God father

godfather by darshali soni.jpg

ગોડફાધર - નામ કાફી હે!

અત્યાર સુધી રોમેન્ટિક, સાઈ-ફાઈ, એક્શન, ઇન્સ્પીરેશલ મુવીઝ તો તમે બહુ જોઈ લીધા હશે. આજે ચાલો ૧૯૭૨ના એક એવા મૂવીની વાત કરીએ જેની બોલીવુડમાં બહુ સારી રીતે નકલ કરવામાં આવી છે. કયું મુવી તે મારે કહેવાની જરૂર નથી. તેમાં અમિતાભ બચ્ચન હતા તેટલું કહી દઉં ચાલો.

૧૯૭૨માં આવેલું આ મુવી ત્રણ ઓસ્કાર જીતી ચુક્યું છે. હજુ સુધી પણ હોલીવુડમાં આ મુવી કેટલું પ્રખ્યાત છે તે મારે કહેવાની જરૂર નથી. તેમાં પણ જે મુવીમાં અલપચીનો હોય તેની તો વાત જ ના થાય. તો ચાલો હું તમને આ મસ્ત મજાના મૂવીની વાત કરું.

એક ગેંગસ્ટર ફેમીલી. જેની દરેક શહેરમાં દાદાગીરી હોય છે. લોકો તે ડોન કોર્લીઆનોને ગોડફાધરથી બિરદાવતા હોય છે. જે સમસ્યા કોઇથી ના ઉકેલાય તે ડોનની એક ગનથી, તેના વાક્યોથી અને તેના લોકોથી ઉકેલાય જાય. ઇટાલીઅન કોર્લીઆનો ફેમીલી બહુ મોટું. ડોન વીટોના બધા દીકરા ગેંગસ્ટર જ સિવાય કે એક - માઈકલ. તે આર્મીમાં હોય. અને ડોનની દીકરીના લગ્ન પણ મુવીના પહેલાં ભાગમાં જ દેખાડવામાં આવે છે.

આમ જોવા જઈએ તો મુવીમાં મુખ્ય પાત્રો એટલે - ડોન, માઈકલ, ગુસ્સાવાળો ભાઈ શની, ટોમ કે જે વકીલ તરીકે કામ કરે અને બધા વિલન જેવા કે - બારઝીની, તતાલિયા ફેમીલી, સોલેઝો અને બીજા ઘણા.

માઈકલનું પાત્ર અલપચીનોએ નીભાવેલું છે. મુવીનો આ પહેલો ભાગ પ્રસ્તાવના છે તેવું કહી શકાય. કઈ રીતે ડોનનો એક નિર્ણય રમખાણ મચાવે છે, કઈ રીતે માઈકલ ડોનની જગ્યા લે છે, શનીનું મૃત્યુ કઈ રીતે થાય છે, માઈકલના લગ્નજીવનમાં આવતા ફેરફાર અને છેલ્લે માઈકલ પોતે જ ગોડફાધર છે તે સાબિત કરતો અંતિમ દાવ. તમને એમ થશે કે વળી આવા મુવીમાંથી તો શું શીખવાનું? તો તે જ કહું તમને:

૧ રીઅલ મેન

સ્પષ્ટ શબ્દોમાં તમે ખરો પુરુષ કોને કહેશો? - "જે વ્યક્તિ પોતાના કુટુંબ સાથે સમય વિતાવે અને તેઓને મહત્વ આપે તે જ સાચો પુરુષ કહેવાય." ડોનના મતે. જો કે આ મુવીમાં ફેમીલીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. અને કદાચ આપણા આજના યુવાવર્ગમાં આ વાત જ ખૂટી રહી છે. એકવાર શાંતિથી વિચારજો કે શું તમે રીઅલ મેન છો કે પછી તમારા ઘરમાં એવું કોઈ વ્યક્તિ ખરું? ના હોય તો આ મુવી સારા અર્થમાં દેખાડી દો.

૨ ઓફર

આ મુવીનો એક પ્રખ્યાત ડાયલોગ છે - હું તેને એવી ઓફર આપીશ કે જે તે નકારી નહી શકે." તમે કોઇપણ ધંધો કરતા હો તમારી વાટાઘાટની કળા એટલી સરસ હોવી જોઈએ કે કોઈ તમને ક્યારેય ના ન પાડી શકે. તેના માટે તમારે જે કોઇપણ ચાણક્ય નીતિ વાપરવી પડે તે વાપરવાની. આવું તો ઘણું તમને આ મુવી શીખવાડશે.

૩ જસ્ટીસ

ન્યાય- કેવો સસ્તો શબ્દ થઇ ગયો છે ને? અનેક મુવીઝ અને પુસ્તકો અને લેખોને કારણે આ શબ્દ ચવાઈ ગયો હોય તેવું લાગે છે. તમારા માટે ન્યાયની વ્યાખ્યા શું છે અને શું હોવી જોઈએ તે જાણવા માટે આ મુવી જૂઓ. ઘણીવાર હારી જવામાં તો ઘણીવાર ચાલ રમી જવામાં સાચો ન્યાય હોય છે.

૪ પરિવર્તન

એક એવો વ્યક્તિ કે જે ક્યારેય ગેંગસ્ટર બનવાનો નહોતો. પણ સમય અને સંજોગો તેને આ દુનિયામાં ધકેલી દે છે  - માઈકલ. મારા એક ગુરુ હંમેશા મને એમ કહે કે - જે બાબતો આપણા કાબૂમાં નથી તેને આપણે કાબૂ કરવાનો શા માટે પ્રયત્ન કરવો જોઈએ? ઘણીવાર માનવીના વ્યક્તિત્વનું પરિવર્તન પણ તેના હાથમાં નથી હોતું. જે રીતે માઈકલના હાથમાં નહોતું. તે જ રીતે ડોનનું નિવૃત્તિ સમયનું વ્યક્તિત્વ તમને થોડીવાર માટે આશ્ચર્યચકિત કરી આપશે.

૫ વિશ્વાસ

મે ક્યાંક સાંભળ્યું હતું - વિશ્વાસ એટલે વિષનો વાસ. કોર્લીઆનો ફેમિલીમાં બધું વિશ્વાસ પર જ ચાલતું હતું. કારણ કે ગેંગસ્ટરની દુનિયા તેવી જ હોય. ક્યારેક સૌથી નજીકનો વ્યક્તિ તમારો વિશ્વાસઘાત કરી જાય તો ક્યારેક સાવ દૂરનો વ્યક્તિ તમને જીવનભર માટે સાથ આપી જાય તેવું પણ બની શકે. માઈકલ સાથે શું થાય છે તે માટે તમારે આ મુવી જ જોવું રહ્યું.

ટૂંકમાં સમજવાનું એટલું છે કે મુવી તો દરેક પ્રકારના આવવાના છે - તમારે તેમાંથી શું શીખવું છે તે તમારે નક્કી કરવાનું છે. શા માટે આટલું જુનું મુવી પસંદ કર્યું? - કોઈવાર જુનું જ સોનું હોય છે તેથી કદાચ.

આભાર

દર્શાલી સોની