Green book

green book by darshali soni.jpg

ગ્રીન બુક - એક સામાન્ય પણ અનોખી કહાની

૨૦૧૮માં આવેલા આ મસ્ત મજાના મુવીને અત્યાર સુધીમાં ૩ ઓસ્કાર મળી ગયા છે. તમને જાણીને નવાઈ થશે કે આ મુવી કોઈ રોમેન્ટિક સ્ટોરી કે સાયન્સ ફિક્શન ન હોવા છતાં ઓસ્કારમાં પોતાની જગ્યા બનાવી ગયું છે. આ મુવી ૧૯૬૨ની સત્ય ઘટના પર આધારિત છે. તે સમયમાં ગોરા લોકો અને નીગ્રો લોકો વચ્ચેનો ભેદભાવ હજુ શમ્યો ન હતો. તે જ સમયે જયારે નીગ્રો મજુરી કરતા હતા ત્યારે ડોક્ટર ડોન શેરિલ એક સફળ જેઝ પિયાનીસ્ટ હતા. તે નીગ્રો હોવા છતાં એક ઉત્તમ જીવન જીવી રહ્યા હતા.

ડોન શેરિલનું પાત્ર પ્રખ્યાત અભિનેતા મહેરશાળા અલીએ નિભાવેલ છે. તો વાર્તા કંઇક એવી છે કે ડોન શેરિલને એક મ્યુઝીક ટુર કરવાની થાય છે અને તેને એક ડ્રાઈવરની જરૂર હોય છે. બસ આ જ સમયે એન્ટ્રી થાય છે ટોની લીપની. જેનું સાચું નામ છે - ફ્રેંક એન્થની વેલાલોન્ગા. તે એક નાઈટ ક્લબમાં બાઉન્સર હોય છે. ટોની એક ઇટાલિયન - અમેરિકન પતિ કે જેને તેની પત્ની અને તેના બે બાળકોનું ગુજરાન ચલાવવાનું હોય છે. તેને બીજી નોકરી શોધવાની ફરજ પડે છે.  ત્યારે તેને નાણાની જરૂર હોવાથી નીગ્રોની એટલે કે ડોન શેરિલની ડ્રાઈવર તરીકેની ૨ મહિના માટેની નોકરી કરવા તૈયાર થઇ જાય છે. બસ ત્યાંથી જ શરુ થાય છે એક રોમાંચક અને સમજણભરી કહાની.

૧ નવા લોકો, નવા અનુભવો

મ્યુઝીક ટુર દરમિયાન ટોની અને ડોન અનેક લોકોને મળે છે. કેટલાંક નીગ્રોને આવકારે છે તો કેટલાક અનેક માન્યતાઓમાં બંધાયેલા નીગ્રોનો તિરસ્કાર કરે છે. ટોની અને ડોન પણ એકબીજાને સારી રીતે સમજવા લાગે છે અને એકબીજાને અનેક નવા અનુભવો આપી શકે છે. જેમ કે ડોન શેરીલે ક્યારેય ચીકન ચાખ્યું ન હતું અને ક્યારેય અમુક પ્રખ્યાત ગીતો સાંભળ્યા ન હતા. ટોની તેને આ બધી નવી દુનિયામાં લઇ જાય છે. એ જ રીતે ડોન પણ ટોનીને મ્યુઝીકની દુનિયામાં લઇ જાય છે અને તેની પત્નીને પત્રો લખવામાં મદદરૂપ થાય છે. ઘણીવાર નવા લોકો જ જીવનમાં એક અલગ ચેપ્ટર લઈને આવતા હોય છે.

૨ એકલતા

ડોન શેરિલનું કુટુંબ નથી. કદાચ તે જ પ્રખ્યાતીનો અભિશ્રાપ છે. ત્યારે એકવાર ટોની તેને કહે છે કે - "આ દુનિયા એવા એકલા લોકોથી ભરેલી છે કે જેમાં બધા લોકો પોતાની લાગણીઓને જતાવવામાં ડરે છે." આ વાત કેટલી સાચી છે - કોઈવાર આપણે આપણી લાગણીઓ વ્યક્ત ન કરીએ અને જીવનભર એકલતાનો ભોગ બની જતા હોઈએ છીએ.

૩ જીનીયસ

તમારા માટે જીનીયસ વ્યક્તિની વ્યાખ્યા શું છે? એક સફળ કારકિર્દી? પ્રખ્યાતી? ધનવાન હોવું? અહી ડોન શેરિલની વ્યાખ્યા અલગ છે. તેની પિયાનોમાં નિષ્ણાતતા હોવા છતાં તે લોકોના હ્રદય બદલવા ચાલી નીકળે છે. તે બધાના મગજમાંથી ગોરા લોકો અને નીગ્રો લોકોનો ભેદભાવ કાઢવા માંગતા હોય છે. તેથી જ તે આ મ્યુઝીક ટુર પર નીકળે છે. તેને પોતાને અનેક કડવા અનુભવ થાય છે - રેસ્ટોરન્ટમાં જમવા ન દેવાથી માંડીને હોટેલનો રેસ્ટરૂમ ન ઉપયોગમાં લેવા સુધીનો. આમ છતાં ખરો જીનીયસ તો હિંમતવાન હોય છે. ડોન શેરિલ પણ હાર માનતા નથી.

૪ અહિંસા

એવું નથી કે માત્ર ગાંધીજી જ અહિંસાનું મહત્વ સમજતા હતા. ડોન શેરિલનો પક્ષ લેવા જયારે પણ ટોની ગુસ્સે થઈને હિંસા પર ઉતરી જાય છે અને લોકોને મારવા લાગે છે ત્યારે ડોન શેરિલ તેને સમજાવે છે કે હંમેશા નમ્રતાથી લોકોને જીતી શકાય છે - નહી કે હિંસા. હિંસા કોઇપણ સ્વરૂપે હોઈ શકે છે - શાબ્દિક પણ. પણ શું તેનાથી ઉકેલ ખરેખર આવે છે? તો શા માટે તેને ધ્યાનમાં લેવી?

૫ વોટ એમ આઈ?

ડોન શેરિલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે એક નીગ્રો હોવાને લીધે. તે ગોરા લોકોની ઇવેન્ટમાં જઈને તેઓને ઉત્તમ પરફોર્મન્સ આપતા હોય છે અને તે જ લોકો તેનો તિરસ્કાર પણ કરે છે. તેથી તેને પોતાની જાત માટે વારંવાર એ પ્રશ્ન થતો રહે છે કે - પોતે ખરેખર કોણ છે? તેના હતાશાના સમયમાં ટોની તેનો સાથ આપે છે અને તેને ફરીથી પ્રોત્સાહન પણ આપે છે.

ટોનીનું પાત્ર વિગો મોટેશને નિભાવેલ છે. આ મુવીમાં દેખીતી રીતે તમને કઈ શીખવા નહી મળે પણ ઘણીવાર એવા મુવી પણ જોવા જોઈએ કે જે રીડ બીટવીન ધ લાઈન્સની રીતે ઘણું સમજાવી જતા હોય.

આભાર

દર્શાલી સોની