Gifted

gifted by darshali soni.jpg

ગીફ્ટેડ  - ફ્રેંક અને મેરીની નાની પણ સુંદર જીવનયાત્રા

શું તમે તેયાર છો એક સુંદર મજાની નાની એવી ચુલબુલી મેરીની જીવનયાત્રા જાણવા માટે? તો ચાલો શરુ કરીએ: એક ફ્લોરીડા નામનું સુંદર મજાનું શહેર હતું. તેમાં મેરી અને તેના મામા ફ્રેંક સાથે રહેતા હતા. મેરીની માતા મહાન ગણિતજ્ઞ હતી. તેનું મૃત્યુ થતા મેરી તેના મામા ફ્રેંક સાથે રહેતી હતી.

દરેક બાળકમાં કંઇક ખૂબી, આવડત કે કળા હોય જ છે. મેરી પાસે પણ એક ખુબ જ સરસ કુદરતની દેણ હતી: ગણિત. તેની માતા અને નાની ગણિતજ્ઞ હોવાથી તેનામાં પણ નાની ઉંમરે આ કળા વિકસિત હતી. ફ્રેંક અને મેરી એક મધ્યમ વર્ગનું જીવન જીવતા હતા. ફ્રેંકને મેરીની આ અમુલ્ય કળાની ભેટ ખબર હોવા છતાં તે મેરીને એક સામાન્ય જીવન આપવા માંગતા હતા. મેરી અસાધારણ રીતે પ્રતિભાશાળી હતી તેની જાણ તેને એક સામાન્ય શાળામાં દાખલ કરવામાં આવી ત્યારે તેના નાનીને થઇ. તેના નાની ખુબ જ ધનવાન હોવાથી તે મેરીને આવા પ્રતિભાશાળી લોકોની શાળામાં ભણાવવાનું ફ્રેંકને કહ્યું. પણ ફ્રેંકએ તે વાતનો અસ્વીકાર કર્યો. તે મેરીને એક સામાન્ય પણ સંતોષ અને ખુશીથી પરિપૂર્ણ જીવન આપવા માંગતા હતા.

મેરીના નાનીએ આ વાતનો વિરોધ કરી મેરીની કસ્ટડી લેવા માટે કેસ દાખલ કર્યો. જેમાં મેરીને કોઈ ધનવાન અને શિક્ષીત કુટુંબમાં રહેવા મળે તેવી દરખાસ્ત કરી. ફ્રેંક આ કેસ હારી ગયા. મેરીને ફ્રેન્કને છોડીને જવું પડ્યું. ઘણી બધી મુશ્કેલીઓ પછી અને અંતમાં દરેક મૂવીની જેમ હેપી એન્ડીંગ તરીકે ફ્રેંક મેરીને પોતાની પાસે લઇ આવે છે અને બધા રાજીખુશીથી જીવન જીવે છે.

હવે તમને થશે કે આવા સરળ મુવીમાંથી શું શીખવાનું?

૧ અસામાન્ય કે સામાન્ય જીવન?

ભગવાને તમને કોઈ અમુલ્ય કળા કે ભેટ આપી છે તેનો ઊપયોગ કઈ રીતે કરવો અને તમે કેવું જીવન જીવવા ઈચ્છો છો તે તમારા પર જ આધાર રાખે છે. અસામાન્ય હોવું આશીર્વાદ તો છે જ પણ અતિશયોક્તિ શ્રાપરૂપ પણ છે. મેરીની માતા ગણિતની થીયરીને ઉકેલતી વખતે મૃત્યુ પામે છે. અને એક સામાન્ય ખુશીવાળું જીવન તેની દીકરી સાથેનું તે માણી શકતી નથી. આથી જ ફ્રેંક મેરીને સામાન્ય જીવન આપવાનો નિર્ણય લે છે.

૨ પ્રેમ

માત્ર છોકરા – છોકરીનો પ્રેમ જ પ્રેમ નથી. આ મુવી જોતી વખતે તમે એક ખુબ જ સુંદર, અતૂટ અને આહલાદક પ્રેમ મેરી અને ફ્રેંક વચ્ચે અનુભવશો. અહી ફ્રેંક તેના માટે એક પિતા, મિત્ર અને ગુરુ બધું જ છે. કેટલી સુંદરતા છે એ વાતમાં કે એક જ વ્યક્તિમાં અનેક વ્યક્તિ મળી જવા.

 How do you create an ordinary life for an extraordinary girl

એક અત્યંત પ્રતિભાશાળી મેરીને કઈ રીતે એક સામાન્ય જીવન જીવતા પણ શીખડાવવું અને તેમાં પણ ખુશી કેમ મેળવવી તે વાત આ મુવીમાં ખુબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે. અહી એક સીનમાં ફેઈથ એટલે કે વિશ્વાસની વાત કરવામાં આવે છે ત્યારે ફ્રેંક કહે છે: “ વિશ્વાસ તમને શું ખબર છે તેના પર નથી રાખવાનો હોતો. પણ વિશ્વાસ તમે શું વિચારો છો અને શું અનુભવો છો તેના પર આધારિત છે. ફ્રેંકને વિશ્વાસ હતો કે મેરી એક સામાન્ય પણ સુંદર જીવન જીવી શકશે.

૪ જાતે જવાબ શોધવાની મજા

એક સીનમાં મેરી ફ્રેન્કને ભગવાન વિશે પૂછતી હોય છે ત્યારે ફ્રેંક કહે છે કે ભગવાન ખરેખર છે કે નહિ તે તેને નથી ખબર. હોઈ પણ શકે અને ના પણ. મેરીએ તે વાતનો જવાબ જાતે જ શોધવો જોઈએ. આટલી નાની ઉંમરમાં અનેક સવાલો અને અનેક સુંદર જવાબો સાથે મેરીની જીવનકથા આગળ ચાલતી રહે છે.

૫ નાની વાતો પણ મોટી ખુશી

મેરી એકવાર ફ્રેંકને પૂછે છે કે : “હું જન્મી ત્યારે બધા કેટલા ખુશ થયા હતા?” ફ્રેંક તેના જવાબરૂપે તેને એક હોસ્પીટલમાં લઇ જાય છે અને ત્યાં એક કુટુંબને બેબીના જન્મ પહેલા અને પછીની ખુશીનું દ્રશ્ય દેખાડે છે અને કહે છે કે – આટલી જ ખુશી તેને મેરીના જન્મ વખતે થઇ હતી. નાની વાતને સમજાવવા માટે પણ આ મુવીમાં ખુબ જ લાગણીસભર અને માર્મિક પ્રશંગો આપ્યા છે.

આ મુવીના દરેક સીનમાં ઘણા પાઠો છે – કેટલાક તમે જોઈ અને સાંભળી શકશો તો કેટલાક માત્ર અનુભવી શકશો. તમારી જાતને પૂછો શું તમે ગીફ્ટેડ છો? તમારી આસપાસ કોઈ ગીફ્ટેડ વ્યક્તિ છે? તમે શું ઈચ્છો છો? એક અસામાન્ય જીવન કે સામાન્ય જીવન? શેમાં છે ખરી મજા? ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની