Gerald's game

GeraldsGame by darshali soni.jpg

પ્રખ્યાત લેખક સ્ટીફન કિંગની ૧૯૯૨માં જેરાલ્ડ’સ ગેમ નામની એક નવલકથા આવી હતી. ૨૦૧૭માં તેના પરથી મુવી બન્યું. આજે એક એવા મૂવીની વાત કરવી છે જે તમને તમારી જાત વિશે, તમારા અનુભવો વિશે, તમારા વ્યક્તિત્વ વિશે અને તમારા વર્તમાન વિશે વિચારતા કરી મૂકશે. હા, આ વાર્તામાં જે કઈપણ થયું તે વાસ્તવિક નથી, માત્ર સ્ટીફન કિંગની અદ્ભુત કલ્પના છે. આમ છતાં આ પ્રકારના મુવી તમને એક વાર તો વિચારતા કરી જ મૂકશે. તો શરુ કરીએ:

જેસી અને જેરાલ્ડ – ઘણા વર્ષોના લગ્નજીવનને વધુ રોમાંચક બનાવવા માટે એક સરોવર કિનારે આવેલ ઘરમાં બે દિવસ વિતાવવા જાય છે. તે ઘર સૂમસામ જગ્યાએ છે. આસપાસ કોઈ રહેતું નથી. જંગલની વચ્ચે આવેલ આ ઘર તો સુંદર છે પણ આ ઘરમાં કેવી ભયાનક ઘટનાઓ ઘટે છે તે માટે તમારે આ મુવી જોવું રહ્યું. જેરાલ્ડ અને જેસી એક સેક્સ ગેમ રમવાનું નક્કી કરે છે. જેરાલ્ડનો આઈડિયા છે જેસીને હથકડી પહેરાવવાનો હોય છે. શરૂઆતમાં તો જેસીને આ વાત બરાબર લાગે છે પણ પછી જેરાલ્ડના વર્તનમાં થોડો બદલાવ આવે છે તેથી તેણી ડરી જાય છે. થોડીવારમાં જેરાલ્ડ અને જેસી ઝગડવા લાગે છે. જેસીના હાથ બંધાયેલા છે, જેરાલ્ડની ઉંમર પચાસથી વધુ છે – ઝગડામાંને ઝગડામાં જેરાલ્ડને હાર્ટએટેક આવી જાય છે અને તે મૃત્યુ પામે છે.

હવે જેસી ફસાઈ જાય છે, તે નથી એમ્બ્યુલન્સને કોલ કરી શકતી, નથી પોતાની જાતને બાંધેલી હથકડીમાંથી છોડાવી શકતી. આજુબાજુમાં કોઈ રહેતું નથી તેથી તેની ચીસો પણ કોઈ સાંભળી શકતું નથી. બસ એક વરુ છે જે વારંવાર જેસીના રૂમમાં આવે છે. ધીમે ધીમે તે જેરાલ્ડને શરીરને ખાવા લાગે છે. મજબૂર જેસી કઈ કરી શકતી નથી. જોતજોતામાં રાત પડવા લાગે છે, અંધારું થઇ જાય છે, કલાકોથી જેસીએ પાણી નથી પીધું, તેના હાથમાં લોહી મરી ગયું છે, તેણી બેભાન અવસ્થામાં પહોંચી ગઈ છે. હવે તેને જેરાલ્ડ દેખાવા લાગે છે – તે તેની સાથે વાત કરી રહ્યો છે, તેને પોતાની જાત પણ દેખાવા લાગી છે. આવા અઘરા સમયમાં તે પોતાના ભૂતકાળમાં સરી પડે છે.

એક ભૂતકાળની ઘટના પરથી તેને એ યાદ આવે છે કે તેની સેટીની ઉપર જેરાલ્ડે પાણીનો ગ્લાસ મૂકેલો હશે કારણ કે તેને દવા લઈને પાણી પીવાની આદત હતી. તે પાણી પીવા માટે જેસી કઈ રીતે જુગાડ કરે છે તે તમારે મુવીમાં જોવું રહ્યું.

ત્યારબાદના તેના બીજા ભૂતકાળના અનુભવ પરથી તેને એ યાદ આવે છે કે જો તે તેના હાથમાં કાચનો ગ્લાસ ફોડી નાખશે તો લોહી નીકળી જશે અને તેના હાથમાં જે લોહી મરી ગયું છે, તે વહેવા લાગશે.

આ અઘરા સમય દરમિયાન જેસી તેના જીવનની સૌથી અઘરી યાદો અને ઘટનાઓનો સામનો કરે છે, તેના પિતાએ તેની સાથે કરેલું દુષ્કર્મ, તેણીની એકલતા, આ અનુભવ પછી તેના જીવનના અનુભવો, તેની ગેરાલ્ડને પસંદ કરવા પાછળનો તર્ક. – આ બધું જ જેસીને ધીમે ધીમે સમજાવવા લાગે છે. જેસીને સમજાય છે કે જે લોકો – તેના પિતા અને પતિ તેની રક્ષા કરવા માટે હતા તે જ તેઓની રક્ષા કરી શકતા નથી. જેસીના સ્વભાવમાં, તેના વર્તનમાં અને તેના અનુભવોને લીધે તેના જીવન વિશે ઘણા સત્યો સમજાય છે.

કઈ રીતે જેસી આ હથકડીમાંથી બહાર નીકળે છે, કઈ રીતે તે તેના મનની વાતો અને ડરનો સામનો કરે છે, કઈ રીતે તે પોતાની જાતને વરુથી બચાવે છે, કઈ રીતે તેણી એક ગુનેગારથી પોતાના જીવને બચાવે છે તેના માટે આ મુવી જોવું રહ્યું.

શું જેસી પોતાના મનની બનાવેલી જેલમાંથી બહાર નીકળી શકે છે? શું જેસી તેના જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે છે? શું જેસી તેના જીવનમાં તેના ભૂતકાળને પાછળ છોડી શકે છે? શું જેસી પોતાની જાતને અને બીજાને માફ કરી શકે છે? તેના જીવનનો આ અઘરો અનુભવ તેને અલગ બનાવી દે છે? આ બધા જ જવાબો તમને મુવીમાંથી મળશે.

આ મુવી ગંભીર છે, આમાં કોઈ મનોરંજન નથી. જો તમારે સસ્પેન્સ, થ્રીલર પ્રકારના મુવી જોવા હોય તો આ મુવી જોવું જોઈએ. એક લેખક કે મુવી બનાવનારની કલ્પનાશક્તિ ક્યાં સુધી પહોંચી શકે તે જાણવા માટે પણ આ મુવી જોવું જોઈએ.