Hancock

hancock by darshali soni.jpg

હેન્કોક - એક સુપરહીરોની કહાની

૨૦૦૮માં આવેલું વિલ સ્મિથનું સુપરહીરો તરીકે આવેલું મુવી એટલે હેન્કોક. આ મુવીમાં વિલ સ્મિથ જોહન હેન્કોક નામનો એક સુપરહીરો હોય છે. તેની પાસે અનેક પ્રકારના સુપરપાવર છે. પણ તે આદર્શ સુપરહીરો ન કહી શકાય. કારણ કે આ મુવીમાં જોહન હેન્કોક સુપરહીરો તો છે પણ તે આખો દિવસ દારૂ પીવે છે અને શહેરની મોટી મોટી ઈમારતો પણ તોડી નાખે છે.

એક વખત જોહન એક વ્યક્તિ અને તેના દીકરાને ટ્રેનથી મરી જતા બચાવી લે છે. તે વ્યક્તિનું નામ રે હોય છે. તે પબ્લિક રીલેશનનું કામ કરતો હોય છે. રે જોહનને પોતાની ઘરે લઇ જાય છે અને તેની પત્ની મેરીને મળાવડાવે છે. અહી જ મૂવીનું ટ્વીસ્ટ આવે છે. હકીકતમાં જોહન અને મેરી બંને પાસે સુપરપાવર હોય છે. જોહન અને મેરી એન્જલસ હોય છે. પણ જોહન એક એકસીડન્ટના કારણે ૮૦ વર્ષ સુધી ઊંઘમાં સરી પડે છે અને મેરી રે સાથે લગ્ન કરીને એક સામાન્ય જીવન વિતાવવા લાગે છે.

રે જોહનની ખરાબ સુપરહીરો તરીકેની છાપ સારી કરવા માટે પોતે તેનું પબ્લિક રીલેશન સંભાળે તેવી ઓફર કરે છે. શરૂઆતમાં જોહન તો ના જ પાડે છે અને અંતે તે રે ની વાત માની જાય છે. કઈ રીતે જોહન એક ખરાબ સુપરહીરોમાંથી આદર્શ સુપરહીરો બને છે તેમજ તેની અને મેરીની પ્રેમ કહાનીનો શું અંત આવે છે તેની કહાની એટલે હેન્કોક. ચાલો જાણીએ શું શીખવાડે છે હેન્કોક:

૧ બધાથી અલગ

જોહન બાકી બધા સુપરહીરોની જેમ આદર્શ હીરો નથી. તે શહેરમાં તોડફોડ કરીને કરોડોની નુકસાની કરે છે. આખો દિવસ દારૂ પીને રખડ્યે રાખે છે. આમ છતાં જયારે પણ શહેરને તેની મદદની જરૂર પડે ત્યારે તે મદદ કરવા તો હાજર થઇ જ જાય છે. જરૂરી નથી કે બધા જ મહાન લોકોના આદર્શો અને ગુણોને અનુસરવા. તમે બધા કરતા અલગ પણ હોય આમ છતાં લોકોને મદદ પણ કરતા હોય અને સફળ પણ હોય તેવું બની શકે.

૨ નસીબ

આ મુવીની સુપરવુમન મેરી નસીબ વિશે ખૂબ જ સુંદર વાત કરે છે. તે એક સીનમાં કહે છે કે બધું નસીબ પર જ આધારિત હોતું નથી. આપણા જીવનમાં શું થશે અને શું નહિ તે બધું નસીબ જ નક્કી નથી કરતું. આપણને પસંદગીની તક હંમેશા મળતી જ હોય છે. તમારે કેવી જિંદગી જોઈએ છે તે તમારે નક્કી કરવાનું છે. જેમ કે મેરી પાસે સુપરપાવર હોવા છતાં તેણે એક સામાન્ય જીવન પસંદ કર્યું.

૩ જાતની શોધ

હેન્કોક પોતાની જાતને ભૂલી ગયો હોય છે. તે જયારે મેરીને મળે છે ત્યારે ધીમે ધીમે પોતાની જાતને શોધે છે. તેમજ તે પોતાના જીવનનો હેતુ પણ સમજી શકે છે. ઘણીવાર આપણે આપણા રૂટીનમાં જ એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણી ખરી જાતને ભૂલી જઈએ છીએ. પોતાની જાતની શોધ શા માટે જરૂરી છે તેની પ્રેરણા હેન્કોકનું પાત્ર આપશે.

૪ બલિદાન

જીવનમાં તમારી આસપાસના લોકોની ખૂશી માટે તમારી ઇચ્છાઓનું બલિદાન આપી દો તે સારી બાબત કહી શકાય. અંતમાં તો બધાને બલિદાનથી સારું ફળ જ મળે છે. મેરી પણ પોતાની સુપરપાવરની શક્તિનું બલિદાન આપીને એક સરળ અને સામાન્ય જીવન પસંદ કરે છે.

૫ સુપરહીરો

તમારો સુપરહીરો કોણ છે? શું તમે જ તમારા સુપરહીરો છો? સુપરહીરો બનવા માટે જરૂરી નથી કે તમારી પાસે સુપરપાવર હોવા જ જોઈએ. તમે લોકોને નાની નાની મદદ કરીને પણ એક સારા વ્યક્તિ બની શકો.

વિલ સ્મિથ તમારો મનગમતો અભિનેતા હોય તો એકવાર તો હેન્કોક મુવી જોવું જ જોઈએ. વિલ સ્મિથના અન્ય મુવીઝ જેવા કે - સેવન પાઉન્ડસ, કોલેટરલ બ્યુટી, એમઆઈબી જેવા ઘણા સારા મુવીઝ પણ તમારા લીસ્ટમાં ઉમેરી શકો.

આભાર

દર્શાલી સોની