Grace of Monaco

grace of monaco by darshali soni.jpg

ગ્રેસ ઓફ મોનાકો – એક અભિનેત્રી, રાણીની કહાની

ઓસ્કાર વિનિંગ અભિનેત્રી પાસે શું ના હોય? – સુંદરતા, એક્ટિંગની આવડત, પ્રખ્યાતી, નાણા, ચહિતાઓ – બધું જ. માનો કે એક રાણી પાસે બધું જ હોય એવી રીતે. પણ જો તમે ફેરીટેલ વાંચી હશે તો એ પણ ખબર હશે કે બધું જ ધરાવતી રાજકુમારી પણ એક રાજકુમારની રાહ જોતી હોય છે. જે તેને લઇ જાય અને તેની સાથે લગ્ન કરે તેમજ ખૂબ જ પ્રેમ આપે. શું આવું જીવન મેળવી શકાય?

હા, ગ્રેસ કેલીને મળ્યું હતું આવું જીવન. ઓસ્કાર વિનિંગ ગ્રેસ કેલી તેની કારકિર્દીમાં ટોપ પર હોય છે. આ સમયે તે મોનાકોના પ્રિન્સ રેઇને સાથે લગ્ન કરે છે. એક અભિનેત્રીમાંથી એક રાણી બની જાય છે. કઈ રીતે ગ્રેસ કેલી આ નવી દુનિયામાં પણ પોતાની જાતને સાબિત કરે છે અને એક આદર્શ રાણી બનીને ઉદાહરણ બને છે તેની કહાની એટલે – “ગ્રેસ ઓફ મોનાકો”.

આ મુવી ૨૦૧૪માં આવેલું હતું. સત્ય કથા પર આધારિત આ મુવી – તમને હોલીવુડથી માંડીને એક સ્ત્રીના જીવનમાં લગ્ન પછી આવતા ફેરફારો વિશે ઘણું સમજાવી દેશે. તેમજ કઈ રીતે ગ્રેસ કેલી પોતાનું નવું જ અસ્તિત્વ બનાવશે અને સ્વીકારશે તે પણ તમને આ મુવીમાંથી શીખવા મળશે. મુવીમાં ગ્રેસ કેલીનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી નિકોલ કીડમેને નિભાવેલ છે. ગ્રેસ અને તેના પતિ રેઇને વચ્ચેનો સંબંધ, ગ્રેસનો તેના બાળકો સાથેનો સંબંધ, ગ્રેસનો એક માત્ર સલાહકાર – ફ્રાન્સીસ સાથેનો સંબંધ – આ બધું જ તમને કંઇક નાનું પણ મહત્વપૂર્ણ શીખવાડી દેશે. તો શરુ કરીએ:

૧ લગ્ન અને કારકિર્દી

આજના જમાનામાં તો ઠીક પણ ભૂતકાળમાં પણ એક વર્કિંગ વુમન જયારે લગ્ન કરી લે છે ત્યારે તેની કારકિર્દીમાં ઘણા બદલાવ આવી શકે છે. કેવા બદલાવ આવે છે, સ્ત્રી તે બદલાવને કેવી રીતે સ્વીકારે છે કે પછી તેનાથી ભાગે છે કે પછી કારકિર્દી જ મૂકી દે છે? ગ્રેસ કેલીને પોતાનું હોલીવુડની કારકિર્દી મૂકવી પડે છે. કારણ કે તે રાણી છે? કારણ કે તેને તેના પતિને મોનાકો બચાવવા માટે સાથ દેવાનો હોય છે? શા માટે ગ્રેસ કારકિર્દી છોડે છે?

અત્યારે સમાજમાં અનેક સફળ ઉદાહરણ છે જેણે લગ્ન પછી પણ ઉત્તમ કામ કર્યું હોય જેમ કે – પ્રિયંકા ચોપરા, કાજોલ, ગૌરી ખાન. ખરેખર લગ્ન એ તમારા જીવનનો એક ભાગ છે કે પછી આખું જીવન જ? એકવાર વિચારી જુઓ.

૨ રીટ્રાન્સફોર્મેશન

જીવનમાં દરેક તબ્બકામાં તમારે તમારી જાતને સાબિત કરવાની હોય છે. ક્યારેક તમે જે છો તેના કરતા કંઇક અલગ બનવું પડે છે. ક્યારેક તમારા આખા અસ્તિત્વને મિટાવીને કોઈ નવું જ વ્યક્તિ બનવું પડે છે. જીવનમાં આ વ્યક્તિત્વનું જન્મ-મરણ સતત ચાલતું જ રહે છે.

એક સામાન્ય છોકરી હોલીવુડની અભિનેત્રી બની જાય છે. પછી તે જ સામાન્ય છોકરી મોનાકોની રાણી બની જાય છે. તે જ સામાન્ય છોકરી મોનાકોનું પ્રતિનિધિત્વ કરીને રાજકારણની સમસ્યાઓને ઉકેલવા લાગે છે. એક સ્ત્રીમાં કેટલી હદે ટ્રાન્સફોર્મેશન આવી શકે છે તે તમે આ મુવીમાં જોઈ શકશો. ગ્રેસ કેલી એક સ્વતંત્ર વિચારોવાળી અને પોતાની વાત કોઈ જાતના ડર વગર રજુ કરનારી સ્ત્રી હતી. તેની સામે તેને એક રાણી બનવા માટે ટ્રેઈનીંગ લેવી પડી. ભાષાથી માંડીને હાલચાલ, એટીકેટસ, લાગણીઓ રજુ કરવાની રીત – બધું જ. તમને પણ ક્યારેક જીવનમાં રીટ્રાન્સફોર્મેશનની જરૂર લાગશે. ત્યારે તૈયાર રહો.

૩ જીવનના પીલર્સ

આપણા જીવનમાં અમુક પસંદ કરેલા લોકો એવા હોવા જોઇએ કે જીવનના દરેક તબક્કામાં કામમાં આવે. જે તમને ખોટા રસ્તેથી પણ વાળી શકતા હોય. જે તમને જરૂર પડે પ્રોત્સાહન પણ આપી શકતા હોય. ગ્રેસના જીવનમાં ફ્રાન્સીસ હતા. જે તેને હંમેશા સાચી રાહ દેખાડતા હતા. ગ્રેસને અરીસો દેખાડતા હતા. જેથી કરીને ગ્રેસ એક આદર્શ પત્ની, રાણી અને માતા બની શકે. જો તમારા જીવનમાં આવા કોઈ પીલર્સ ના હોય તો શોધી લો. જે તમારી સાથે પિલરની જેમ અડીખમ ઉભા રહે. તમને સાથ આપે.

૪ આદર્શ વ્યક્તિ

જીવનમાં ખરેખર આદર્શ વ્યક્તિ જેવું કઈ હોય છે? શું તમે એવા વ્યક્તિ બની શકો જેને બધા જ લોકો પસંદ કરે. શું ગ્રેસ એક આદર્શ રાણી બની શકે છે? ખરેખર આદર્શની વ્યાખ્યા શું? – બધાને ગમે તેવા બની જવું? બધા તમારાથી પ્રેરણા મેળવે તેવા બની જવું? શું તમે આદર્શ વ્યક્તિ બનવા માંગો છો? શું ગ્રેસ કેલી એક આદર્શ ઉદાહરણ બની શકે છે?

આ બધા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે એક વાર મુવી જોઈ લો.

આભાર

દર્શાલી સોની