દરેક વ્યક્તિ માટે પ્રેમની પરિભાષા અલગ અલગ હોય છે. મોટાભાગના લોકો તેના અનુભવને આધારે પ્રેમની વ્યાખ્યા નક્કી કરતા હોય છે. ઘણા લોકોને તો પ્રેમ એટલે શું તે જ ખબર નથી હોતી. તો વળી ઘણા લોકો બીજાના અનુભવો કે પછી પુસ્તકો કે પછી મુવીઝના આધારે પ્રેમની પરિભાષા નક્કી કરી લેતા હોય છે. આમાં પણ વળી લોકોને અનેક પ્રકારની વિટંબણાનો સામનો કરવો પડતો હોય છે. સાચો પ્રેમ કોને કહેવાય? રીબાઉંન્ડ લવ કોને કહેવાય? ટાઈમ પાસ પ્રેમ જેવું કઈ હોય ખરું?
જો કે લીસાને તો એ જ નહોતું સમજાતું કે તેને સાચો પ્રેમ જ્યોર્જ સાથે છે કે પછી મેટી સાથે? હા, આજે એક એવા મુવીની વાત કરવી છે જેમાં લીસાને તેની ઉંમર વધી ગઈ હોવાને કારણે તેની સૌથી વહાલી રમત સોફ્ટબોલમાંથી કાઢી નાખવામાં આવે છે. દરેક મૂવીની જેમ કારકિર્દીમાં હાર મળતા લીસા પણ પોતાનું મન ભટકાવવા માટે ડેટ પર જવાનું નક્કી કરે છે. થાય છે એવું કે આ ૨૦૧૦માં આવેલા “હાઉ ડુ યુ નો” મુવીમાં લીસા એક સાથે બે લોકોને મળે છે. એક મેટી કે જે લીસાના ક્ષેત્રમાં જ સફળ ખિલાડી હોય છે અને બીજો જ્યોર્જ કે જેની કંપનીમાં ફ્રોડ થવા બદલ તેના પર જ કેસ થવાનો હોય છે.
મુવીના ત્રણેય પાત્રોની વાત કરીએ તો સૌથી પહેલા મેટી વિશે જાણીએ. મેટી – એક પ્લેબોય જેવું પાત્ર, જેના ઘરમાં અનેક છોકરીઓ વન નાઈટ સ્ટેન્ડ માટે આવતી હોય. જેના લીધે મેટીએ પોતાના ઘરમાં જ બધી સાઈઝના આવનારી છોકરીઓ માટે કપડા રાખ્યા હોય – જો કે આ વાત લીસાને બહુ જ અજીબ લાગે છે. મેટી – એક એવો વ્યક્તિ કે જેને જીવનમાં સફળતા મળી ગઈ છે, પણ તે કોઈ છોકરી સાથે લાંબાગાળાના સંબંધો નિભાવી નથી શકતો, સાચો પ્રેમ નથી મેળવી શકતો, જો કે તે તેની એકલતા અને મોજ-મજામાં પણ ખુશ જ છે, એવો વ્યક્તિ કે જે જીવન વિશે બહુ વધુ પડતું અને અઘરું કઈ વિચારતો નથી.
હવે જયારે આવા વ્યક્તિના જીવનમાં ચુલબુલી અને સમજુ લીસા આવે છે ત્યારે તેણે લીસાથી પ્રેમ થઇ જાય છે. બહુ ઓછા સમયમાં મેટી લીસાને પોતાના ઘરમાં સાથે રહેવાનું કહી દે છે. તે બંને સાથે રહેવા પણ લાગે છે. જો કે મેટીની અમુક નાદાનિયતને લીધે લીસા અને મેટી વચ્ચે ઝગડાઓ પણ થાય છે. જયારે મેટી અને લીસાની પ્રેમ કહાની ચાલતી હોય છે ત્યારે જ વચ્ચે વચ્ચે જ્યોર્જ આવી જાય છે.
જ્યોર્જ પોતાના પિતાનો ધંધો સંભાળતો હોય છે, તેની ગર્લફ્રેન્ડ થોડી અજીબ હોય છે અને જયારે તેણીને ખબર પડે છે કે જ્યોર્જ પર કેસ થઇ શકે તેમ છે ત્યારે તે તેને છોડી દે છે. આમ તો જ્યોર્જ લીસા સાથે ડેટ પર નથી જવાનો હોતો. આમ છતાં તેના જીવનમાં આવું દુઃખ આવી પડતા તે લીસા સાથે ડેટ પર જાય છે. બંને પહેલીવાર લંચ માટે મળે છે અને એકબીજા પર ગુસ્સો કરવા લાગે છે. ત્યારે લીસા તેને જીવનમાં ક્યારેક ચૂપ રહેવાનું અને શાંત રહીને પોતાની જાત સાથે રહેવાનું શું મહત્વ છે તે સમજાવે છે. આ ચૂપ રહેવાની ટેકનીકથી જ્યોર્જનું મન શાંત થઇ જાય છે. તેને અચાનક જ લીસા પ્રત્યે આકર્ષણ થવા લાગે છે.
તે જેટલીવાર લીસાને મળે છે તેટલીવાર તેને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તેની વાતો સાંભળે છે, તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાની ઇચ્છાઓ લીસા પર થોપતો નથી. જો કે મેટી જ્યોર્જથી ઘણો અલગ છે. તે લીસાને સાંભળવા કરતા તેનું મન બીજે ભટકાવવામાં અને તેણીને મોટી પાર્ટી અને ભેટ આપીને ખુશ કરવામાં માને છે. સ્વાભાવિકપણે લીસાનો ઝુકાવ જ્યોર્જ પ્રત્યે વધી જાય છે. તે મેટી કરતા પણ વધુ પ્રેમ જ્યોર્જને કરવા લાગે છે. પણ શું જ્યોર્જ પોતાના પર થતા કેસથી બચી શકે છે? પણ શું મેટી લીસાને મેળવી શકે છે? પણ શું લીસા સાચા પ્રેમને ઓળખીને સચી પસંદગી કરી શકે છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. એક હળવું રોમેન્ટિક મુવી છે. ચાલો જાણીએ શું શીખવે છે લીસા, મેટી અને જ્યોર્જ:
૧ સમાધાન
કોઈવાર જીવનમાં નાનું એવું સમાધાન કરી નાખવાથી જીવન ખુશહાલ બની જતું હોય છે. કોઈવાર એક નાનું સમાધાન કરી લેવાથી જીવન બદલી જતું હોય છે. પણ આપણે એ નાનું સમાધાન જ કરી શકતા નથી. તેથી જ કદાચ જીવનમાં જે હાંસિલ કરવા માંગતા હોય તે હાંસિલ કરી શકતા નથી. શું લીસા તેનું જીવન બદલી શકે છે? શું તે ધનવાન મેટીને પસંદ કરે છે કે પછી તેને સમજતા જ્યોર્જને?
૨ જીવનનું સરળ ગણિત
લીસા એકવાર સાયકોલોજીસ્ટને મળવા જાય છે અને પૂછે છે કે તે કોઈ એક એવી સલાહ આપે કે જે દરેક વ્યક્તિના જીવનને લાગુ પડતી હોય. આ સમયે ડોક્ટર બહુ જ સરસ જવાબ આપે છે –
“તમારે શું જોઈએ છે તે જાણી લો અને પછી તેને માંગતા શીખો.”
બસ, જીવનનું આટલું જ તો સરળ ગણિત છે. અને લોકો અહી જ થાપ ખાઈ જતા હોય છે. શું લીસા તેને જે જોઈએ છે તે માંગી શકે છે?
આ મુવીમાં લીસાનું પાત્ર સુંદર અને નટખટ રીસ વિધરસ્પુને નિભાવેલ છે. જેનું તમે “વાઈલ્ડ” મુવી જોયું હશે. તેણી કોમેડી મુવીની સાથોસાથ વાઈલ્ડ જેવા અનોખા મુવી પણ ઉત્તમ રીતે કરી જાણે છે. મેટીનું પાત્ર પ્રખ્યાત અભિનેતા ઓવેન વિલ્સન દ્વારા અભિનીત છે. જેને તમે અનેક કોમેડી મુવીમાં જોયા હશે. તેમજ જ્યોર્જનું પાત્ર પોલ રુડ દ્વારા અભિનીત છે.
કોઈ ઓસ્કાર વિનિંગ મુવી નથી, કોઈ વાઉ વાર્તા નથી, બસ મુવીમાં અમુક અમુક ડાયલોગ સરસ છે જે તમને પ્રેમ વિશે ઘણું સમજાવી દે. તેથી એકવાર આ મુવી જોવું જોઈએ.