Gone Baby Gone

gone baby gone movie talk by darshali soni.jpg

ચાર વર્ષની અમાન્ડા ગાયબ થઈ જાય છે. શહેરનું નાનું છે. લોકો શોધવા નીકળી પડે છે. પોલીસ હાર માની લે છે. જાસૂસ પણ પ્રયત્નો કરે છે. આમ છતાં અમાન્ડા નથી મળતી અમાન્ડા શા માટે ગાયબ થઈ ગઈ તે કોઈને ખબર નથી. આમ પણ ચાર વર્ષની છોકરીને કિડનેપ કરીને શું કરી લેવાનું?

એમાં પણ જો તેની માતા ડ્રગ અને દારૂના નશામાં ડૂબેલી રહેતી હોય તો તેની પાસે નાણાં પણ નથી હોવાના. તો આવી છોકરીને કિડનેપ કરીને કંઈ ફાયદો નથી. 

ચાર વર્ષની અમાન્ડા મળે છે કે નહીં, અમાન્ડા ગાયબ શા માટે થઇ જાય છે આ બધા જ જવાબ જાણવા માટે તમારે આ મૂવી જોવાનું છે. જેનું નામ છે ગોન બેબી ગોન. આ મુવી મને એટલા માટે ગમે છે કારણ કે તેમાં બાળકોના ઉછેર માટે કેટલાક એવા જરૂરી માપદંડ છે જે મોટાભાગના માતા-પિતા અવગણી દેતા હોય છે.

લોકોને એવું લાગે છે કે બાળકને જન્મ આપી દેવો એટલે કામ પૂરું થઇ ગયું. તેની જાતે જ તેઓ મોટા થઈ જશે. તેમાં માતા-પિતાની કારકિર્દી, તેનું વ્યક્તિત્વ, તેનો સ્વભાવ, તેની લાગણી- તેનો કોઈ જ પ્રભાવ બાળક પણ નથી હોતો?

જો કે આ વિચારો હવે ઘણા અંશે બદલાઈ ગયા છે. પણ પહેલાંના સમયમાં આવા વિચારો પણ નહોતા કરવામાં આવતા. એવા સમયની આ વાત છે.

જે સ્ત્રીને પોતાની જાતનું ભાન ન હોય, જે સ્ત્રી આખો દિવસ ડ્રગ્સમાં ખોવાયેલી રહેતી હોય, તે સ્ત્રી તેની ચાર વર્ષની દીકરીને તો નથી સાંભળી શકવાની. વિદેશમાં અને ભારતમાં આવા અનેક ઘરો છે કે જે આ માતા કે પિતા પોતાની જવાબદારી ભૂલી ગયા હોય છે. જેના કારણે બાળકોની જિંદગી બગડે છે, તેની કારકિર્દી બગડે છે.

 આ મુવી જોયા બાદ તમને પણ એકવાર તો વિચાર આવશે કે તમે તમારા બાળકોનો ખરો ઉછેર કરેલો છે કે નહીં. અમાન્ડાની વાત કરીએ તો ચાર વર્ષની અમાન્ડા ગુમ થઈ જાય છે. ત્યાર બાદ તેની આંટી તેને શોધવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે, જાસૂસની પણ તે જ નિમણૂક કરે છે. અનેક પ્રયત્નો પછી બધાને એવું લાગવા માંડે છે કે અમાન્ડા મૃત્યુ પામી હતી.

પણ ધીમે ધીમે પતા ખુલવાના ચાલુ થાય છે અને લોકોને એવી ખબર પડે છે કે અમાન્ડા માતા જે ડ્રગ કાર્ટેલમાં ફસાયેલી હતી તે જ લોકોએ કદાચ અમાન્ડાને કિડનેપ કરી લીધી હશે પણ સત્ય તો આ પણ નથી. 

ખરું સત્ય શું છે અને આ સત્યમાં પોલીસનો રોલ શું છે? જાસૂસનો રોલ શું છે? અને આવો રોલ હોય પણ શકે? આવા પ્રશ્નો તમને જરૂર થશે. આ મુવીમાં મોર્ગન ફ્રીમેન અભિનેતા તરીકે હોવાથી આ મુવી જોવું જ રહ્યું.

મારે એ નથી જણાવી દેવું કે અમાન્ડા મળી ગઈ કે નહીં કારણ કે હું કહી દઈશ તો તમને મૂવી જોવાની મજા નહિ આવે. હા, અમુક બાબતો છે જે હું જરુરથી કહીશ કે જે મુવીમાંથી શીખવા જેવી છે. જેમકે તમે બાળકોનો ઉછેર કેવી રીતે કરો છો, તેના પર ધ્યાન આપો, એક વાર બાળકને જન્મ આપી દીધા બાદ તમારી જિંદગી ખાલી તમારા સુધી સીમિત નથી, એ સમયે તમારા દરેક વર્તનની અસર તમારા બાળક પર થતી હોય છે. તેથી તમે કેવું વર્તન કરો છો શું કામ કરો છો તેના પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.

 તમે હાલમાં માતા પિતા ન હો તો પણ આવી બધી બાબતો શીખવી જરૂરી છે. તમારી નાની બહેન કે નાનો ભાઈ કે પછી તમે જ્યાં કામ કરો છો તમારી નીચે જે લોકો કામ કરે છે એમાં પણ આ જ સાઇકોલોજી અનુસરતા હોય છે.  જેથી એ સમજવુ ખુબ જ જરુરી છે કે તમારા વ્યક્તિત્વની અસર દરેક વ્યક્તિ પર થાય છે તેના પ્રત્યે સજાગ રહો.

મૂવીમાં એક પડાવ એવો આવે છે કે જ્યારે મુખ્ય પાત્ર પાસે બે વિકલ્પો હોય છે અમાન્ડાના  જીવનને સુધારવું અથવા અમાન્ડાના જીવનને બગાડવું. જ્યારે તમારા જીવનનો નિર્ણય કોઈ બીજો વ્યક્તિ લેતું હોય ત્યારે તેના ફાયદા અને નુકસાન બંને છે.

અમાન્ડા સાથે શું થાય છે એ જોવા માટે તમારે મુવી જોવું રહ્યું. પણ મુવીનો અંત તમને સુખની લાગણી તો નહીં જ આપે. 2007માં આવેલું મૂવી જુનું છે. પણ ક્યારેક આવા મુવી જોવાથી આંખો ખૂલી જતી હોય છે. આસપાસ એવા લોકો દેખાવા લાગતા હોય છે કે જે આવી ભૂલો કરે છે અથવા તો કરી હતી.

એક વાર થોડો અલગ દ્રષ્ટિકોણ વિકસાવવા પણ આ મૂવી જરૂર જોવું જોઈએ. અને તમને જાણીને નવાઈ થશે કે પ્રખ્યાત અભિનેતા બેન એફ્લેક દ્વારા આ મુવી બનાવવામાં આવ્યું છે. તેના જેવું વ્યક્તિ જ્યારે આ મૂવી બનાવે છે ત્યારે તે જોવું જરૂરી બની જાય.