપણા હાથમાં પરિસ્થિતિને લઇ લેવી.

 

૩ ટેક્નોલોજી

આ એક આશીર્વાદ અને અભિશાપ પણ બની રહી છે. રોબર્ટ તેના વૈજ્ઞાનિક અનુભવથી આ વાયરસનો અંત લાવવા માટે બહુ જ પ્રયત્ન કરે છે. આમ છતાં તે સફળ થઇ શકતો નથી. ત્યારે કોઇવાર એવો વિચાર તો આવી જ જાય કે કુદરત સામે માનવીની ગમે તેવી બુદ્ધિ કે ટેક્નોલોજી પણ કોઈ કામ આવતી નથી. જો કે સમજવાની વાત એ પણ છે કે તમે ટેક્નોલોજીનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરો છો એ પણ એટલું જ મહત્વનું છે.

આ મુવીને ૯થી વધુ એવોર્ડ્સ મળેલા છે. તમને મુવીના અમુક સીન ગમશે. જેમ કે એકલતા

ને કારણે રોબર્ટ અને તેનું કૂતરું એક જ મુવી એટલી બધી વાર જોઈ ચૂકેલ હોય છે કે તેને હવે મુવીના દરેક ડાયલોગ આવડતા હોય છે. તે મૂવીનું નામ છે - શ્રેક. મુવી વિષે વધુ ન કહેતા એટલું જ કહીશ કે જો તમને ઑફ બીટ મુવી જોવા ગમતા હોય તો એકવાર આ મુવી જરૂરથી જોવું જોઈએ. તેમાં પણ વીલ સ્મિથના ફેન્સે આ મુવી જોવાનું ના જ ચૂકવું જોઈએ.

 

આભાર

દર્શાલી સોની