Hidden Figures

hidden figures by darshali soni.jpg

હિડન ફીગર્સ સ્ત્રીશક્તિનું અદભૂત ઉદાહરણ

પુરુષપ્રધાન સમાજમાં ટકી રહેવા માટે સ્ત્રીઓએ કેટલી લડત આપવી પડે છે તેનો ઈતિહાસમાં ઉલ્લેખ છે જ. આફ્રિકન – અમેરીકન ત્રણ મહાન મેથેમેટીસ્યન મેરી, ડોરોથી અને કેથરીન નાસામાં પોતાનો હક મેળવવા કેટલી લડત આપે છે અને આ ત્રણ સ્ત્રીઓનો નાસાના સ્પેસ પ્રોગ્રામમાં કેટલો મહત્વનો રોલ છે તેની કહાની એટલે “હિડન ફીગર્સ”. પુરુષ અને સ્ત્રી વચ્ચે અસમાનતા, સ્કીનના રંગના કારણે ઉભા થતા મતભેદો, પુરુષનો સ્ત્રીની બુદ્ધીના કારણે ઘવાતો અહં અને અંતમાં જીત એટલે “હિડન ફીગર્સ”. આ મુવીનું ટાઇટલ જ ઘણું શીખવી જાય છે. દરેક વ્યક્તિની અંદર એક શક્તિ છુપાયેલી હોય જ છે. શેરલોક હુમ્સનો એક ડાયલોગ છે – “હું એન્જલની સાઈડ પર છું તેનો મતલબ એમ નથી કે મને ડેવિલ બનતા નથી આવડતું.” અહી તાત્પર્ય ડેવિલ કે એન્જલ બનવાનું નથી પણ જો સમાજ સ્ત્રીને સમજી ન શકે તો તેનો મતલબ એ નથી કે સ્ત્રી ચૂપ જ રહે અને પોતાના હક માટે ન લડે. આ મુવીમાં મેરી, ડોરોથી અને કેથરીનને પણ નાસામાં પોતાની આવડત પુરવાર કરવા માટે ખુબ જ પરિક્ષાઓ આપવી પડે છે. તો ચાલો આપણે પણ જાણીએ કે શું શીખવે છે આ ઓસ્કાર નોમીનેટેડ – “હિડન ફીગર્સ”:

1 No one can stop you

એક સ્ત્રી જયારે પોતાના સ્વપન માટે જીવે છે અને પોતાના ધ્યેય માટે જીવવા માંગે છે ત્યારે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ ખરેખર જે વ્યક્તિને તેના ધ્યેય પૂર્ણ કરવા છે તેને કોઈ ના રોકી શકે. સમય, વ્યક્તિ કે પરિસ્થિતિ પણ બાધક ન બની શકે. આ મુવીમાં મેરી, ડોરોથી અને કેથરીનને કોઈ રોકી શકે છે?

2 Be a rebel or not?

મર્લિન મનરો કહેતા કે “નોર્મલ ઈઝ બોરિંગ”. જો તમારા જીવનમાં બધું સામાન્ય જ થતું હશે તો શું જીવવાની મજા આવશે? જો તમે બધા લોકો કહે તેમ જ જીવતા હશો તો મજા આવશે? શું એક સામાન્ય માણસ બનીને જીવન જીવી જવાથી તમને સંતોષ મળશે? તમે જીવનના અંતમાં શું ઈચ્છો છો – અફસોસ કે સંતોષની લાગણી? આવા અનેક પ્રશ્નોના જવાબ આ મુવીમાં આપેલ છે. જો મેરી, ડોરોથી અને કેથરીનએ પોતાના હક અને આવડત માટે લડત ન આપી હોત તો?

3 Find a man with guts

આજકાલની સ્ત્રીઓ બે જ પ્રકારની માનસિકતા રાખી રહી છે. અમુક સ્ત્રી લગ્ન કરીને સાદગીથી જીવન વિતાવે છે તો અમુક સ્ત્રીઓને તેના સપનાઓ વધુ વહાલા છે. લગ્ન પણ એવા વ્યક્તિ સાથે કરવા જોઈએ કે જે તમારા સપનાઓને સમજે અને તમારી સાથે કદમ મિલાવીને સાથ આપે. પુરુષ હોય કે સ્ત્રી સપના તો દરેકના હોય જ છે. જીવનસાથી જીવનનો એક બહુ મહત્વનો ભાગ છે. જીવનસાથી એ જ તમારું આખું જીવન એવું નથી. આથી પ્રેમની સાથોસાથ તમારા સપનાને પણ તેટલું જ મહત્વ આપો તો વધુ સમજદારી કહી શકાય.આ મુવીમાં મેરી, ડોરોથી અને કેથરીનને એવા પતિ મળે છે કે જે તેઓને સમજી શકે?

4 You are the boss then act like one

આ મુવીમાં કેથરીનને જયારે નાસામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તે તેના બોસને પણ સત્ય કહેતા અચકાતા નથી. તમે જ તમારા જીવનના માલિક છો. જે સત્ય છે તેના માટે ક્યારેય ન શરમાવ. જો તમે તમારા હક માટે નહી લડો તો કોણ લડશે? તમે સ્ત્રી હોય કે પુરુષ – તમારા જીવનમાં શું કરવું અને શું નહી તેનો તમને સંપૂર્ણ અધિકાર છે. લોકો પર આધારિત રહેવાને બદલે તમારા જીવનની ચાવી તમારા હાથમાં જ લો અને ખરેખર જીવવાનું શરુ કરો.

5 Why?

જયારે સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતાની વાત આવે ત્યારે શા માટે દુનિયાની દરેક સ્ત્રીએ પોતાની આવડત અને લાયકાતને પુરવાર કરવી પડે છે? શા માટે તેને સમાજને ધ્યાનમાં રાખીને જ જીવવું પડે છે? આવા તો અનેક “Why” દરેક સ્ત્રીના મનમાં હશે જ. આ મુવીમાં શું મેરી, કેથરીન અને ડોરોથીને તેના “Why”ના જવાબો મળે છે?

આ મુવીમાં સ્ત્રીની સરાહના છે અને સત્ય ઘટના છે એટલે જોવું જોઈએ – એવું કહેવું ખોટું છે. આ ઉપરાંત અહી સ્ત્રી તરફેણની જ વાત છે તેવું પણ નથી. હાલમાં સમાજ બદલાઈ રહ્યો છે અને સ્ત્રી પુરુષમાં સમાનતા આવી જ રહી છે. આ મુવી તો એટલે જોવું જોઈએ કે તમે તમારા માંહ્યલામાં ઝાંખીને જોઈ શકો કે તમે ખરેખર સમાજની સાથે બદલાયા છો કે એ જ જૂની માનસિકતાઓ તમારા મનના ઘરમાં રાજ કરે છે.

આભાર

દર્શાલી સોની