હોટેલ ટ્રાન્સલવેનીયા - મોન્સટર અને માનવીની પ્રેમ કહાની
આ વાર્તા છે એક ડ્રેકુલાના કુટુંબની. ડ્રેક નામનો મોનસ્ટર ટ્રાન્સલવેનીયામાં એક સુંદર મજાની હોટેલ બનાવે છે. પણ તે હોટેલ માત્ર મોનસ્ટરસ માટે જ હોય છે. તેણે તે હોટેલ માનવીઓથી છુપાઈને બનાવી હોય છે. તેની એક સુંદર મજાની દીકરી હોય છે મેવીસ. તેની માતા નાનપણમાં માનવીઓ દ્વારા મારી નાખવામાં આવી હોય છે. તેથી ડ્રેકને માનવીઓ પર જરા પણ ભરોસો હોતો નથી. એકવાર ડ્રેક તેની દીકરી મેવીસના જન્મદિવસ પર પાર્ટી રાખે છે અને અનેક મોનસ્ટર મહેમાનોને આમંત્રીત કરે છે. મુવીની ટ્વીસ્ટ અહીંથી શરુ થાય છે.
તે પાર્ટીમાં એક માનવી જોહની જંગલમાં રખડતો રખડતો અહી આવી પહોંચે છે. ડ્રેક એક માનવીને પોતાની હોટેલમાં જોઇને ગભરાઈ જાય છે. તે જોહનીને મોનસ્ટર જેવા રૂપ રંગ કરીને બધાથી છુપાવવાનો પ્રયત્ન કરે છે. પણ તેની દીકરી મેવીસ જોહનીને જોઈ જાય છે પછી જોહની અને મેવીસની સુંદર મજાની પ્રેમ કહાની શરુ થાય છે. આ મુવીમાં ફેમીલી, માનસિકતા, કોમેડી, લાગણીઓનું મહત્વ એમ બધાનો થોડો થોડો ડોઝ છે. તો ચાલો જાણીએ શું શીખવે છે હોટેલ ટ્રાન્સલવેનીયા મુવી:
૧ બદલાવ
દરેક વ્યક્તિમાં સમયાંતરે બદલાવ આવતો જ હોય છે. જે લોકો નકારાત્મક હો તે સકારાત્મક બનતા જ હોય છે. હા, લોકો બદલાવ લાવવામાં વાર જરૂરથી લગાડતા હોય છે પણ તેનો મતલબ એવો નથી કે લોકોમાં ક્યારેય બદલાવ આવતો જ નથી. જેમ કે આ મુવીમાં અનેક પાત્રો જેમ જેમ મુવી આગળ વધે છે તેમ તેના વ્યક્તિત્વમાં બદલાવ લાવે છે. એક ઓવર પ્રોટેકટીવ પિતા ડ્રેક અંતમાં કઈ રીતે મેવીસને સ્વતંત્રતા આપે છે અને પોતાના વ્યક્તિત્વને બદલે છે તે શીખવા જેવું છે. તેની જૂની એક જ વિચારસરણી કે માનવી ખરાબ હોય છે તે વિચાર બદલાય છે અને તે માનવીઓને પણ સારા માનવા લાગે છે.
૨ દ્રષ્ટિકોણ
દરેક વ્યક્તિનો દરેક બાબત માટે દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. તમે લોકોને બદલાવી શકવાના નથી. તેથી લોકો જેવા છે તેવા જ તેને સ્વીકારવા લાગો. જો તમે કોઈ વ્યક્તિમાં કે તેના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવી શકવાના ન હોય તો તેની ફરિયાદ કરવાનો પણ કોઈ મતલબ નથી. જેમ કે ડ્રેક જોહની માનવી હોવાથી તે મેવીસનો પતિ બને તે વાત સ્વીકારી શકતો નથી. ત્યારબાદ ધીમે ધીમે તેનો માનવી પ્રત્યેનો અને જોહની પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય છે તેથી તે તેને સ્વીકારી લે છે. જરૂરી નથી કે બધા લોકો ડ્રેક જેવા જ હોય. એ જ રીતે જોહનીના પિતા પણ તેને સ્વીકારતા ન હતા. આ મુવીના બીજા ભાગમાં જયારે મેવીસ છુપાઈને તેના પિતાને બોલાવે છે અને તે બંનેનું પુનરમિલન થાય છે ત્યારે તેના પિતાનો જોહની પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાય છે. તેમજ પોતાના પુત્રને સ્વીકારવા લાગે છે.
૩ બદલાવની સ્વીકારણા
ઘણીવાર તમને કોઈ ચોક્કસ બદલાવ લાવવાની જરૂર હોય તે ખબર હોવા છતાં તમે તે બદલાવ લાવતા નથી અથવા કોઈ બદલાવ થયો હોય તેને સ્વીકારતા નથી. બની શકે ઘણા બદલાવ તમને હાલમાં નુકસાનકારક લાગતા હોય પણ તે બદલાવથી ભવિષ્યમાં ફાયદો થવાનો હોય. તેથી બદલાવને સ્વીકારતા શીખો. જેમ કે આ મુવીના અનેક પાત્રો જોહનીને કઈ રીતે સ્વીકારતા શીખે છે અને ડ્રેક કઈ રીતે તેની દીકરીની વિચારસરણીમાં આવતા બદલાવો સ્વીકારે છે તે તમે આ મુવીમાં જોઈ શકશો.
૪ ઝીંક
આપણે જેણે ઇનટ્યુશન કે અંત: સ્ફૂરણાના નામે ઓળખીએ છીએ તેને આ મુવીમાં ઝીંક એવું નામ આપવામાં આવ્યું છે. જોહની અને મેવીસને એકબીજા વચ્ચે પહેલી મુલાકાતમાં જ ઝીંક અનુભવાય છે. આ મુવી મુજબ જયારે તમને કોઈ બાબત માટે અંત:સ્ફૂરણા થાય ત્યારે કોઈપણ જાતના તર્ક લગાવ્યા વગર તેને અનુસરવું જોઈએ. મેવીસ એવો તર્ક વિચારતી નથી કે જોહની માનવી છે અને પોતે મોનસ્ટર છે. તે બંનેને બસ પ્રેમ થઇ જાય છે અને મુવી આગળ વધે છે.
મુવીના અન્ય બે ભાગો પણ છે. જેમાં મેવીસ અને જોહનીની લગ્ન થાય છે અને તેની ઘરે એકદમ તોફાની બાળક પણ જન્મે છે. આ એક એનીમેશન, કોમેડી મુવી છે. તેથી રીલેક્સ થઇ જવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની