“હર” – ક્યારેય ટેકનોલોજીના પ્રેમમાં પડયા છો?
ટેકનોલોજીએ દુનિયા બદલાવી નાખી છે, સંબંધો બદલાવી નાખ્યા છે, સ્વભાવ અને દ્રષ્ટિકોણ પણ બદલાવી નાખ્યા છે. આવા સમયે એકવાર તો વિચાર આવે જ કે માનવી માનવી પર આધારિત હોવાને બદલે ટેકનોલોજી પર આધારિત થઇ ગયો છે. આપણને એકલા રહેવું ચાલશે પણ ટેકનોલોજી અને ઇન્ટરનેટ વગર રહેવું નહી ચાલે. જયારે આપણે આવા જ સમયમાં જીવી રહ્યા છીએ ત્યારે ૨૦૧૩માં આવેલું “હર” મુવી વિશે લખવાનું મન થયું.
આ મુવીમાં આમ તો બે પાત્રો છે. થીયોડોર – એક કંપનીમાં લેખક તરીકે નોકરી કરતો હોય છે. આ કંપની પણ જુઓ કેવી. માની લો કે તમારી પત્નીનો જન્મદિવસ આવી રહ્યો છે અથવા તો તમારા લગ્નને ૨૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે અથવા તો તમારા પૌત્રનો જન્મ દિવસ છે. તમને કઈ રીતે લાગણીઓ દર્શાવવી તે નથી ખબર. તેથી આ કંપની તમારા વતી જે-તે વ્યક્તિને પત્ર લખી આપે છે. તમારી લાગણીઓને વાચા આ કંપની આપે છે. મુવીમાં થીયોડોર આવા અનેક લોકોની લાગણીઓને કાગળ પર ઢાળે છે. ટેકનોલોજીનું મુવી છે એટલે તમે મુવીમાં જોશો કે થીયોડોર તેના ક્લાયન્ટ પાસેથી મળેલ માહિતી સમજીને પોતાની લાગણીઓ બોલશે અને કમ્યુટરની સ્ક્રીન પર તે બધું જ લખાતું જશે.
ઇત્ફાક જુઓ – થીયોડોર એક એવો લેખક છે કે જે દરેક વ્યક્તિની લાગણીઓને સમજીને બોલી શકે છે પણ પોતાના વ્યક્તિગત જીવનમાં તે એકલો છે. તેની લાગણીઓ શેર કરવા માટે તેની પાસે કોઈ નથી. તેની પત્ની સાથે તેના છૂટાછેડા થવાના હોય છે. તેનું રૂટીન સરળ છે – નોકરી, ઘરે જઈને ગેમ અને રાતની એકલતામાં ટેકનોલોજી.
આવા સમયે તે એક જાહેરાત જુએ છે – આર્ટીફીસ્યલ ઈન્ટેલીજન્સની. અત્યારે જેને તમે એપલની સીરીના નામે ઓળખો છો. અથવા તો એમેઝોનની એલેક્સાના નામે ઓળખો છો. જેને એઆઈ પણ કહેવામાં આવે છે. થીયોડોર આ એઆઈ ટેકનોલોજી વસાવે છે. તેમાં તેને સમાન્થા એઆઈ તરીકે મળે છે. માનવીએ ટેકનોલોજી એટલા એડવાન્સ લેવલની બનાવી છે. તે એક વાસ્તવિક છોકરીની જેમ જ થીયોડોર સાથે વાત કરે છે, લાગણીઓ વ્યક્ત કરે છે, તેને સમજે છે, તેને હસાવે છે અને પ્રેમમાં પણ પડી જાય છે.
હા, થીયોડોર એક એઆઈ સમાન્થાના પ્રેમમાં પડે છે. તેને ખબર છે કે આ વાસ્તવિક નથી. પણ તેની એકલતા અને લાગણીઓની સામે આ વાસ્તવિકતા ટકી શકતી નથી. મુવીનો અંત શું હશે તે તમે વિચારી જ શકો છો. ટેકનોલોજી સાથે પ્રેમ કરીને લગ્ન તો નથી જ કરાતા. પણ આ મુવીમાં એક મહત્વની વાત સમજાવવામાં આવી છે. – આજનો માનવી એટલો એકલો પડી ગયો છે કે તેને જીવવા માટે, લાગણીઓ વ્યક્ત કરવા માટે અને પ્રેમમાં પડવા માટે ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. આ આપણે જ તો ઉભું કરેલું છે. ચાલો જાણીએ શું શીખવે છે એક માનવી અને ટેકનોલોજી:
૧ જરૂરિયાતો અને સાધનો
તમારે ગીત સાંભળવું છે? મ્યુઝીક એપ્સ છે, તમારે હસવું છે? યુટ્યુબ અને ટીકટોક છે. તમારે મેડીટેશન કરવું છે? – મેડીટેશન માટેની એપ્સ છે. તમારે પ્રેમમાં પડવું છે? તેની પણ એપ છે. તમારે કંઇક શીખવું છે – અનેક વેબસાઈટ છે. ટૂંકમાં તમારી જીવનની દરેક જરૂરિયાત ટેકનોલોજી પૂરી કરી રહી છે. તેથી જ તો માનવી સામે માનવીનું મહત્વ ઘટવા લાગ્યું છે. થીયોડોર પાસે કોઈ નહોતું ત્યારે જ તેણે ટેકનોલોજીનો સહારો લીધો હતો ને. ક્યારે આપણે ટેકનોલોજી કરતા આપણી આસપાસની દુનિયા અને લોકોને જોઈશું અને સમજીશું?
૨ લાગણીઓ
કોઈવાર એવો પ્રશ્ન થાય કે લાગણીઓ કેટલી છીછરી છે? થોડો પ્રેમ, કાળજી અને ખુશી મળી જાય એટલે કોઈના પણ પ્રેમમાં પડી જઈએ? કોઈને પણ પોતાના બનાવી લઈએ? લાગણીઓ આટલી છીછરી ક્યારથી બની ગઈ? કદાચ લાગણીઓનો અભાવ જ માનવીને આટલો નબળો બનાવી દે છે. જે રીતે થીયોડોરને એક સીસ્ટમ સાથે પ્રેમ થઇ ગયો તે શું સાબિત કરે છે?
તમે જોકર મુવી જોયું હશે તેવું માની લઈએ. તેનો અભિનેતા ઓકીન ફીનીક્સ આ મુવીમાં થીયોડોર તરીકે જોવા મળશે. તેમજ તમને સમાન્થાનો મીઠો સ્વર સાંભળવા મળશે તે સ્કારલેટ જોહ્ન્સન દ્વારા અભિનીત છે. મુવીને ઓસ્કાર મળેલો છે. કોઈવાર આવા મુવી પણ જોઈ લેવા જોઈએ.
આભાર
દર્શાલી સોની